SURAT

સુરત માનદરવાજા ટેનામેન્ટ વિવાદ,મનપા અને સ્થાનિક રહીશો આમને સામને

સુરત: છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ટેનામેન્ટના ( man darvaja tenament) રહીશોને આવાસો ખાલી કરવા માટેની નોટિસ ( notice) આપવા છતાં આવાસો ન છોડતાં આખરે મનપા દ્વારા અહીં મુખ્ય ડ્રેનેજ લાઈન ( Drainage line ) કાપી નાંખવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંનાં 320 આવાસમાં રહેતા લોકોને મકાન ખાલી કરી નાંખવા મનપા ( smc) દ્વારા નોટિસો અપાયા બાદ પણ તેઓ ગાંઠતા નથી.

ટેનામેન્ટમાં ત્રીજો માળ સૌથી વધુ જર્જરિત હાલતમાં હોવાથી મનપા દ્વારા ત્રીજા માળ પર રહેતા 90 જેટલા લોકોને અડાજણ આવાસમાં શિફ્ટ કરવાની વિચારણા ચાલી રહી છે. તેમજ હવે આવનારા દિવસોમાં બીજા માળ પર રહેતા 100 જેટલા લોકોને કઈ જગ્યાએ શિફ્ટ કરવા તે અંગે મનપા દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે.


સુરત મહાનગર પાલિકા માટે જર્જરિત માન દરવાજા ટેનામેન્ટ માથાનો દુખાવો સાબિત થયો છે. ત્યારે મનપાએ કડક વલણ દાખવી સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. બુધવારે વધુ 11 આવાસ સીલ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સ્થાનિક પૂર્વ કોર્પોરેટર સાથે રહીશોએ વિરોધ કરતાં મનપા તંત્રએ આખરે કડકાઈ દાખવી મુખ્ય ડ્રેનેજ લાઈન જ કાપી નાંખી હતી. આગામી સમયમાં વધુ પોલીસ બંદોબસ્ત સાથે મનપા સીલિંગની કામગીરી કરશે તે માટે પણ તૈયારી કરી દેવામાં આવી છે. 15 દિવસ અગાઉ મનપા દ્વારા 80 લોકોને આવાસો ખાલી કરાવવામાં આવ્યાં હતાં અને સીલ કર્યાં હતાં. ત્યારબાદ ગતરોજ સાત આવાસ સીલ કર્યાં હતાં. ગઈકાલે વિરોધ બાદ બુધવારે વધુ સ્ટાફ સાથે મનપાનો સ્ટાફ સીલિંગની કામગીરી માટે ગયો હતો.

પરંતુ મનપા દ્વારા 11 આવાસ સીલ કરાયાં ત્યારે જ અન્ય આવાસમાં રહેતા લોકોએ વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા પણ ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક રહીશોએ આવાસના બદલામાં આવાસ આપો તેવી માંગ સાથે થાળી-વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે મનપાના સ્ટાફે ત્યાંથી કામગીરી પડતી મૂકી નીકળી જવાની ફરજ પડી હતી. પરંતુ આ મામલે વધુમાં મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં મહાનગર પાલિકા વધુ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજાના બાકીનાં આવાસો ખાલી કરાવશે. હાલ તો બુધવારે લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા માન દરવાજામાં જર્જરિત આવાસના રહીશોની મુખ્ય ડ્રેનેજ લાઈન કાપી નાંખવામાં આવી હતી.

Most Popular

To Top