સુરત: સુરત શહેર (Surat city)માં વેક્સિનેશન સેન્ટરો (vaccination centers) પર હોબાળાનાં દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ ગયાં છે. વેક્સિન માટે શહેરીજનો (citizen)માં તો જાગૃતતા આવી છે. પરંતુ લોકોને વેક્સિન ન મળતાં લોકો પરેશાન (People got upset) થઈ રહ્યા છે.
શહેરમાં વેક્સિનનો પૂરતો સ્ટોક ન આવતાં લોકો કલાકો સુધી રાહ જોયા બાદ પણ નિરાશ થઈ ઘરે પરત ફરી રહ્યા હોવાની ઘટનાઓ જાણે સામાન્ય થઈ ગઈ છે. અને વેક્સિન માટે શહેરીજનોની લાંબી કતારો હવે ઘર્ષણમાં પરિણમી રહી છે. શુક્રવારે પણ શહેરના પુણા અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટર પર લોકોની ભારે સંખ્યામાં ભીડ (traffic) ઊમટી પડતાં અરાજકતાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શુક્રવારે પાંડેસરામાં વેક્સિન માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતાં ગણતરીનાં કલાકોમાં જ વેક્સિનના ટોકનનું વિતરણ થઈ જતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાછૂટકે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, એક બાજુ સરકાર વેક્સિનેશન માટે લોકોને અપીલ કરી રહી છે. બીજી બાજુ પૂરતો પૂરવઠો સુરત મનપાને નહીં અપાતાં બીજા ડોઝની સમય અવધી આવી ગઇ હોય તેવા દોઢ લાખ લોકો વેક્સિન મેળવવા વલખા મારી રહ્યા છે.
મહાવેક્સિનેશનના પ્રારંભ સાથે જ સુરત સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં વેક્સિનેશન સેન્ટરો બહાર ભારે ભીડ અને અરાજકતાનાં દૃશ્યો સામાન્ય થઈ ચૂક્યાં છે. સુરતમાં તો વેક્સિનેશન સેન્ટર પર વહેલી સવારથી જ લોકો ટોકન માટે ઊમટી પડતા હોય છે અને અંતે ટોકન ન મળતાં એકઠા થયેલા લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. પાંડેસરા ખાતે આવેલા વેક્સિનેશન સેન્ટર પર વહેલી સવારથી શ્રમિકો પોતાના પરિવારજનો સાથે રસી મુકાવવા માટે લાંબી કતારમાં ઊભા રહ્યા હતા. પરંતુ ગણતરીના સમયમાં જ ટોકનનું વિતરણ થઈ જતાં તેઓ પણ રોષે ભરાયા હતા. શહેરના રિંગ રોડ ખાતે આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં પણ કર્મચારીઓને વેક્સિન માટે વલખા મારવા પડી રહ્યા છે. વહેલી સવારથી જ શ્રમિકો અને કર્મચારીઓ વેક્સિન સેન્ટર પર પહોંચી ગયા હતા. પરંતુ વેક્સિન ખૂટી પડતાં તેમને પાછા ફરવાનો વારો આવ્યો હતો.
પુણા અને પાંડેસરા વિસ્તારમાં એક વ્યક્તિને એકથી વધુ ટોકન આપી દેવાતાં હોવાની બૂમ ઊઠી
શહેરના પ્રત્યેક વેક્સિનેશન સેન્ટર પર 100 લોકોને ટોકન આપી વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ સેન્ટરો પર વહેલી સવારથી 300થી 400 લોકોનું ટોળું થઈ જાય છે. પરંતુ આ દરમિયાન પુણા વિસ્તારના એક વેક્સિન સેન્ટર પર લાઈનમાં ઊભા રહેનારી એક વ્યક્તિને એક ટોકન આપવાને બદલે આ વ્યક્તિ પોતાની પત્ની, માતા-પિતાનું પણ ટોકન લઈ લેતાં 20થી 25 જણ બાદ અન્યોને ટોકન ન મળતાં હોવાની મોટા પાયે ફરિયાદો ઊઠી હતી. આ સ્થિતિમાં જો એક વ્યક્તિને એક જ ટોકન આપવામાં આવે તો વેક્સિનેશન સેન્ટર પર વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેનારા લોકો પૈકી મહત્તમ સંખ્યામાં ટોકનનું વિતરણ થઈ શકે તેમ છે.
શનિવારે પણ વેક્સિનેશનની હાલાકી રહેશે, માત્ર 16,200 લોકોને વેક્સિનની વ્યવસ્થા
મનપા દ્વારા શનિવારે પણ 162 સેન્ટર પરથી વેક્સિન આપવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે વેક્સિનેશન સેન્ટરોનું લિસ્ટ મનપાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પર અપલોડ કરાયું છે. પ્રત્યેક વેક્સિનેશન સેન્ટર ઉપર 100 જ લોકોને વેક્સિન અપાશે.
પહેલા અને બીજા ડોઝ માટે અલગ અલગ વ્યવસ્થા કરાશે
મનપાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા અને બીજા ડોઝ માટેના લોકો એક જ જગ્યાએ ભેગા થઇ જાય છે. આથી પણ ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. તેથી હવે પહેલા અને બીજા ડોઝવાળા લોકો માટે અલગ અલગ વ્યવસ્થા કરાશે. બીજા ડોઝ માટે જે વ્યક્તિનો સમય થઇ ગયો હશે, તેને નજીકના સેન્ટર પરથી વેક્સિન મૂકી દેવાનો મેસેજ જશે. જેમાં સ્થાનનો ઉલ્લેખ નહીં હોય પરંતુ બીજા ડોઝ માટેનાં સેન્ટરો જ અલગ કરી દેવાયાં છે.