રાજ્યમાં ‘ક્લિન એનર્જી’ અને ‘રિન્યૂએબલ એનર્જીને’ લઈને ટૂંકા ગાળામાં જ બે મોટા નિર્ણયો લેવાયા. એક નિર્ણય રાજ્ય સરકાર વતી આવ્યો અને બીજો દેશની સૌથી મોટી કોર્પોરેટ કંપની દ્વારા. રાજ્ય સરકાર દ્વારા ‘ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી-2021’ની જાહેરાત કરવામાં આવી. આ પોલિસી અંતર્ગત આવનારાં ચાર વર્ષમાં રાજ્યમાં બે લાખ ઇલેક્ટ્રિક વાહનો માર્ગ પર જોવા મળશે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ ઉદ્દેશ્યને સાકાર કરવા માટે રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વેહિકલ પર મસમોટી સબસિડી જાહેર કરી છે. આ નીતિ હેઠળ પર્યાવરણને શુદ્ધ રાખવાનો ધ્યેય તો છે જ, તે સાથે પેટ્રોલ-ડિઝલની ખપત ઓછી થાય, તદ્ઉપરાંત વિદેશમાં જતું ભંડોળ પણ બચે તે લાભ પણ જોવામાં આવી રહ્યા છે. ‘ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી’થી રાજ્ય પર 870 કરોડનો બોજો પડવાનો છે, તેમ છતાં આ સોદો ફાયદાનો છે. ઇલેક્ટ્રિક વેહિકલનું ચલણ વધે તે માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી કરી છે અને તે માટે ચાર્જિંંગ સ્ટેશન ઊભા કરવા અર્થે પણ દસ લાખ રૂપિયા સુધીની લોન ફાળવવાનું સરકારે નિર્ધારિત કર્યું છે.
માર્ગો પર ઇલેક્ટ્રિક વેહિકલ દોડશે તેના પરિણામે રાજ્યનું પર્યાવરણ સુધરશે. પર્યાવરણમાં સુધારા થાય તે માટે રિલાયન્સના મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ રાજ્યમાં મસમોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ઠરાવ્યું છે. તબક્કાવાર આ ઇન્વેસ્ટમેન્ટની મૂડી 75,000 કરોડ છે. રિલાયન્સ આ મૂડીથી સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ જામનગર ખાતે કરશે. અહીંયા તેઓ સોલર ફોટોવોલ્ટિક સેલ્સ, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને ફ્યુઅલ સેલ્સનું ઉત્પાદન કરશે. સોલર એનર્જીની કેપિસિટીમાં રિલાયન્સનો હિસ્સો વધે તે આ પ્રોજેક્ટનો ટારગેટ છે. કોલસા આધારિત વીજળી સતત મોંઘી થઈ રહી છે અને તેનાથી પ્રદૂષણનો પણ મુદ્દો ઉદભવે છે. તે હિસાબે સોલર એનર્જી સસ્તી તો છે જ, પણ ક્લિન એનર્જી પણ છે. ક્લિન એનર્જી દ્વારા આજકાલ જાયન્ટ કોર્પોરેટ કંપની પોતાના પક્ષે કાર્બન ક્રેડિટ પણ જમા કરવા માંગે છે. દુનિયાભરમાં એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે વિશ્વસ્તરની રિલાયન્સ તેમાં કેમ પાછળ રહે? અને એટલે 2035 સુધી રિલાયન્સે ઝીરો કાર્બનનું ટેગ હાંસલ કરવાનો ધ્યેય રાખ્યો છે.
પર્યાવરણને સુરક્ષિત રાખવાના મુદ્દે અત્યારે એનર્જીની ખપતને લઈને ‘ક્લિન એનર્જી’, ‘ગ્રીન એનર્જી’, ‘સસ્ટેનેબલ એનર્જી’, ‘રિન્યૂએબલ એનર્જી’ અને ‘યુઝફૂલ એનર્જી’ એવી અનેક ટર્મ ઉપયોગમાં લેવાય છે. આ તમામ એનર્જીનો પાયાનો નિયમ પર્યાવરણનું સંતુલન બગાડ્યા વિના એનર્જી ઉત્પાદન-ખપતનો છે. તેમ છતાં તેમાં સૂક્ષ્મ ભેદ તો છે જ અને જ્યારે કોર્પોરેટ કંપનીઓ પર્યાવરણને શુદ્ધ રાખવાનો દાવો કરતી હોય ત્યારે તો ભેદ ખાસ સમજી લેવા જોઈએ. જેમ કે ‘રિન્યૂએબલ એનર્જી’નું ઉદાહરણ લઈએ. ‘રિન્યૂએબલ એનર્જી’માં સૂર્યપ્રકાશ, હવા, વરસાદ, દરિયાઈ મોજાંનો સમાવેશ થાય છે. આ એનર્જી કુદરતી પ્રક્રિયાથી જનરેટ થતી રહે છે. ભારત સૂર્યપ્રકાશને સંદર્ભે નસીબદાર છે અને આ નસીબ તેને ‘રિન્યૂએબલ એનર્જી’માં ખૂબ કામ આવે છે. આપણા દેશમાં મહદંશે આઠથી દસ માસ સૂર્યપ્રકાશ મળે છે અને તેનો ઉપયોગ કરીને સારી એવી એનર્જી ઉત્પાદિત કરી શકાય છે. સામાન્ય રીતે મોટા ભાગની ‘રિન્યૂએબલ એનર્જી’ ‘સસ્ટેનેબલ એનર્જી’ છે. ‘સસ્ટેનેબલ એનર્જી’ એટલે ટકાઉ ઊર્જા. હવે ‘રિન્યૂએબલ એનર્જી’માં લાકડાંના બળતણનો સમાવેશ થાય છે, જ્યારે ‘સસ્ટેનેબલ એનર્જી’માં નથી થતો. હવે પ્રશ્ન થાય કે કેમ તેનો સમાવેશ ‘સસ્ટેનેબલ એનર્જી’માં થતો નથી? ‘સસ્ટેનેબલ એનર્જી’ના ખ્યાલમાં પર્યાવરણને સ્વચ્છ રાખવાનો આગ્રહ વધુ છે. આ ઉપરાંત તેમાં ‘એનર્જી પોવર્ટી’નો કન્સેપ્ટ પણ સમાવિષ્ટ છે. આ કન્સેપ્ટ મુજબ દરેક વ્યક્તિ માટે ઊર્જાની સમાન ધોરણે વહેંચણી થવી જોઈએ.
સસ્ટેનેબલ એનર્જીમાં કાર્ય કરનારાં ‘રિન્યૂએબલ એનર્જી’ પર પ્રશ્ન કરે છે. જેમ કે ‘રિન્યૂએબલ એનર્જી’માં લાકડાંના બળતણનો ઉપયોગ આજે મોટા પ્રમાણમાં વધ્યો છે અને તે કારણે જંગલો કપાઈ રહ્યાં છે. પ્રદૂષણ વધી રહ્યું છે. એ પ્રમાણે પરમાણુ ઊર્જાની ‘રિન્યૂએબલ એનર્જી’માં ગણના કરવામાં આવે છે. પરમાણુ ઊર્જા થકી ઓછું પ્રદૂષણ થાય છે અને સાથે સાથે તે સસ્તી ઊર્જા ઉત્પાદન કરવાનું પણ સાધન છે. વિશ્વભરમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. ઊર્જાના ઉત્પાદનના મામલે પરમાણુ ઊર્જાને જગ્યા પણ ઓછી જોઈએ છે. જો કે ‘સસ્ટેનેબલ એનર્જી’ના સંદર્ભે જોઈએ તો જ્યારે પરમાણુ ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં કોઈ અકસ્માત સર્જાય તો તેનાથી ન ભરપાઈ થાય તેવું નુકસાન થાય છે. હજારો વર્ષ સુધી જે-તે જમીન અને તેની આસપાસનો વિસ્તાર પ્રતિબંધિત થઈ જાય છે એટલે આમ પરમાણુ ઊર્જા કિફાયતી અને પર્યાવરણની દૃષ્ટિએ યોગ્ય હોય, પણ તેમાં અકસ્માત થાય ત્યારે ભરપાઈ ન થઈ શકે તેટલું નુકસાન થાય છે.
આ તફાવત જાણીને જ ખરેખર આપણે ત્યાં પર્યાવરણને વધુ અનુકૂળ હોય તેવાં ઊર્જા ઉત્પાદન-ખપતનો ખ્યાલ વિકસવો જોઈએ. ‘ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી’ અંતર્ગત જ્યારે તેમાં પ્રદૂષણ ઓછું કરવાની વાત આવે છે ત્યારે તેમાં દેખીતું પ્રદૂષણ ઘટે છે. પણ ખરેખર તે વાહન જે વીજળીથી ચાલવાનું છે તે વીજળી સસ્ટેનેબલ એનર્જી દ્વારા ઉત્પાદિત થઈ હોય તો જ તેનાથી પ્રદૂષણ ઘટવાનો દાવો કરી શકાય. બાકી જો તે વીજળી કોલસા કે અન્ય કોઈ પ્રદૂષણ ફેલાવતી એનર્જીથી જ ઉત્પાદિત થઈ હોય તો તેનાથી પ્રદૂષણ કેવી રીતે ઘટશે?
સોલર પાવર, વિન્ડ પાવર કે પછી દરિયાઈ મોજાંથી ઉત્પાદિત થતી એનર્જી ખરા અર્થમાં સસ્ટેનેબલ છે. પણ જ્યારે સસ્ટેનેબલ એનર્જીમાં ‘હાઇડ્રોપાવર’ની ગણના થાય છે ત્યારે સસ્ટેનેબલ એનર્જી પર પણ પ્રશ્ન ઊઠે છે. હાઇડ્રોપાવરનો ઉપયોગ આજે વિશ્વના મોટા ભાગના દેશ કરી રહ્યા છે. હાલમાં વિશ્વની પાંચમા ભાગની વીજળીની ખપત હાઇડ્રોપાવર દ્વારા થાય છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાં તેનો મહત્તમ ઉપયોગ થાય છે અને ચીન તો આ વીજળી બાબતે વિશ્વની આગેવાની લઈ રહ્યું છે. હાઇડ્રોપાવર વીજળી જનરેટ કરવા માટે મહદંશે નદી પર ડેમ નિર્માણ કરવામાં આવે છે. હાઇડ્રોપાવર વીજળીથી નુકસાન શું અને ખરેખર તે સસ્ટેનેબલ છે? આ પ્રશ્ન જ્યારે કરવામાં આવે ત્યારે તેની ચર્ચામાં મુખ્ય બાબત ડેમનિર્માણથી થનારાં નુકસાનની આવે છે. આ નુકસાન ગત્ સદીમાં ખૂબ થયું અને તેથી જ અમેરિકા અને યુરોપમાં આ પ્રકારના ડેમનિર્માણ અટકાવી દેવામાં આવ્યા છે. જે ડેમમાં પાણીનું સ્ટોરેજ મોટા પ્રમાણમાં થતું નથી તેવા જ ડેમોને હવે મંજૂરી મળે છે. મોટા ડેમનિર્માણ કરવાનું હજુ પણ બ્રાઝિલ, ચીન અને ભારતમાં વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે. ડેમથી કાયમ માટે નદી ને તેના આસપાસના ક્ષેત્રને નુકસાન થાય છે. લોકોને સ્થળાંતરિત કરવા પડે છે અને આ ઉપરાંત મોટા ડેમની સુરક્ષા પણ ચિંતાનો વિષય બને છે.
અલ્ટીમેટલી ઊર્જાનું ઉત્પાદન કરવું તે માનવી માટે કોઈ પણ રીતે નુકસાનીનો સોદો સાબિત થાય છે. બસ તેમાં ન્યૂનત્તમ નુકસાન શેમાં છે તે શોધી કાઢવાનું છે અને અત્યાર સુધી સોલર, વિન્ડ અને દરિયાઈ મોજાં સૌથી વધુ સસ્ટેનેબલ કહી શકાય તેવી એનર્જી સાબિત થઈ છે. ‘સસ્ટેનેબલ એનર્જી’ આવનારા યુગનું ભવિષ્ય છે, કારણ કે વીજળી અને ઇંધણની ખપત દિવસે ને દિવસે વધી રહી છે. વધી રહેલી ખપત સામે પુરવઠો એકત્રિત કરવાનો અને ઊર્જા મામલે સ્વનિર્ભર બનવાનો જે માર્ગ છે તે સસ્ટેનેબલ એનર્જી છે અને તેથી જ તેમાં સરકાર અને કોર્પોરેટ જગત એકસરખું વિચારી રહ્યા છે. આ વિચારથી તેમાં કમર્શ્યાલાઇઝેશન પણ ભળ્યું છે.
આ જ કારણે રિલાયન્સ અગાઉ તેમાં તાતા પાવર અને અદાણી ગ્રુપે સારી એવી પ્રગતિ સાધી છે. તાતા પાવર દ્વારા તાતા પાવર સોલર સિસ્ટમ લિમિટેડ નામની કંપની પણ શરૂ કરી ચૂક્યા છે અને તે કંપની એક્સ્પાન્શન કરીને તેનું પ્રોડક્શન 1100 મેગાવોટ સુધી લઈ જવાની છે. અદાણી ગ્રીનમાં તો 3,023 મેગાવોટ સોલર યુનિટ ઓપરેશન મોડ પર છે અને 8,150 મેગાવોટ અન્ડર કન્સ્ટ્રક્શન છે. ભારત આમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે પણ ઉમદામાં ઉમદા વિચારમાં પણ બિઝનેસ શોધી કાઢવાનો અને સ્વાર્થવૃત્તિથી તે ઉમદા વિચારનો ઉપયોગ કરવાનું કોર્પોરેટ જગતને સારી રીતે ફાવી ગયું છે. આ બાબતમાં તેમ ન થાય તેવું અપેક્ષિત છે, નહીંતર પર્યાવરણ ક્લિન થશે નહીં અને કોર્પોરેટ જગત માત્ર પોતાની સંપત્તિ વધારશે.