આ અંકે આપણે જોઇશું કે અન્ય કયાં લક્ષણો દેખાય તો એ અપૂરતા પોષણની નિશાની હોઈ શકે?
- ઘાને રૂઝ ના આવવી
સામાન્ય રીતે આપણને વાગતાં ઘા પડે તેની રૂઝ આપોઆપ ૪-૫ દિવસમાં આવી જાય છે. પરંતુ કેટલાંક કારણોસર ઘામાં રૂઝ ઝડપથી આવતી નથી. આનું કારણ અપૂરતું પોષણ તો છે જ પરંતુ એ ઉપરાંત અન્ય કારણો છે જે પણ આપણે સમજીએ.
- પ્રોટિનની કમી
શરીરમાં પ્રોટિનની કમીને કારણે રૂઝ આવવા માટે જરૂરી એવા ફાઈબ્રીનોજન્સ બની શકતા નથી જેને કારણે રૂઝ મોડી આવે છે. આ માટે જ જ્યારે વાગ્યું હોય ત્યારે વધુ પ્રોટિનયુક્ત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે દૂધ, પનીર, દહીં, ઈંડાં, ચિકન, કઠોળ જેવા પ્રોટિનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવાથી રૂઝ જલ્દી આવવામાં મદદરૂપ થાય છે.
- ઘાનું ઊંડાણ
ઘા કેટલો ઊંડો છે તેના પર તેનો રૂઝ આવવામાં લાગતો સમય આધારિત છે. જેટલો છીછરો ઘા એટલો જલ્દી ભરાય. ઘા જેટલો ઊંડો એટલો ભરાતા વાર લાગે.
- ઉંમર
ઉંમર વધતી જાય તેમ તેમ ઘા રૂઝાતાં વાર લાગે છે.
- ઇન્ફેક્શન
શરીરમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન હોય અથવા ઘામાં પાક થયો હોય ત્યારે રૂઝ આવવામાં તકલીફ પડે છે. આવા સંજોગોમાં ડૉકટર એન્ટી બાયોટીક દવાઓ આપે છે જે દ્વારા પાક મારીને ઘા રૂઝાઈ શકે
- ડાયાબિટિસ
ડાયાબિટિસ જેવો રોગ હોય, તો રૂઝ આવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ માટે જો ડાયાબિટિસના દર્દીને ઘા લાગે તો સૌથી પહેલી ટ્રીટમેન્ટ શુગરને કંટ્રોલ કરવાની કરવામાં આવે છે.ડાયાબિટિસના દર્દીને ઘા લાગે તો સૌથી પહેલી ટ્રીટમેન્ટ શુગરને કંટ્રોલ કરવાની કરવામાં આવે છે.
- મોંઢામાં ચાંદાં પડવાં
લગભગ દરેક વ્યક્તિ જીવનમાં ઓછામાં ઓછી એક વાર તો આ સમસ્યાનો સામનો કરે જ છે. મોંઢામાં ચાંદાં પડવાનાં મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે.
- વિટામિન બી૧૨, ફોલેટ આયર્ન જેવાં પોષક તત્ત્વોની ખામી
આ પ્રકારનાં પોષક તત્ત્વોની ખામીને કારણે પણ મોંઢામાં ચાંદાં પડે છે. આ માટે આહારમાં પૂરતા પ્રમાણમાં લીલી ભાજી, ફળો, બીટ અને જો માંસાહારી હો તો ચિકનનો ઉપયોગ કરવો જોઈએ.
- અપૂરતી ઊંઘ અને આરામ
સતત તણાવપૂર્ણ રૂટિન હોય, પૂરતી ઊંઘ ન મળતી હોય તો આવા સંજોગોમાં શરીરને ચેતવણી આપવા માટે મોંઢામાં ચાંદાં પડે છે. જે સંકેત આપે છે કે શરીરને આરામની જરૂર છે.
- કબજિયાત
પેટ બરાબર સાફ ન રહેતું હોય તો મોંઢામાં ચાંદાં પડી શકે. આ માટે પુષ્કળ રેસાયુક્ત આહાર અને પ્રવાહીનો રોજિંદા આહારમાં ઉમેરો કરો.
- એન્ટી બાયોટિકની અસર
કેટલીક એન્ટી બાયોટિક દવાઓ અમુક માંદગીમાં લેવી જ પડે છે. અમુક એન્ટી બાયોટિક દવાઓ આંતરડાંમાં ઉપર પ્રકારનાં પોષક તત્ત્વોનું શોષણ અટકાવે છે ને જેના પરિણામે મોંઢામાં ચાંદાં પડે છે. આવા સંજોગોમાં જ્યારે એન્ટી બાયોટિક દવાઓ લેવામાં આવે ત્યારે એની સાથે દહીં જેવું પ્રો બાયોટિક પુષ્કળ પ્રમાણમાં લેવાથી ફાયદાકારક સાબિત થઈ શકે. ક્યારેક એન્ટી બાયોટિક દવાઓની સાથે પ્રિ – પ્રો બાયોટિક દવાઓ પણ આપવામાં આવે છે જેથી એન્ટી બાયોટિકની આડઅસરો નાથી શકાય. આમ, ઉપર મુજબની તકલીફોમાં આહાર આયોજનમાં થોડા ફેરફાર કરવાથી રાહત મળી શકે અને છતાં ફેર ન પડે અને ઉપર મુજબની તકલીફો લાંબો સમય ટકે તો ડૉકટરની સલાહ લેવી હિતાવહ છે.