Business

વરસાદી મોસમમાં ઘરનું કરો મેકઓવર

વરસાદમાં વરસતો વરસાદ અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી મન મોહી લે છે. તનમન તરબતર કરી દેતી આ મોસમમાં ઘરના ઈન્ટીરિયરમાં પણ થોડો બદલાવ કરીએ તો? આવો જાણીએ કેટલીક ટિપ્સ….

  • રંગોને સ્થાન આપો

અસહ્ય ગરમી બાદ વરસાદી વાતાવરણ ભલે દિલને ઠંડક આપે પરંતુ વાદળોથી ઘેરાયેલું આકાશ ક્યારેક મનને ઉદાસ પણ કરે છે. તેનાથી બચવા માટે ઘરને જેટલું રંગબેરંગી બનાવી શકાય એટલું સારું. પીળો, લીલો, ગુલાબી જેવા પ્રાકૃતિક રંગો ઘરને ખુશનુમા બનાવવામાં મદદ કરે છે. કેન્ડલ્સ, કલરકુલ બેડશીટ્સ અને સજાવટી ફૂલો દ્વારા ઘરમાં જુદા જુદા કલર્સને સ્થાન આપી શકાય.

  • દીવાલોનો લુક બદલો

થોડી કલાત્મક્તા અને કલ્પનાશીલતાથી દીવાલો પર સુંદર ડિઝાઈન કરી મોન્સૂનમાં ઘરને નવો લુક આપી શકાય છે. નવા લુક માટે ઈચ્છો તો એક સારું વોલપેપર લગાડો કે તમારી પસંદનું કોઈ પોસ્ટર. દીવાલ પર કોઈ સારું મ્યુરલ પણ બનાવી શકાય. અલગ અલગ રંગોની ફોટો ફ્રેમ્સવાળી તસવીરો પણ દીવાલોને સજાવવાનો બહેતરીન ઉપાય છે.

  • ફૂલોથી મહેકાવો ઘર

ઘરને મોન્સૂન ફ્રેન્ડલી બનાવવાની સૌથી સારી અને આસાન રીત છે ફૂલછોડ ઘરમાં રાખવાં. લીલા છોડમાં વધારેમાં વધારે રંગબેરંગી ફૂલોવાળાં છોડ રાખો. એ માટે નાના નાના રંગબેરંગી પ્લાન્ટર્સનો ઉપયોગ કરો. મનીપ્લાન્ટ જેવી વેલ નાના પ્લાન્ટર્સમાં દીવાલ પર પણ સજાવી શકાય. ખાસ કરીને બાથરૂમ અને કિચનમાં ફૂલછોડ રોપો. તમે કલરફુલ વાઝમાં સુગંધિત ફૂલો પણ રાખી શકો. ભેજવાળા વાતાવરણમાં એ ઘરને મહેકાવશે.

  • કિચનને આપો જીવંત રૂપ

વરસાદી મોસમમાં ગરમાગરમ ખાવાની ઈચ્છા પણ વધુ થાય છે એટલે કિચનના ઈન્ટીરિયરને પણ જીવંત રૂપ આપવાની કોશિશ કરવી જોઈએ. એ માટે રંગબેરંગી કલાત્મક એસેસરીઝ, સ્ટાઈલિશ ક્રોકરી, રંગીન ટેબલમેટ્સનો ઉપયોગ કરી શકાય. એનાથી કિચનની સજાવટમાં તો ચાર ચાંદ લાગશે જ સાથે ખુશનુમા અહેસાસ પણ થશે.

  • ભારે ફર્નિશીંગ્સ દૂર કરો

ચોમાસું તાજગી અને ઠંડકની સાથે ભેજ પણ લાવે છે. ત્યારે બફારો દૂર કરવા ભારેખમ પડદા કે કાર્પેટ કાઢી નાખો. એને બદલે લાઈટ પડદા લગાડો. અલગ લુક માટે ઘરના પ્રવેશદ્વારે આકર્ષક ડોરમેટ રાખો જેથી માટી-કાદવ ઘરમાં ન આવે. તમે છત્રી-રેનકોટ પણ ઘરમાં લઈ જવા ન પડે એ માટે બહાર સ્ટેન્ડ રાખી શકો.

  • મોન્સૂન પ્રૂફ ઘર

વરસાદી વાતાવરણનો આનંદ માણવા ઘર મોન્સૂન પ્રૂફ હોય એ પણ જરૂરી છે. ઘરમાં ક્રોસ વેન્ટિલેશન અને સાફસફાઈનું ખાસ ધ્યાન રાખો. જેથી ચોમાસામાં બીમારીઓનું જોખમ ઓછું રહે.

  • બાલ્કની સજાવો

ચોમાસાની ઋતુમાં ક્યારેક બારી કે બાલ્કની પાસે બેસી વરસાદને નિરખતા રહેવાની પણ કંઈક જુદી જ મજા છે. શાતા આપતી આ પળો માટે બાલ્કનીને રીએરેન્જ કરો. એ માટે વોટરપ્રૂફ ફર્નિચર પર રંગબેરંગી કુશન્સ મૂકો. થોડા પ્લાન્ટર્સ અને એક ખૂણામાં વિન્ડ ચાઈમ્સ મૂકો. એક નાના ટેબલ પર તાજાં ફૂલ રાખો. ફૂલોમાંથી આવતી માદક સુગંધ અને વિન્ડ ચાઈમ્સનો મધુર ધ્વનિ વરસાદની મોસમને યાદગાર બનાવશે.

Most Popular

To Top