Business

પ્રિય સન્નારી

કેમ છો?

ચોમાસું જામી રહ્યું છે. આપણા જીવનમાં પણ કોઇ ને કોઇ ક્ષણે વિવિધ લાગણીઓનું ચોમાસું જામતું હોય છે. તમારા જીવનને પોષતો વરસાદ હરહંમેશ વરસતો રહે એવી શુભેચ્છાઓ.

સન્નારીઓ, દેવ સૂતા પહેલાં છેલ્લાં છેલ્લાં લગ્નો થઇ રહ્યાં છે. છેલ્લા દાયકામાં લગ્નનું આંતરિક અને બાહ્ય કલેવર બંને આમૂલ પરિવર્તન પામ્યું છે. ખાસ કરીને દીકરીઓની વાત કરીએ તો પહેલાં જે નજાકતતા નવવધૂમાં જોવા મળતી એ ભાગ્યે જ જોવા મળે છે. હમણાં ઘણાં બધાં લગ્ન એટેન્ડ કર્યાં. એમાં એકાદ છોકરી જ વિદાય વેળાએ રડી હશે. આપણે ત્યાં કન્યાવિદાયની સંવેદનશીલતા સૌથી વધુ હતી પરંતુ ફોટોગ્રાફસ અને ડાન્સના અતિરેક વચ્ચે આ સંવેદનશીલતા ખોવાઇ ગઇ એવું લાગે.

માની લઇએ કે નવજીવનની શરૂઆત હસતાં હસતાં કરવી જોઇએ પરંતુ જયાં જિંદગીનાં બાવીસ-ત્રેવીસ વર્ષ વીતાવ્યાં હોય એ ઘર-પરિવાર અને સ્વજનને છોડતાં હૃદયમાં જરા ય દુ:ખ ન થાય? જૂની પેઢીની સ્ત્રી આજે ય અઠવાડિયું પિયર રહીને આવે ત્યારે એની આંખના ખૂણા ભીના થઇ જાય છે. માની લઇએ કે આંસુ એ સંવેદનશીલતાની એક માત્ર નિશાની નથી…પરંતુ કન્યાવિદાય એ નર્યો ભાવુકતાભર્યો પ્રસંગ છે. કેટેકેટલીય યાદોને હૃદયમાં સમેટીને જવાનું હોય છે. યાર, થોડી ભીનાશ અને થોડી નર્વસનેસ તો આવી જ જાય ને?

બીજું, લગ્નની ચોરીમાં થોડું ખટકે એ સતત વર-વધૂની વાતચીત… ઘરમાં બેઠાં હોય એમ જ હસવું… શરમાતી, લજાતી, ત્રાંસી નજરે જોતી, ધીમું-ધીમું શરારતભર્યું હસતી, ધીર પગલે ચાલતી અને થોડી ગંભીર વધૂ તો આજે ભાગ્યે જ જોવા મળે છે. વળી, વચ્ચે ફોન પર વાત પણ થઇ જાય. વિધિની ગંભીરતા તો દૂરની વાત રહી. કદાચ જૂની પેઢી લગ્નને વધારે ગંભીરતાથી લેતી હતી અને નવી પેઢી વધારે સહજતાથી લે છે. એમના માટે તૈયાર થઇને ફોટા પડાવવા અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા એ વધારે મહત્ત્વનું લાગે. તેઓ પાર્લર અને ફોટામાં એટલો સમય લે કે બ્રાહ્મણ અને ઘરનાં બધાં અકળાઇને ગુસ્સે થઇ જાય. અડધા લોકો દુલ્હનને જોયા વિના જ જમીને જતાં રહે.

પહેલાં લગ્ન પછી એડ્‌જસ્ટ થવામાં, પોતાના મનની વાત કરવામાં દિવસો વીતી જતા. હવે લગ્ન પહેલાં સાસરામાં અવર-જવર એટલી વધી ગઇ છે કે ન નવી વહુનો રોમાંચ સાસરાવાળાને થાય કે નવી વહુને સાસરામાં કશી નર્વસનેસ લાગે. લગ્નના બીજા-ત્રીજા દિવસે જ એ ખુલ્લા મને પોતાની વાત વ્યકત કરી દે. એમાં ખોટું નથી પરંતુ પરિવારની ઘણી-બધી બાબતોમાં સ્ત્રીઓએ તેલ જુઓ- તેલની ધાર જુઓ જેવું વલણ અપનાવવું પડે. ન ભાવે તો મમ્મી મારા માટે બીજું બનાવજો એવું કહી દે. બહાર જવું હોય તો જણાવીને ફટાફટ નીકળી જાય. લગ્ન પહેલાંનાં શોપીંગમાં પણ જરા ય શરમ ન રાખે, જે નક્કી કર્યું હોય તે જ લે. કામની બાબતમાં પણ આજની વહુઓ સ્પષ્ટ છે. તેઓ પ્રેમથી કહી દે કે ‘‘મમ્મી, મને આ ન ફાવે, તમારાથી થાય છે પરંતુ તમે કરો અને હું બેસું તો મારું ખરાબ લાગે એના કરતાં બીજા પાસે કરાવી લઇએ.’’ પોતાને શું જોઇએ એ સ્પષ્ટ જણાવી તેઓ પોતાનો રસ્તો બતાવી દે છે. કુલડીમાં ગોળ ભાંગવાનું એમને પસંદ નથી. સ્પષ્ટ ના એ એમના માટે અવિવેક નહીં પરંતુ સીધી વાત છે અને જે ન ફાવે એની જવાબદારી તેઓ લેતી નથી. પ્રથમ નજરે અટપટું લાગતું આ વર્તન બંને પક્ષે શું કરવું એની સ્પષ્ટ રૂપરેખા આપી દે છે. તેથી અપેક્ષાઓ જ ઓછી રહે છે. મમ્મી રાતના વાસણ હું ન કરી શકું કે એકલી રોટલી ન કરી શકું. જો કે પોતાને જે ફાવે છે તે કામ પ્રેમથી કરી લેશે. પરંતુ જૂની પેઢીની સ્ત્રી જેવું ખોટું બર્ડન લેતી નથી. ન તો એ શરમાય છે કે ન તો એ કરમાય છે.

સૌથી મહત્ત્વની વાત એ કે તેઓ કોઇ ખોટી પંચાતમાં પડતી નથી. પોતાને જોઇતું મળી જાય પછી બીજાની વાતમાં એ ઓછી દખલગીરી કરે છે. સંબંધોની આંટી-ઘૂંટી, દાવ-પેચ કે તારી-મારીને બદલે મળો ત્યારે પ્રેમથી મળો… બાકી મેસેજથી હાય-હેલો કરી લો… પછી નિ:સ્પૃહ થઇને પોતાનામાં મસ્ત બનીને જીવવાનું… કોઇએ સંભળાવ્યું કે શિખામણ આપી તો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાંખવાની. એની લાંબી ચર્ચા કરી મગજ નહીં બગાડવાનું અને કોઇના ભરમાવ્યા ભરમાવાનું નહીં, થોડી ઓછી હોય એવી છોકરીઓ પણ પોતાના માટે કોન્ફિડન્ટ હોય છે. શરમાયા, કરમાયા અને ભરમાયા વિના નવજીવનના રસ્તા પર ડગ માંડવાનું વલણ તમને કેવું લાગે છે? તમારો મત જરૂરથી જણાવજો.

સંપાદક

Most Popular

To Top