Business

ઓનલાઈન એક્ઝામમાં ઓનલાઈન ચોરી

પરીક્ષા ઓનલાઈન હોય કે ઓફલાઈન વિદ્યાર્થીઓ ચોરી કરવાના નુસ્ખાઓ શોધી જ કાઢે છે. કોરોનાને કારણે હાલ કોલેજના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન ચોરી કરતા પણ શીખી ગયા છે. ઓનલાઈન પરીક્ષા માટે નીતિ નિયમો બન્યા હોવા છતા વિદ્યાર્થીઓને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે. એક્ઝામની સાથે ચોરી કરવામાં પણ વિદ્યાર્થીઓની ગજબની ક્રીએટીવીટી જોવા મળી રહી છે. હાલ જ નર્મદ યુનિવર્સિટીમાં ઓનલાઈન  એક્ઝામ  દરમિયાન ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે ખાસ મોનિટરીંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલમાં જ લેવાયેલી ઓનલાઈન એક્ઝામમાં 63 થી વધારે વિદ્યાર્થીઓ જુદા-જુદા નુસ્ખાઓ વાપરીને ઓનલાઈન ચોરી કરતા પકડાયા છે. જેમાં પણ ખાસ કરીને સોશ્યલ મિડીયા અને ગેજેટ્સ ચોરી કરવામા બેસ્ટ માધ્યમ બની ગયા છે.  ઓનલાઈન પરીક્ષાના માહોલ વચ્ચે ગુજરાતમિત્ર સિટીપલ્સે નર્મદ યુનિવર્સિટીના કુલપતિથી માંડીને રજીસ્ટ્રાર સાથે વાત કરીને વિદ્યાર્થીઓની ઓનલાઈન ચોરી કરવાની ક્રિએટીવીટી વિશે માહિતી મેળવી હતી.

  • ઓનલાઈન પરીક્ષા હોય કે ઓફલાઈન વિદ્યાર્થીઓ ચોરી કરે જ છે : કિશોરસિંહ ચાવડા, કુલપતિ

ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓ કાપલીઓની મદદથી ચોરી કરતા હતા તેની જગ્યાએ હવે ઓનલાઈન એક્ઝામમાં ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ યુનિવર્સિટીમાં ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે મોનિટરીંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં સ્ક્રીન ગોઠવેલી છે. એક્ઝામ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીનો શંકાસ્પદ કેસ જણાય તો તેને વેરીફાય કરીને ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે. મોટા ભાગે ઓનલાઈન ચોરીમાં વિદ્યાર્થીઓ હેડફોન અને મોબાઈલમાં વાત કરતા સૌથી વધારે પકડાય છે.

  • ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે મોનિટરીંગ રુમ બનાવવામાં આવ્યો છે : એક્ઝામિનેટર, નર્મદ યુનિ.

નર્મદ યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા દરમિયાન થતા ચોરીના કેસ પકડવા માટે ખાસ મોનિટરીંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં પ્રોક્ટર તરીકે અધ્યાપકોને બેસાડવામાં આવ્યા છે. આ 40 પ્રોક્ટર બે સેશનમાં ઓનલાઈન એક્ઝામ દરમિયાન વિદ્યાર્થીઓ પર વોચ રાખે છે. વિદ્યાર્થીઓ રુમમાં પોતાની સાથે અન્ય કોઈ વ્યક્તિને બેસાડીને તેના મદદથી પ્રશ્નોના જવાબ આપે છે. જેમાં તેઓ હોઠ ફફડાવતા કે બોલતા ઈમેજમાં કેપ્ચર થઈ જાય તો તેને શંકાસ્પદમાં ગણીને તેનું રેકોર્ડીંગ ફરી વખત ચેક કરીને આ રીતે ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડી લેવામાં આવે છે.

  • કાનમાં એરપોડ અને ઈયરફોન નાખીને વિદ્યાર્થીઓ વાતચીત કરે છે: એ.વી ધડુક, રજીસ્ટ્રાર

વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કાનમાં ઈયરફોન અને હેડફોન રાખવાની ચોખ્ખી મનાઈ ફરમાવવામાં આવી છે. તે છતા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન કાનમાં એરપોડ અને ઈયરફોન નાખીને એકબીજા સાથે વાત કરતા કેમેરામાં ક્લિક થઈ જાય છે. તેઓ એકબીજા સાથે ચાલુ ફોને પ્રશ્નોના વૈકલ્પિક જવાબો પુછીને એક્ઝામ પેપરમાં ફીલ કરી દે છે. આ વિદ્યાર્થીઓ કાનની પાછળ દેખાય નહીં તે રીતે એરપોડ પહેરી લે છે અને ગેજેટ્સની મદદથી ઓનલાઈન એક્ઝામમાં ચોરી કરે છે.

  • વોટ્સએપ ગૃપ બનાવીને વિદ્યાર્થીઓ ચોરી કરે છે: અધ્યાપક

સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોરી કરે છે. જેમાં ખાસ કરીને વોટ્સઅેપના માધ્યમથી ગૃપ બનાવીને એકસાથે 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓ કે જેમનું પેપર એકસરખું હોય છે તેઓ એક્ઝામ શરૂ થતાની સાથે ગૃપમાં એક્ટીવ થઈ જાય છે. ટેબલની નીચે મોબાઈલ રાખીને તેઓ એક્ઝામ પેપરની સાથે ગૃપમાં પણ નજર ફેરવાતા રહે છે. વોટ્સઅેપ ગૃપમાં તમામ સવાલોના જવાબો પણ મુકાઈ જતા હોય છે. આ પ્રકારનું ગૃપ એક્ઝામના બે કલાક પુરતું જ બનાવવામાં આવે છે અને એક્ઝામ પુરી થતાની સાથે ડિલીટ કરી દે છે.

  • સ્માર્ટ વોચથી પણ વિદ્યાર્થીઓ ચોરી કરે છે : પ્રોક્ટર

હાલ માર્કેટમાં એવી સ્માર્ટવોચ આવી ગઈ છે જેની મદદથી વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી ઓનલાઈન ચોરી કરી શકે છે. આ વોચમાં મોબાઈલની જેમ વાત પણ કરી શકાય છે અને મેસેજ પણ મોકલી શકાય છે. વિદ્યાર્થીઓ એક્ઝામ દરમિયાન આ પ્રકારની સ્માર્ટ વોચ પહેરી લે છે અને મેસેજ તેમજ ફોન મારફતે વાતચીત કરતા પણ ઈમેજમાં ક્લિક થઈ જાય છે. આ વોચમાં મોબાઈલની જેમ કોન્ફરન્સમાં એકથી વધારે વિદ્યાર્થીઓ જોડાઇ શકે છે.

Most Popular

To Top