વલસાડ: (Valsad) વલસાડના સદગૃહસ્થને સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઉપર નાણાં રોકવાનું ભારે પડ્યું છે. જોકે વલસાડની સાયબર ટીમે ઈન્સટાગ્રામ (Instagram) આઈ.ડી., વેબ સાઇટ તથા ઇ.મેઈલ આઈ.ડી જેવા કોમ્યુનિકેશન રિસોર્સ માધ્યમનો દુરુપયોગ કરી છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી હતી.
વલસાડના સદગૃહસ્થને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરાવી વધુ વળતર આપવાના બહાને ફરિયાદી પાસેથી રૂ.34,000 ઉપર નાણાં મેળવી એરટેલ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા ભરાવ્યાં હતા. ત્યારબાદ વધુ નાણાં રોકાણ કરાવવા જતા શક જતા ફરિયાદીએ જે રકમ ફોન પે એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. તે નાણાં પરત માંગતા આરોપીએ આપ્યા ન હતા. જેથી તેમણે સાયબર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.
ડી.એસ.પી ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી હતી. જોકે આરોપીઓ ટેક્નિકલી હોશિયાર હોઈ છેતરપિંડીના નાણાંની ફૂટ પ્રિન્ટ ન મળે તે માટે જુદા જુદા ઓન લાઈન પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ વલસાડ સાઇબર ટીમે ડીઝીટલ એનાલિસિસ કરી એકાઉન્ટ ધારક સુધી પહોંચી હતી. જેમાં મુનાફ સત્તાર અહમદ નેનપુહે (રહે, લીક કોર્નર એપાર્ટમેન્ટ, ઇ.12, નિષદ કોલોની સામે, અડાજણ પાટિયા, સુરત)ની પૂછપરછ કરી હતી.
જેમાં મુનાફે જણાવ્યું કે મારા પુત્ર નવાઝે મને જણાવ્યું હતું કે તેનો મિત્ર તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવશે, તે પૈસા રોકડમાં ઉપાડી કમિશન બાદ કરી બાકીના નાણાં તેના મિત્રને આપવાના છે. જેથી પોલીસે નવાઝ મુનાફ સત્તાર (રહે, લીક કોર્નર એપાર્ટમેન્ટ, નીષાદ કોલોની સામે, અડાજણ પાટિયા, સુરત)ને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે મુનાફ અગાઉ મહારાષ્ટ્રમાં મેમણ કો.ઓ.બેંકમાં 16 વર્ષ નોકરી કરી હતી અને 2010માં રાજીનામુ આપ્યું હતું. જે અનુભવનો દુરુપયોગ કરતો હતો. હાલના આરોપીઓ 4 ટકા કમિશન લઈ છેતરપિંડીના નાણાં બીજા સહ આરોપીઓને રોકડમાં ચૂકવતા હતા.
મુનાફના મોબાઇલમાંથી અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી
પોલીસને એક મોબાઈલ, 14 પે.ટી.એમ.કાર્ડ,, ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. મુનાફના મોબાઇલમાંથી સેમસંગ પે, બજાજ ફાઈનાન્સરી વોલેટ, યોનો લાઈટ એસ.બી.આઈ, ફોન પે, પેટીએમ બેન્ક, પેટીએમ ફોર બિઝનેસ, આઈ. ડી.એફ.સી ફસ્ટ બેંક, મોબીકવિક વોલેટ, એક્સીસ મોબાઈલ, આર.બી.એલ માંય કાર્ડ, એસ.બી.આઈ કાર્ડ, એચ.ડી.એફ.સી બેન્ક, મોબીલી પે, આઈ. સી.આઈ બેન્ક, પે તું એપ, કાવેરી બુલિયન સ્પોટ અને માર્કેટ વ્યુ જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.