રાજપીપળા: (Rajpipla) તિલકવાડાના મારૂંડીયા ગામમાં ચાલતા જુગારધામ પર નર્મદા એલ.બી.બી.એ (LCB) દરોડો પાડ્યો હતો. જેમાં ડભોઈ નગર યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત 12 નબીરા જુગાર (Gambling) રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. નર્મદા એલ.સી.બી એ તિલકવાડા વિસ્તારમાંથી વડોદરા જિલ્લાના ડભોઈ નગર યુવા ભાજપના (BJP) ઉપપ્રમુખ હાર્દિક રમેશચંદ્ર મોચી ઉર્ફે ચૌહાણ સહિત 12 નબીરાઓ જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં. નર્મદા એલ.સી.બી એ આ તમામ 12 આરોપીઓને તિલકવાડા પોલીસને સોંપણી કરી દીધી હતી. આ મામલે વડોદરા જિલ્લા ભાજપમાં પણ હલચલ થઈ જવા પામી છે. વડોદરા જિલ્લાનાં યુવા ભાજપ પ્રમુખ દર્શીત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાર્દિક ચૌહાણ જુગાર રમતા પકડાયા જો આ બાબતમાં કોઈ તથ્ય હશે તો વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ અમે કાર્યવાહી કરીશું.
નર્મદા એલ.સી.બી એ તિલકવાડા વિસ્તારમાંથી વડોદરા જિલ્લાના ડભોઈ નગર યુવા ભાજપના ઉપપ્રમુખ હાર્દિક રમેશચંદ્ર મોચી ઉર્ફે ચૌહાણ સહિત 12 નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હોવાની વાત સામે આવી છે. એલ.સી.બી. એ દરોડો પાડ્યો હતો જેમાં દિવાન બિસ્મિલાહ શાહ બચુ શાહ (રહે, ડભોઈ), મન્સૂરી ઈમરાન સલીમ (રહે.સંખેડા), મહેશ ગોવિંદ રબારી (રહે.સંખેડા), નરેન્દ્ર શંકરલાલ દરજી (રહે.બહાદુરપુર), આશિષ સુનિલ શાહ (રહે.ડભોઈ), કૃણાલ કિરીટ પટેલ (રહે.તિલકવાડા), તુષાર નરસિંહભાઈ વસાવા (રહે.ડભોઈ), ભીખા વિરમ પરમાર (રહે.કારેલી) ઝડપાયા હતા.
આ ઉપરાંત એલ.સી.બી. એ રક્ષિત વીપીન પટેલ (રહે.ગુંદીયા), સંજય ખોડાભાઈ રાવલ (રહે.જલોદરા) તથા મિતેષ જેન્તિભાઈ માછીને (રહે. તિલકવાડા)ને રોકડા રૂા. 71,020 તથા 51,000 રૂપિયાની કિંમતના 12 મોબાઈલ તથા 1.30 લાખ રૂપિયાની એક બાઈક મળી કુલ રૂા. 2,52,020ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ હતી. નર્મદા એલ.સી.બી એ આ તમામ 12 આરોપીઓને તિલકવાડા પોલીસને સોંપણી કરી દીધી હતી. આ તમામ આરોપીઓએ આખી રાત તિલકવાડા પોલિસ મથકમાં જ વિતાવવી પડી હતી.
આ વાતમાં તથ્ય હશે તો અમે હાર્દિક ચૌહાણ સામે કાર્યવાહી કરીશું : વડોદરા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ
વડોદરા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દર્શીત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ડભોઈ નગર યુવા ભાજપ ઉપપ્રમુખ હાર્દિક ચૌહાણ જુગાર રમતા પકડાયા એ મને જાણવા મળ્યું નથી પણ જો આ બાબતમાં કોઈ તથ્ય હશે તો વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ અમે કાર્યવાહી કરીશું.