દમણ: (Daman) દમણની ફાર્મા કંપનીએ દિલ્હીની કંપની પાસે પેરાસિટામોલનું રો-મટિરિયલ્સ મંગાવ્યું હતું. જે લેબ ટેસ્ટ કરાયા બાદ ડુપ્લિકેટ (Duplicate medicine) જણાતાં કંપનીએ દિલ્હીની કંપની વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે તપાસનો ધમધમાટ કરતાં યુપીના કાનપુર જઈ આ ગોરખધંધામાં સંડોવાયેલા 9 શખ્સોને દબોચી લીધા હતા.
સંઘપ્રદેશ દમણની સોફ્ટેક પ્રા. લી. ફાર્મા કંપનીએ 15 જૂનના રોજ ઈન્ડિયા માર્ટ નામની સોશિયલ સાઈટ ઉપરથી પેરાસિટામોલ (Paracetamol) દવાનું રો-મટીરીયલ્સ મંગાવવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. જેમાં એક કાનપુર યુરો એસિયા કેમિકલ નામની કંપનીનો સંપર્ક મળ્યો હતો. જ્યાં ફાર્મા કંપનીએ યુરો એસિયા કેમિકલના સંચાલકોનો સંપર્ક સાધી જરૂરી વાટાઘાટો કરી હતી. જ્યાં યુરો એસિયા કંપનીએ પેરાસિટામોલ દવાના રો-મટિટરયલ્સના જરૂરી સેમ્પલ દમણ મોકલ્યા હતા. જે લેબ ટેસ્ટમાં ખરા ઉતરતાં કંપનીએ 5 ટન રો-મટીટીયલ્સના જથ્થાનો ઓર્ડર આપ્યો હતો. આ માલનાં રૂ. 9.75 લાખની પણ ઓનલાઈન ચૂકવણી કરી દેવાઈ હતી. જે બાદ ઉપરોક્ત કંપનીએ દમણ રો-મટીરીયલ્સનો 5 ટન જથ્થો ટ્રાન્સપોર્ટ થકી મોકલ્યો હતો. જ્યાં આવેલા દવાના રો-મટીરીયલ્સનું લેબ ટેસ્ટ કરતાં સમગ્ર માલ ડુપ્લિકેટ હોવાનું સામે આવતા દમણ સોફ્ટેક પ્રા. લી. ફાર્મા કંપનીના એચ.આર. એક્ઝીક્યૂટીવ અજિત શર્મા દ્વારા કંપનીના અલગ અલગ મોબાઈલ ફોન ઉપર સંપર્ક સાધ્યો હતો. પરંતુ કોઈ જવાબ ન મળતા આખરે આ અંગે નાની દમણ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસે આ કામનાં આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવા એક વિશેષ ટીમનું ગઠન કરી ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માધ્યમો થકી મળેલી મદદથી તપાસ કાર્ય હાથ ધર્યું હતું. પોલીને એક કડી મળી કે આ કામનાં આરોપીઓ કાનપુરમાં છે. આ પ્રમાણેની બાતમી મળતા જ પોલીસની એક ટીમ કાનપુર રવાના થઈ હતી. કાનપુર પોલીસની મદદથી કાનપુરનાં કૃષ્ણ ટાવર, સિવિલ લાઈન પાસે આવેલ યુરો એસિયા બાયો કેમિકલ પ્રા.લી.ની કંપનીના 5 મા માળ ઉપર છાપો પાડી 9 આરોપીની ધરપકડ કરી હતી. તેમને કાનપુર કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝીટ રિમાન્ડનાં આધારે દમણ લાવી આગળની તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ
- પ્રશાંત રજનારાયણ શ્રીવાસ્તવ (ઉ-27, કાનપુર, ઉ.પ્ર.)
- ઓમપાલસિંહ શ્યામચરણ (ઉ.44 રહે. ઉદ્યાન વિહાર લખનપુર, કાનપુર)
- પંકજ રમેશચંદ્ર શર્મા (ઉ. 53, નવીનગર કાકાદેવ, કાનપુર)
- તુફેલખાન ઉારુખ ખાન (ઉ. 43, નાહ્યા ચોક, પરેડ, કાનપુર)
- સત્યપ્રકાશ શ્રીશિવનાથ યાદવ (ઉ.30, રહે. રતનપુર, મિરઝાપૂર, કાનપુર)
- જિશન રહીસ મદ રહીસ (ઉ. 29, રહે. ખપરામોહલ કેન્ટ ઉ.પ્ર.)
- અન્ય ત્રણ મહિલાઓ
અજયકુમાર પોતાની જ કંપનીના નામની એક ક્લોન કંપની બનાવી હતી, ને પ્રોપરાઈટર કંપનીના પટાવાળાને બનાવી ગોરખધંધો કરતો હતો
પોલીસ તપાસમાં જાણાવા મળ્યું કે, આ કામનો મુખ્ય આરોપી અજયકુમાર જેની વાસ્તવિક કંપની યુરો એશિયા બાયો કેમિકલ્સ પ્રા. લી. છે. જેણે તેની કંપનીની જ બીજી એક ક્લોન કંપની યુરો એશિયા કેમિકલ બનાવી હતી. આ કંપનીના સેવકને કંપનીના પ્રોપરાઈટર બનાવી ફાર્મા કંપનીઓ અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતાં હતા. પોલીસે સ્થળ ઉપરથી વિવિધ બેંકોની 80 જેટલી ચેકબુક, મોબાઈલ ફોન, એક લેપટોપ, એક કોમ્પ્યુટર, અલગ અલગ સરકારી કાર્યાલયોના રબર સ્ટેમ્પ અને રોકડા રૂ 58,200 સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે હાલ તો, આ ગુન્હાનો મુખ્ય સુત્રધાર અજયકુમાર પોલીસ પકડથી દૂર હોય એને પકડવાના દમણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.