દમણ: (Daman) સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવની હોટલ-રેસ્ટોરન્ટ (Hotel Restaurant) અને રીસોર્ટને 50 ટકાની બેસવાની ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી પ્રશાસને આપી છે. જેને કારણે ઘણા સમયથી બંધ હોટલો અને રેસ્ટોરન્ટનું આર્થિક તંત્ર ફરી પાટે ચઢશે. પ્રશાસન દ્વારા જારી કરાયેલ એસ.ઓ.પી. માં હોટલ-રીસોર્ટ અને રેસ્ટોરન્ટમાં બાર શરૂ કરવો કે નહીં એનો ઉલ્લેખ ન કરતાં હોટલ સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. બીજી તરફ હોટલ-રીસોર્ટ અને રેસ્ટોરન્ટમાં આવતા મહેમાનોનું સંચાલકોએ વેક્સિનેશન સર્ટી ફરજીયાત ચેક કરવાનું રહેશે.
કોરોનાની ચાલી રહેલ મહામારીને લઈ સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવના તમામ નાના મોટા એકમોને બંધ કરવાની નોબત આવી હતી. જેમ જેમ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો તેમ તેમ સમયાંતરે પ્રશાસને જરૂરી એસ.ઓ.પી.ની ગાઈડ લાઈન જારી કરી નાના-મોટા એકમોને શરૂ કરવાની પરવાનગી આપી હતી. પરંતુ હોટલો-રેસ્ટોરન્ટ અને રીસોર્ટને ખોલવાની અનુમતી ન આપતાં છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. ત્યારે ફરી એક વાર દાનહ-દમણ-દીવમાં કેસમાં સતત ઘટાડો અને 100 ટકા જેટલું વેક્સિનેશન કાર્ય થઈ જતાં પ્રશાસને એક એસ.ઓ.પી. જારી કરી છે. જેમાં હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને રાહત આપવામાં આવી છે.
પ્રશાસન દ્વારા જારી કરાયેલ એસ.ઓ.પી. ની ગાઈડલાઈન પ્રમાણે પ્રદેશની હોટલો-રેસ્ટોરન્ટ અને રીસોર્ટ સંચાલકોએ 50 ટકાની બેસવાની ક્ષમતા સાથે શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. જેમાં હોટલ સંચાલકોએ ફરજીયાત પોતાને ત્યાં આવતા ગ્રાહકોનો વેક્સિનેશન સર્ટીફીકેટ ચેક કરી ત્યાર બાદ જ હોટલ-રેસ્ટોરન્ટ કે રીસોર્ટમાં પ્રવેશવાની પરવાનગી આપવાની રહેશે. આ માટે પ્રશાસન દ્વારા સમયાંતરે કોઈ પણ હોટલોમાં ઓચિંતી મુલાકાત લઈ ગાઈડ લાઈનનું પાલન કરાઈ પણ રહ્યું છે કે નહીં એ સુનિશ્ચિત કરવામાં આવશે. ત્યારે બાર એન્ડ રેસ્ટોરન્ટમાં કે પછી હોટલ રીસોર્ટમાં આવનારા ગ્રાહકોને ડાઈનિંગ ટેબલ ઉપર દારૂ-બીયર પીરસવો કે નહીં એનો ઉલ્લેખ એસ.ઓ.પી. માં ન કરાતાં હોટલ સંચાલકો મુંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે.
આ સિવાય હરવા ફરવા લાયક સ્થળો જેવા કે, જાહેર ઉદ્યાનો, દરિયા કિનારા, બાગ બગીચાઓ બંધ રહેશે. જ્યારે શનિ-રવિની રજાઓનાં દિવસે પ્રદેશનાં દરિયા કિનારાના બીચ રોડ બંધ રાખવામાં આવશે. આ સિવાય બજારો તથા દુકાનદારોએ શોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને વેક્સિનેશન સર્ટી નું પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે. પ્રદેશની તમામ સ્કૂલો બીજા આદેશ સુધી બંધ રાખવાની રહેશે. ફકત ઓનલાઈન શિક્ષણ થકી જ બાળકોને ભણાવવાના રહેશે. સામાજીક, શૈક્ષણિક રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યો તથા લગ્ન સંબંધિત મેળાવડાઓ, અંતિમ સંસ્કાર જેવા કાર્યો માટે કન્ટેન્ટમેન્ટ ઝોન બહારનાં 50 વ્યક્તિઓ સાથે આટોપવાનું રહેશે. પ્રદેશના સ્વીમીંગપૂલ, જીમ, સ્પા, સિનેમા થિયેટરો બંધ રાખવાના રહેશે. બીજા આદેશ સુધી પ્રદેશમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કરફ્યૂ કાયમ રાખવામાં આવશે. ત્યારે ઉપરોક્ત એસ.ઓ.પી.નું ઉલ્લંઘન કરનારાઓ સામે પ્રશાસન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ દંડાત્મક કાર્યવાહી હાથ ધરશે.