વડોદરા : રાજ્ય ભરમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે.જોકે તંત્રના પાપે વેક્સિનના જથ્થાનો અભાવ સર્જાતા વેક્સિન મુકાવા આવેલા લોકો સરકાર સામે બળાપો કાઢી રહ્યા છે.ત્યારે બુધવારે વડોદરા શહેરમાં રસીનો પૂરતો જથ્થો ન હોવાથી રસીકરણ મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે.તેવા જ કેટલાક દ્રશ્યો બુધવારે વડોદરા શહેરના વિવિધ રસીકરણ કેન્દ્ર ખાતે જોવા મળ્યા હતા.
રાજ્યસરકાર અને મહાનગર પાલિકાએ રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરી છે.પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી આ મહાઅભિયાનનો ફિયાસ્કો થયો છે.વડોદરા શહેરમાં બુધવારે કોવિડ રસી લેવા માટે વિવિધ રસીકરણ કેન્દ્રો પર બહોળી સંખ્યામાં લોકો રસી લેવા માટે સવારના 7 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા મજબુર હતા.છતાં રસી મળી ન હતી.લોકોનું કહેવું છે કે રસી ન મળતા કંટાળીને ઘરે જઈ રહ્યા છે.લોકો છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.છતાં રસી મળતી નથી.
વડોદરા મહાનગરપાલિકાએ મહારસીકરણ અભિયાન હેઠળ શરૂઆતમાં 260 કેન્દ્રો ઉપર દરરોજ 26,000 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું.બાદમાં તેનો જથ્થો પૂરતો ન આવતા સેન્ટર ઘટાડીને 90 કરવામાં આવ્યા હતા.જેથી રસી લેવા કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.વડોદરામાં 1,40,000 લોકોનો કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે.જેથી વેક્સિન કેન્દ્રો પર લોકોની ભારે ભીડ થઈ રહી છે.લોકોને રસી લેવી છે.પરંતુ સરકાર પાલિકાને વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આપતા લોકોને વેક્સિન મળતી નથી.જ્યારે અમુક લોકોએ પિતાનો બળાપો ઠાલવ્યો હતો કે વેક્સિન નથી તો પાલિકાએ બોર્ડ મારવા જોઈએ જેથી અમારે ધક્કો ખાવો ન પડે.
વેક્સિનના મામલે આવા હાલ વડોદરાના મોટાભાગના નાગરિકોના છે. ત્યારે સરકાર અને પાલિકાના સત્તાધીશોએ યોગ્ય સંકલન કરીને લોકોને સમયસર વેક્સિન મળી રહે તેવું સુચારુ આયોજન કરવું જોઈએ. નોંધનીય છે કે બુધવારે શહેરના જમનાબાઈ હોસ્પિટલ ,સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ,વાઘોડિયા રોડ બરોડા પબ્લિક સ્કૂલ સહિતના જુદાજુદા વેક્સિન સેન્ટરો પર વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી લોકો વિફર્યા હતા.અને તંત્રની બેદરકારી સામે વેધક સવાલો કર્યા હતા.એક તરફ સરકાર વેકસીનેશન ને વેગવંતા બનાવવાના દાવા કરે છે.તો બીજી તરફ સમગ્ર ગુજરાત સહિત વડોદરા માં પણ સામાન્ય માણસ માટે વેકસીન સ્વપ્ન સમાન બની છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વેકસીનની ભાંજગડ જોવા મળી રહી છે.તંત્ર દ્વારા વેપારીઓને ફરજીયાત વેક્સિન લઈ લેવાનું તો કહે છે.પરંતુ વેક્સિન મળશે ક્યારે ? તેનો જવાબ તો તંત્ર પાસે પણ નથી.એક જ જવાબ નાગરિકોને મળી રહ્યો છે અને તે છે “સરકાર જેમ જેમ વેકસીન આપશે તેમ વિતરણ કરીશું”પરંતુ સરકાર આપશે ક્યારે?
વડોદરાના જુદા જુદા વેક્સિન સેન્ટરો ઉપર સવારે 8.30 વાગ્યાથી લોકોએ વેકસીન માટે લાઈનો લગાવી હતી અને જ્યારે 11 વાગ્યે વેક્સિન લેવાનો વારો આવ્યો. ત્યારે જવાબ મળ્યો”વેકસીન નથી”.સવારથી કામ ધંધા છોડી ને કોરોનાથી બચવા વેકસીન લેવા આવેલ લોકોને વેક્સિન તો ન મળી.પરંતુ સામાજિક અંતર અને માસ્ક વગર કોરોના તો મળશે તે નક્કી છે.કારણ કે વેકસીન ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.જેમાં નિયમભંગ થયો.ફરજ પર હાજર મેડિકલ ઓફિસરો નું કહેવું છે કે આજે ફક્ત 40 ડોઝ આવ્યા છે અને 200 લોકો વેક્સિન મુકાવવા આવ્યા છે.બીજી તરફ નાગરિકોને વેક્સિન નહીં મળતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.