બારડોલી DYSP કચેરી અને પોલીસ સ્ટેશનની 500 મીટર અંતરમાં જ ધમધમી રહેલા વિદેશી દારૂના અડ્ડાનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કરી બારડોલી પોલીસની નિષ્ક્રિયતા છતી કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતી ઝાંપા વિસ્તારમાંથી 43790 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી એકની અટક કરી હતી. બારડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે. સરભોણમાં દારૂ બંધ કરાવવા ગયેલા યુવાનો પર હુમલો છતાં પોલીસે પહેલા બુટલેગરની ફરિયાદને આધારે દારૂબંધી સમર્થકો સામે ગુનો નોંધ્યો હતો.
ભારે હોબાળા બાદ પોલીસે બુટલેગરો સામે ગુનો નોંધવાની ફરજ પડી હતી. આટલા વિવાદ બાદ પણ બારડોલી પોલીસ નિષ્ક્રિય જોવા મળી હતી. પોલીસ સ્ટેશન અને DYSP કચેરીના 500 મીટરના અંતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધી રોડ પર સુરતી ઝાંપા વિસ્તારમાં રહેતા સઈદ મહમદ પટેલના ઘરમાં છાપો મારી 382 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 43 હજાર 790 ઝડપી પાડ્યો હતો. મોનિટરિંગ સેલની ટીમ બારડોલી પોલીસની નિષ્ક્રિયતા છતી કરી દીધી હતી. પોલીસે સ્થળ પરથી એક મોબાઈલ ફોન કિંમત રૂ. 5000, રોકડા રૂ. 4740, આઇસ બોક્સ કિંમત રૂ. 500, પ્લાસ્ટિકની ડોલ કિંમત રૂ. 200 મળી કુલ 54 230 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સઈદ મહમદ પટેલની અટક કરી જથ્થો આપનાર મનોજ લાલસિંગ ચૌધરી ( રહે. બાજીપુરા, તા. વાલોડ, જી. સુરત) ને વોન્ટેડ જાહેર કર્યો હતો
બારડોલી તા.પં.ની ભાજપની મહિલા સભ્ય વિદેશી દારૂ વેચતી હોવાનો વિડીયો વાઇરલ
બારડોલી તાલુકા પંચાયતની ભાજપની મહિલા સભ્ય વિદેશી દારૂનું વેચાણ કરતી હોય તેવો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી ગઇ છે. વાઇરલ થયેલા વિડીયોમાં એક ગામની મહિલા સભ્ય વિદેશી દારૂની બોટલ ભરી તેનું ગ્રાહકોને વેચાણ કરતી નજરે પડે છે. સાથે જ તે દારૂનો જથ્થો પકડાવવા અંગે પણ વાતચીત કરતી નજરે પડે છે. આ વિડીયો કોઈ ગ્રાહક દ્વારા જ ઉતારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પહેલા આ મહિલા દેશી દારૂની પોટલી ભરીને આપે છે ત્યારે બાદ વિદેશી દારૂ એક બોટલમાં ભરીને આપે છે. આ મહિલા સામે ભાજપ શું કાર્યવાહી કરે છે, એ જોવું રહ્યું. બીજી તરફ દારૂબંધીની જવાબદારી પોલીસની છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બારડોલી પોલીસ બુટલેગરોને છાવરી રહી હોય અહીં પણ કાર્યવાહીના નામે કાઈ થશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે.