Business

સ્વિસ બેંક ફરતે જેટલું રહસ્ય ખડું કરવામાં આવે છે, તેની વાસ્તવિકતા એટલી પેચીદી નથી

જાણીતા બ્રિટીશ લેખક જેફ્રી આર્ચર તેમની વાર્તાઓના પ્લોટ કન્સ્ટ્રક્શન માટે જાણીતા છે. તેમણે લખેલી ‘ક્લિન સ્વીપ ઇગ્નેટિયસ’ શોર્ટ સ્ટોરીમાં નાઇજીરિયાના એક અત્યંત પ્રામાણિક નાણાં મંત્રીની વાત છે. ઇગ્નેટિયસ અગર્બી ભ્રષ્ટાચાર અટકાવવા માટે જાણીતા થયેલા મંત્રી છે, તેમણે ભલભલા સામે બાથ ભીડી છે. તેમના પ્રેસિડન્ટે તેમને કામ સોંપ્યું કે સ્વિટ્ઝરલેન્ડની બૅંકમાં લાંચ અને ભ્રષ્ટાચારના કેટલા પૈસા મંત્રીઓએ જમા કરાવેલા છે તેની તપાસ કરવી અને કાળું નાણું ઝડપી પાડવું. એક બ્રિફકેસ સાથે સ્વિસ બૅંક પહોંચેલા નાઇજીરિયન નાણા મંત્રી મેનેજરને ત્યાં જેના પણ ખાતા હોય તે જણાવી દેવા માટે દબાણ કરે છે, એ હદે દબાણ કરે છે કે એક તબક્કે તેના લમણે રિવૉલ્વર મૂકીને તેને એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપવા કહે છે.

આ સંજોગોમાં પણ બૅંક મેનેજર કશું જ જાહેર નથી કરતો અને આખરે નાણાં મંત્રી  ૫ મિલિયન કૅશ ભરેલી બ્રિફકેસ ટેબલ પર મુકી ત્યાં ખાતું ખોલાવવાની વાત કરે છે.  અત્યંત પ્રામાણિક લાગતા મંત્રીએ પોતે પેટ ભરીને ભ્રષ્ટાચાર કર્યો હતો અને સ્વિસ બૅંકમાં બધું ખાનગી જ રહે છે તેની ખાતરી થયા પછી તેની હકીકત છતી થાય છે. – આ એક ફિક્શન વાર્તા છે. સ્વિસ બૅંકની મહત્તા શું અથવા શા માટે લોકો ત્યાં પૈસા જમા કરાવતા હોય છે તે સમજવા માટે પણ આ સાર પુરતો છે.  આ વાર્તાનો સાર અહીં મૂકવાનો તર્ક એટલો જ કે આજકાલ સ્વિસ બૅંકમાં ભારતીયોના નાણાં સતત ચર્ચામાં છે.

સ્વિસ બૅંકમાં ભારતીયોનું નાણા ભંડોળ જે ૨૦૧૯ના અંતે ૬,૬૨૫ કરોડ હતું તે ૨૦૦૨ના અંતે ૨૦,૭૦૦ કરોડ થઇ ગયું છે. છેલ્લા તેર વર્ષમાં પહેલીવાર આ રકમ આટલા ઊંચા સ્તરે પહોંચી છે. આ આંકડા બૅંકોએ – સ્વિસ નેશનલ બૅંક -એસએનબીને આપેલા અધિકૃત આંકડા છે તેને ભારતીયોના કહેવાતા કાળા નાણાં સાથે કોઇ સંબંધ નથી. આ આંકડા ભારતીયો, એનઆરઆઇ અને અન્યોએ થર્ડ-કન્ટ્રી-એન્ટીટીને નામે ત્યાં જે પૈસા જમા કર્યા હશે તેની સાથે કોઇ સંબંધ નથી ધરાવતા. સ્વિટ્ઝરલેન્ડ અને ભારત વચ્ચે ૨૦૧૮થી ટેક્સ સંબંધી જાણાકારીની ઑટોમેટિક આપલે લાગુ કરાઇ છે. જેટલા પણ ભારતીયોના ખાતા સ્વિસ ફાઇનાનિશ્યલ ઇન્સ્ટિટ્યુટ્સમાં છે, ત્યાંની બૅંન્કમાં છે તેની વિગતો ભારતીય ટેક્સ ઑથોરિટીઝને દર વર્ષે મળતી રહે છે. વળી સ્વિસ બૅંક્સ જ્યાં આર્થિક ગોટાળાની શક્યતા લાગે તેવા ખાતેદારોની વિગતો પણ સરકારને પુરી પાડે છે.

એક તરફ વાઇરસને કારણે અર્થતંત્ર પર પડેલા ફટકાની વાતો આપણે સાંભળીએ છીએ તો બીજી તરફ સ્વિસ બૅંકમાં ભારતીયોની જમા પૂંજી વધતી છે ત્યારે સવાલ થાય કે આવું કેવી રીતે શક્ય બન્યું હશે? જો કે તાજેતરમાં નાણા મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક સ્ટેટમેન્ટમાં આ અંગે કેટલીક સ્પષ્ટતા કરાઇ હતી. આ સ્ટેટમેન્ટ અનુસાર બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સમાં થયેલો વધારો આ ડિપોઝિટ વધવાનું એક કારણ હોઇ શકે છે. કોઇપણ સ્વિસ કંપનીની સબ્સિડરી ભારતમાં હોય તેના કેપિટલમાં વિસ્તરણ થયું હોય તેને કારણે પણ આ ડિપોઝિટ વધી હોઇ શકે છે બે દેશો વચ્ચે ઇન્ટર બૅંક ટ્રાન્ઝેક્શન્સ પણ આ તોતિંગ રકમનું કારણ હોઇ શકે છે.

આમ તો પર્સનલ ડિપોઝિટ ઓછી થઇ છે પણ સિક્યોરિટીઝ અને કંપની તરફથી જમા થયેલી રકમ ઘણી વધારે છે. ભારતનું નામ ચર્ચામાં આવ્યું એટલે વિરોધ પક્ષે પણ કાળું નાણું પાછું લાવવાની કેન્દ્ર સરકારની વાતને ટાંકીને સવાલો કર્યા. જો કે નાણા મંત્રાલયને મતે આગળ ઉપર જણાવ્યું તેમ જે ભારતીય કંપનીઓ સ્વિટ્ઝરલેન્ડમાં છે તેમની ડિપોઝિટ્સ અને ભારતમાં સ્વિસ બૅંકની જે શાખાઓ છે તેમાં ડિપોઝિટનો વધારો તથા ભારતીય અને સ્વિસ બૅંક વચ્ચે થયેલા વહેવારને કારણે ભારતીય ભંડોળ વધ્યું હોવાની શક્યતા છે. વળી આ વધારા સામે ભારતીય નાણા મંત્રાલયે સ્વિસ સત્તાધિશો પાસેથી જરૂરી ચોખવટ તો માંગી જ છે અને સરકારને મતે ટ્રસ્ટ આધિન ખાતાઓમાં ગ્રાહકોની ડિપોઝિટ્સ ૨૦૧૯થી ઘટી છે.

સ્વિટ્ઝરલેન્ડમાં કૂલ ૨૪૩ બૅંક્સ છે. આમ તો સ્વિસ બૅંક્સમાં જેના સૌથી વધુ નાણાં ડિપોઝિટ થયા હોય તેવા દેશોમાં મોખરે યુકે છે અને ત્યાર બાદ યુએસએનો વારો આવે છે. તેમના ફંડ ૧૦૦ બિલિયનથી વધુ છે જેમાં ક્લાયન્ટ્સનું ભંડોળ પણ સમાવિષ્ટ છે. આ ઉપરાંત ટોચના દસ દેશોમાં વેસ્ટ ઇન્ડિઝ, ફ્રાંસ, હોંગ કોંગ, જર્મની, સિંગાપોર, લક્ઝ્મબર્ગ, કેયમેન આઇલેન્ડ અને બહામાઝનો સમાવેશ થાય છે. ભારત ૫૧મા સ્થાને છે અને તે ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વીડન, હંગેરી, મોરેશિયસ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોથી આગળ છે. બ્રિક્સ રાષ્ટ્રોમાં ભારત પહેલાં ચીન અને રશિયા વધુ ડિપોઝિટ્સ માટે આગળ છે. આપણા દેશના ભ્રષ્ટાચાર સાથે સ્વિસ બૅંકને સીધો સંબંધ છે એવું માની લેવાની કોઇ જરૂર નથી. ત્યાં ખાતું ન હોય છતાં ય ગોટાળા કરનારાઓની આપણે ત્યાં ખોટ નથી.

Most Popular

To Top