Comments

ભારતીય સમાજ એકબીજાના ધર્મનો આદર કરેે છે,સંધ-ભાજપે આ સમજવુ પડશે

શિવુભાઈ પુંજાણી નામના બાંસુરીવાદક આઝાદી પહેલાં કરાંચી સિંધમાં ચા-નાસ્તાની દુકાન ચલાવતા હતા અને વચ્ચે સમય મળે ત્યારે બાંસુરી શીખતા હતા. જાણીતા ફિલ્મઅભિનેતા એ. કે. હંગલ તેમના ગુરુભાઈ હતા. ૧૯૪૭ માં ભારતને આઝાદી મળી ત્યારે શિવુભાઈએ મારી સાથે ભારતના વિભાજનનાં કારણોની ચર્ચા કરતાં કહ્યું હતું કે અમારી હોટલમાં મુસલમાનો માટે કપ-રકાબી અલગ રાખવામાં આવતાં હતાં. સાર્વજનિક સ્થળે અને રેલ્વે સ્ટેશનોમાં હિંદુઓ અને મુસલમાનો માટે પાણી પીવાનાં મટકાં અલગ રાખવામાં આવતાં હતાં. જ્યાં આવો ઉઘાડો ભેદભાવ હોય ત્યાં વિભાજન ન થાય તો બીજું શું થાય?

શિવુભાઈ પુંજાણીને વિભાજન અનિવાર્ય અને સ્વાભાવિક લાગ્યું હતું તો તેમના ગુરુભાઈ એ. કે. હંગલને વિભાજન નિવારી શકાય એવું અસ્વાભાવિક લાગ્યું હતું. સમાજની જે તે કોમે વિવિધતાજન્ય ભેદ (ભેદભાવ નહીં, ભેદ) સ્વાભાવિક સ્વરૂપમાં સ્વીકારી લીધા હતા. હિંદુની કન્યા હિન્દુમાં પરણે, જ્ઞાતિની કન્યા જ્ઞાતિમાં પરણે, મુસ્લિમની કન્યા મુસ્લિમમાં પરણે, શહેર કે ગામમાં દરેક સમાજના પોતાના રહેણાંકના મોહલ્લા હોય, દરેકના ભોજન અલગ બનતાં હોય અને અલગ બેસીને જમતાં હોય, મુસ્લિમ મુસ્લિમના ગોળામાંથી લઈને પાણી પીતાં હોય, હિંદુ હિન્દુના ગોળામાંથી પાણી પીતાં હોય એમાં કોઈને કશું જ અજુગતું નહોતું લાગતું. બધું જ સ્વાભાવિક હતું. બધાં ભેગાં મળીને અલગ અલગ જિંદગી જીવતાં હતાં અથવા એમ કહો કે બધા પોતપોતાની અલગ જિંદગી સાથે મળીને જીવતાં હતાં. એમાં કોઈને કોઈ પ્રકારની ફરિયાદ નહોતી. દરેકે ભારતના સામાજિક-ધાર્મિક ભેદના સામાજિક વાસ્તવને સ્વાભાવિકપણે સ્વીકારી લીધું હતું.

એક જ ગુરુના બે ચેલા, બન્ને ભારતનું વિભાજન થયું ત્યારે કરાંચીમાં હતા પણ બન્નેનું સમાજદર્શન અલગ અલગ હતું. એકને વિભાજન સ્વાભાવિક અને અનિવાર્ય લાગતું હતું અને બીજાને અસ્વાભાવિક અને નિવાર્ય લાગતું હતું. આવો અનુભવ બસો વરસ પહેલાં અંગ્રેજોને પણ થયો હતો. દેશ ઉપર તેમણે કબજો તો કર્યો, પણ તેમને ભારતીય પ્રજાની સામાજિક વ્યવસ્થા સમજાતી નહોતી. પ્રજા વચ્ચે આટલા બધા ભેદ છે તો સાથે કઈ રીતે રહે છે અને જો સાથે રહી શકે છે તો આટલા બધા ભેદ કેમ છે? આ ભેદનું સ્વરૂપ તેમના માટે કોયડારૂપ હતું. તેમને માટે તો ભેદ એટલે ભેદ, જ્યાં ઐક્ય સંભવી જ ન શકે અને અહીં તો ઐક્યવાળા ભેદ છે અને એ પણ એક-બે નહીં, અસંખ્ય. બસો વરસ પહેલાં કંપની સરકારે ભારતના તેના અમલદારોને કહ્યું હતું કે ભારતના સામાજિક સ્વરૂપને સમજવાની કોશિશ કરો અને કહો કે આનાં રાજકીય પરિણામો શું આવી શકે? એ સમયે કોઈકે શિવુભાઈ પુંજાણીનો અભિગમ અપનાવ્યો હતો તો કોઈકે એ. કે. હંગલનો. કેટલાક અમલદારોએ લખ્યું હતું કે ભારતમાં સામાજિક અંતર એટલું પહોળું છે કે કોમી વિભાજન સ્વાભાવિક અને અનિવાર્ય છે. તો બીજી બાજુએ કેટલાક અમલદારોએ લખ્યું હતું કે ભારતમાં સામાજિક ભેદ અનેક પ્રકારના છે, પણ એ સ્વીકૃત સુદ્ધાં છે. કોઈને ભેદ સામે ખાસ ફરિયાદ નથી. દરેક સાથે મળીને પોતપોતાની જિંદગી જીવે છે અને કોઈ એકબીજાનો રસ્તો કાપતા નથી. (આ વાક્ય ફરી વાર વાંચો, દરેક સાથે મળીને પોતપોતાની જિંદગી જીવે છે અને કોઈ એકબીજાનો રસ્તો કાપતા નથી.)

એક ભેદ હતો જે સવર્ણોમાં સ્વીકૃત હતો અને દલિતોએ પણ જાગૃતિના અભાવમાં તેને સ્વીકૃત માની લીધો હતો, પણ એ ભેદ હિન્દુસ્તાન માટે શરમજનક અમાનવીય હતો. વાચકને સમજાઈ ગયું હશે કે હું કઈ તરફ ઈશારો કરું છું. દલિતો સાથેનો અસ્પૃશ્યતાનો વહેવાર સમાજે સ્વીકારી લીધો હોય તો પણ એ સ્વીકાર્ય ન હોઈ શકે. પણ અહીં ચર્ચાનો એ મુદ્દો નથી. ચર્ચાનો મુદ્દો એ છે કે ભારતમાં ઘણાં લોકોને સામાજિક ભેદો એકતામાં બાધક હોય એવું લાગતું નહોતું. જ્યાં સુધી રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદની કલ્પના પશ્ચિમમાં વિકસી નહોતી અને ભારતમાં આયાત થઈ નહોતી ત્યાં સુધી કોઈને આમાં કાંઈ કહેવાપણું નહોતું. દરેક પ્રજા સાથે મળીને એકબીજાનો રસ્તો કાપ્યા વિના પોતપોતાની જિંદગી જીવતી હતી. સમસ્યા ત્યારે પેદા થઈ જ્યારે રાષ્ટ્રવાદનું ભારતમાં આગમન થયું. રાષ્ટ્રવાદ સ્વભાવત: શરતી હોય છે. આટઆટલું સ્વીકારશો અને આટઆટલું છોડશો તો જ રાષ્ટ્રીયતા પેદા થશે અને રાષ્ટ્રનું નિર્માણ થશે. શરતો આવી અને શરતો પછી કોણ શરતોનું પાલન કરે છે અને કોણ નથી કરતું એના ઉપર નજર રાખવાનું શરૂ થયું. એ પછી જે તે કોમના ઈરાદાઓ ઉપર શંકા કરવાનું શરૂ થયું. શંકાઓના આધારે જે તે કોમને તારવવાનું શરૂ થયું અને છેવટે નોખી તારવેલી કોમને દબાવવાનું શરૂ થયું. વળી તારણો સિદ્ધ કરવા માટે અનુકૂળ આવે એ રીતે ઈતિહાસનો ઉપયોગ કરવાનું શરૂ થયું. આ બધું રાષ્ટ્રીયતા વિકસાવવા માટે અને રાષ્ટ્રના નિર્માણ માટે થઈ રહ્યું છે.

ગાંધીજીએ જ્યારે કહ્યું કે જે તે પ્રજા માટે જે શરમજનક છે, કલંકરૂપ છે એટલું જ એ પ્રજાએ છોડવું જોઈએ અને બાકીનું બધું છોડવાની જરૂર નથી ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. અમે શરત ન રાખીએ તો અમે મોટા શેના અને આ બુઢ્ઢો અમને મોટા બનતાં રોકે છે, માટે મારો એને. મહેનત કરીને મોટા થવાની જરૂર નથી, નાનાનો કાઠલો પકડીને પણ મોટા થઈ શકાય છે અને મોટા બનવાનો એ વગર મહેનતનો આસાન રસ્તો છે. આ બધાની વચ્ચે આજે અમેરિકાના ‘પ્યુ (Pew) રિસર્ચ સેન્ટરે’ હાથ ધરેલા એક સર્વેક્ષણનાં તારણો જોઇને આશ્ચર્ય થયું. ભારતમાં જે તે ધાર્મિક કોમ પોતાના ધર્મની બાબતે કેટલી આગ્રહી છે, વિધર્મીના ધર્મનો કેટલો આદર કરે છે, ધાર્મિક સહિષ્ણુતા વિષે શું માને છે, સર્વધર્મ સમભાવમાં માને છે કે નહીં, ધાર્મિક સ્વતંત્રતા ભોગવે છે કે નહીં, સ્વતંત્રતાનો આગ્રહ રાખે છે કે નહીં અને બીજાની ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરે છે કે નહીં એવું એક વ્યાપક સર્વેક્ષણ ‘પ્યુ રિસર્ચ સેન્ટરે’ હાથ ધર્યું હતું. સર્વેક્ષણનાં તારણો એમ કહે છે કે ભારતમાં દરેક ધર્મના સરેરાશ ૮૦ ટકા કરતાં વધુ લોકો એકબીજાના ધર્મનો આદર કરવામાં માને છે, ધાર્મિક સહિષ્ણુતામાં માને છે, સર્વધર્મ સમભાવને ભારતનો વારસો માને છે, એકબીજાના ધાર્મિક સ્વાતંત્ર્યનો આદર કરવામાં માને છે વગેરે બધું જ, પણ …

આ પણ શું? પણ એમ કહે છે કે ભારતમાં જે તે કોમના લોકો એમ માને છે કે કોઈએ એકબીજાનો રસ્તો ન કાપવો જોઈએ. હિંદુની કન્યા હિન્દુમાં પરણે, જ્ઞાતિની કન્યા જ્ઞાતિમાં પરણે, મુસ્લિમની કન્યા મુસ્લિમમાં પરણે, શહેર કે ગામમાં દરેક સમાજના પોતાના રહેણાંકના મોહલ્લા હોય, જે તે સમાજવિશેષની શહેરોમાં હાઉસિંગ સોસાયટીઓ હોય એમાં કશું જ ખોટું નથી. અમે અમારાપણું જાળવીએ, તમે તમારાપણું જાળવો અને આપણે સાથે મળીને આપણાપણું જાળવીએ. આપણાપણામાં અને તમારાપણામાં આપોઆપ આપણાપણું આવી જાય છે. આવું કહેનારા પણ દરેક કોમમાં સરેરાશ ૮૦ ટકા કરતાં વધુ છે. સર્વેક્ષણનાં તારણો જોઇને ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના અભ્યાસકો આશ્ચર્યમાં પડી ગયા, જે રીતે બસો વરસ પહેલાં અંગ્રેજ અમલદારો આશ્ચર્યમાં પડી ગયા હતા. એકતાની પણ હિમાયત અને ભેદની પણ હિમાયત! આમ કેમ બને? આનું કારણ એ છે કે ભારતમાં લોકોને કોમી-સામાજિક સ્વાયત્તતા જોઈએ છે અને સામે બીજાની કોમી-સામાજિક સ્વાયત્તતાનો આદર કરવા પણ તૈયાર છે. તો શું ભારતની એકતાનું રહસ્ય સામજિક સ્વાયત્તતામાં છે? સંઘપરિવાર અને હિંદુ રાષ્ટ્રવાદીઓએ પણ વિચારવું પડે એમ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top