Charchapatra

ફાઇઝરની રસી બાબતે ઇન્ડેમ્નિટીની માંગણી સ્વીકારવામાં હવે બિલકુલ વિલંબ ન કરવો જોઈએ

કોવિડ-૧૯ ની રસીને  ભારતમાં આપાતકાલીન વપરાશની અનુમતિ મેળવવા માટે સૌ પ્રથમ અરજી ફાઇઝરે  વર્ષ ૨૦૨૦ માં કરી હતી. સ્વાભાવિક છે કે તે સમયે ફાઇઝર પાસે ભારતને  આપવા માટે રસીઓનો પર્યાપ્ત જથ્થો હતો. પરંતુ, ભારત સરકારે ફાઇઝરને ભારતમાં બ્રીજીંગ ટ્રાયલ્સ કરવાનું કહેતાં ફાઇઝરે  પોતાની સદર અરજી પાછી ખેંચી લીધી હતી. અહીં નોંધપાત્ર છે કે તે સમયગાળામાં જ ભારતે  હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન રસીને, ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ પૂર્ણ ન થયા હોવા છતાં, આપાતકાલીન વપરાશ અનુમતિ આપી દીધી હતી. હવે જયારે ભારતમાં રસીઓની ભારે અછત છે અને કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારો ભારતીયો મૃત્યુ પામી રહ્યાં છે તેમ જ ફાઈઝરે ભારતને ૫ કરોડ રસીઓ નફો લીધા વિના આપવાનું કહ્યું છે. તેમ છતાં  ભારત સરકાર ફાઈઝરની ઇન્ડેમ્નિટીની માંગણી સ્વીકારવામાં વિલંબ કરી રહી છે. પશ્ચિમી દેશો જયારે ફાઇઝરની ઇન્ડેમ્નિટીની માંગણી સ્વીકારી ચૂક્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા થઇ રહેલો વિલંબ અયોગ્ય છે. જો ઇન્ડેમ્નિટી આપ્યા બાદ ભવિષ્યમાં ભારતમાં ફાઇઝર સામે અદાલતોમાં દાવાઓ થાય  તો પણ ભારતની અદાલતો  ફાઇઝર બાયોટેકની રસીને યુ.એસ, યુ.કે. અને યુરોપીઅન રેગ્યુલેટરો દ્વારા આપવામાં  આવેલ પરવાનગીઓને ધ્યાને લીધા પછી જ કોઈ પણ નિર્ણય કરશે. જો કોઈ સંજોગોમાં ફાઇઝર વિરુદ્ધ કોઈ અદાલત નિર્ણય કરે અને તેની જવાબદારી ભારત સરકાર દ્વારા ફાઇઝરને આપેલ ઇન્ડેમ્નિટીના કારણે ભારત સરકાર ઉપર આવે તો પણ તેનું મૂલ્ય ભારતનાં હજારો નાગરિકોના જીવ કરતાં વધુ નહીં હોય.                                     

 સુરત         -નીરજ વશી                            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top