વડોદરા : કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મામલે અમદાવાદમાં આખરે નિર્ણય લેવાઈ ગયો છે.અમદાવાદમાં રથયાત્રા નીકળશે.ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાને લઈ અસમંજસ છે. જેને લઈ વડોદરા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરામાં કાઢવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે પોલીસ ભુવન ખાતે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જોકે આ સમયે કાર્યકરોએ જય શ્રીરામના નારા લગાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું અને શાબ્દિક ટપાટપી થઈ હતી.
છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે તમામ તહેવારો તથા ભગવાનના ઉત્સવ મુલત્વી રાખવામાં આવતા હોય છે.ત્યારે હાલ કોરોના નબળો પડતા સરકાર દ્વારા તમામ ધાર્મિક સ્થાનો તથા અન્ય સ્થળો પણ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.ત્યારે છેલ્લા 1 વર્ષથી કોરોનાના કારણે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી નથી.ત્યારે હાલ મંદ પડેલી સ્થિતિમાં તમામ સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે.
આગામી નજીકના દિવસોમાં અષાઢી બીજ છે.ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરામાં યોજવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પોલીસ ભુવન ખાતે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
જોકે આ સમય દરમિયાન કાર્યકરો દ્વારા જય શ્રીરામના નારા લગાવતા હાજર રાવપુરા પી.આઈ સહિતના અધિકારીઓએ અહીં નારા લગાવવાની ના પાડતા હિન્દૂ સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરો રોષે ભરાયા હતા.અને આ જાહેર જગ્યા હોવાથી અમે નારા લગાવીશું હોવાનું જણાવતા હાજર પોલીસ અધિકારીઓએ નારા લગાવવા હોય તો અયોધ્યા જઈને લગાવો તેમ કહેતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આગ બબુલા થઈ ઉઠ્યા હતા.
જેથી પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જેના કારણે પોલીસે અગ્રણીઓની અટકાયત કરવામાં આવશે હોવાનું ઉચ્ચારણ કરતા જ હિન્દૂ સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરોએ જેલ ભરો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી હાજર અધિકારીઓએ રજુઆત કરવી હોય તો શાંતિપૂર્વક કરો તો તમારી રજુઆત ધ્યાને લેવામાં આવે.હાલ કોરોના મહામારીના કારણે માત્ર બે કે ત્રણ વ્યક્તિઓ જ પોલીસ કમિશ્નરને મળી રજુઆત કરી શકશે.અને જો તેમ ના કરવું હોય અને જય શ્રીરામના નારા લગાવવા હોય તો ના છૂટકે અમારે અટકાયતી પગલાં ભરવા પડશે તેવી તાકીદ કરી હતી.