Vadodara

દૂધનો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસ દ્વારા માગણી

વડોદરા : કોરોનાના કપરાકાળ દરમિયાન દોઢ વર્ષ સુધી ધંધા રોજગાર ઠપ્પ બન્યા હતા.જે બાદ ધીમે ધીમે પાટા પર ગાડી આવી ત્યાંજ પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા અને ત્યાર બાદ નામાંકિત અમુલ બ્રાન્ડના દૂધમાં પ્રતિલીટરે રૂપિયા 2 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા ગૃહિણીઓના માથે વધુ એક બોજો સહન કરવાની નોબત આવી છે.ત્યારે વડોદરા મહિલા કોંગ્રેસે અમુલ દૂધમાં કરાયેલા ભાવ વધારાને ગેરવ્યાજબી ઠેરવી દૂધના પાઉચો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને જીલ્લા કલેક્ટર આર.બી.બારડને આવેદનપત્ર સુપ્રત કરી ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી.

સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે.જેના કારણે મોંઘવારી સતત વધી રહી છે.પરિણામે દેશવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.ત્યાં વળી અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો.એકબાજુ પેટ્રોલ અને ડીઝલનો સતત ભાવ વધારો, બેફામ એકસાઇસ ડયૂટી અને વેટ સરકારી લૂંટ સમાન છે. ત્યાં દૂધનો ભાવ વધારાને લોકો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આકરી આલોચના કરી રહ્યા છે.

સરકારે દૂધને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકીને ભાવવધારા પર નિયંત્રણ મૂકવું જોઇએ.મનમાની અને આપખુદશાહી થી દૂધનો ભાવવધારો ગરીબ અને મધ્યમવર્ગના કરોડો અસંગઠિત ગ્રાહકો સહન કરી શકે તેમ નથી.ત્યારે ગુરુવારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ નીલાબેન શાહ , વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતની આગેવાની હેઠળ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દૂધમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલાબેન શાહે જણાવ્યું હતું કે અમુલ ડેરીએ જે ભાવ વધારો કરી લોકોની કામર તોડી નાખી છે.દૂધ નાના બાળકોનો ખોરાક છે અને તેના પર પણ ભાવ વધારો કરો છો.જે ખોટું થઈ રહ્યું છે.માટે કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર આપવા આવ્યા છે કે આ ભાવ વધારો પાછો ખેંચો.તમે રાંધણ ગેસમાં ભાવ વધારો કર્યો , પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કર્યો તે પણ ચલાવી લીધું.પરંતુ છેલ્લે દૂધમાં પણ ભાવ વધારો ઝીંકી દીધો તો આમ નાગરિક ક્યાં જશે.જો માંગ સ્વીકારવામાં નહીં આવેતો ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપીશું.જ્યારે વિરોધ પક્ષના નેતા અને કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતું કે 2014 પછી ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું છે.એક ફોરવર્ડ ઇકોનોમિક જે પાંચ ટ્રીલીયનના ટર્નઓવર પર જવાની હતી.એ જ ઇકોનોમી દિવસે ને દિવસે નેગેટિવ ઉપર જતી રહી છે.અને અત્યારે માઇનસ 7 અને 8 ઉપર ફરી છે.

આખું અર્થતંત્ર ખાડે ગયું એનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની આર્થિક પોલીસી જે રીતે અનગઢ રીતે નોટબંધી કરી તાત્કાલિક જીડીપીનું ઇમ્પ્લીમેન્ટેશન કર્યું એમાં પણ એમણે કોઈ પ્રોપર રીતે ઇમ્પ્લીમેન્ટેશન નથી કર્યું.આ તમામ નું કારણ છે કે જીડીપી માઇનસ ગઈ છે.

એની આડકતરી રીતે ભરપાઈ કરવા પેટ્રોલ , ડીઝલ પર જે અસહ્ય ટેક્ષ નાખ્યો છે , જેના કારણે તમામ વસ્તુના રોમટીરીયલ મોંઘા થઈ ગયા છે.ખાદ્ય પદાર્થનું ટ્રાન્સપોર્ટેશન વધી ગયું છે અને હવે સીધી અછત ફુગાવામાં દેખાય છે.અત્યારે ફુગાવો છેલ્લા 30 વર્ષનો સૌથી ઊંચો ફુગાવો ભારતમાં છે.ખાદ્ય પદાર્થ હોય કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડટ્સ હોય તમામ વસ્તુઓમાં ભાવ વધારો છે.અને તેની સીધી અસર જનતા ભોગવી રહી છે.એકબાજુ કોરોનાની મહામારી આવક ઓછી લોકોએ નોકરીઓ ખોવી છે.

Most Popular

To Top