ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના સમયમાં હું મુંબઇ હતો. એક વાર ચર્ચગેટ સ્ટેશન પર ઊતર્યો તો તેના બહાર તરફ ખૂલતા દરવાજા નજીક એક શેરીનાટક યા કહો કે ચોક – નાટક ભજવાતું જોયું. નાટકનું શીર્ષક હતું, ‘ભારત હમારી માતા, બાપ હમારા હીજડા’. પ્રવાસીઓ જ અચાનક પ્રેક્ષક બની ગયા હતા ને એ પ્રેક્ષક ટોળા વચ્ચે ભજવાતા આ નાટકમાં સંજય ગોરડીયા, લતેશ શાહ કામ કરતા હતા. બીજાય હતા પણ તેમના નામ શું ચહેરા ય અત્યારે યાદ નથી આવતા. એ નાટકમાં સ્પષ્ટ રીતે ઇન્દિરા ગાંધી સરકારની આકરી ટીકા હતી. સ્વયં શીર્ષકમાં પણ તે સ્પષ્ટ હતું. ભારત તો આપણી માતા છે, પણ બાપ હીજડો છે. આવું તો કેવી રીતે બને? મૂળ વાત દેશને ચલાવનારાઓની નપુંસકતા હતી.
હમણાં આ નાટક વિશે સંજય ગોરડિયાને પૂછયું. હવે તો તેઓ વ્યવસાયી રંગભૂમિના મોટા નિર્માતા અને અભિનેતા છે પણ ત્યારે તેઓ આવા બધા પ્રયોગ કરતા અને ત્યારના રાજકારણ વિના આક્રોશ પ્રગટ કરતા. સંજયને પૂછયું કે, ‘હવે આ પ્રકારના શેરીનાટકો કેમ નથી થતા?’ તો જવાબ હતો કે એ વખતના નેતાઓની વાત જુદી હતી. પણ હવે તો રાજકારણ જ નહીં માણસની કવોલિટી પણ ખરાબ ને ખરાબ થઇ ચૂકી છે. ‘ભારત હમારી માતા, બાપ હમારા હીજડા’ જો આજે ભજવવા જાઓ તો પક્ષના ગુંડા મારવા આવી જાય! સંજય ગોરડિયા વર્તમાન રાજકારણનું સત્ય બોલી રહ્યા હતા.
ખેર! હવે જાહેર જાગૃતિનાં નાટકો કોઇ ભજવતું નથી. હમણાં પારુલ ખખ્ખરની એક કવિતાએ દેશવ્યાપી ઊહાપોહ મચાવ્યો. નાટક તો લોકોને સીધું સંબોધન કરી શકે એટલી તેની અસર મોટી હોય પરંતુ એ જ કારણે હવે એવાં નાટકો થતાં નથી.
નાટકને આપણે થિયેટરના મંચમાં બંધ કરી દીધું છે. જો યાદ કરો તો સમજાશે કે આપણી ભવાઇ મુકત – જગ્યા પર, ગામ પાદરે જ ભજવાતી. તેના પ્રેક્ષકોએ ટિકિટ ખરીદવી નહોતી પડતી. હા, ભવાઇ દરમ્યાન ઉઘરાણું થતું ને જેને જે આપવા જેવું લાગે તે આપતા. પૃથ્વીરાજ જેવાએ દેશના ભાગલા સામે ‘પઠાણ’, ‘દિવાર’ જેવાં નાટકો કર્યાં ત્યારે પણ ટિકિટ નહોતી રાખતા બલકે નાટક પૂરું થાય પછી ઝૂકેલા મસ્તક સાથે ઝોળી લઇ ઊભા રહેતા, જેથી કોઇને પૃથ્વીરાજજીની શરમે નાણાં આપવાની ફરજ ન પડે. આજે આવી કોઇ પરંપરા જ નથી બચી.
નાટક જાહેરજીવન સાથે સંકળાયેલું છે ને એ જાહેરજીવન રાજકારણ, શિક્ષણ, ધર્મ, સહિતનાં તત્ત્વોથી રચાયેલું હોય છે, તો નાટક કરનારાઓની એવી ય ફરજ કે આ બધાં તત્ત્વોમાં જો જાહેરજીવનને ગૂંગળાવનારાં તત્ત્વો પ્રવેશ્યાં હોય તો તેને જાગૃત કરે. પરંતુ એવું થતું નથી. સફદર હાશ્મી શેરીનાટક કરતા હતા ત્યારે જ તેમની હત્યા થયેલી ને ત્યારે અત્યારના શાસકો ન હતા. ૧૯૮૯ ના વર્ષમાં તેમની હત્યા કરાયેલી. રાજીવ ગાંધી ત્યારે વડા પ્રધાન હતા.
વાત એમ હોય છે કે કોઇ શાસકને ગમતું નથી કે તેમનો વિરોધ થાય. અમુક શાસકો તેમની સામે થતાં વિરોધને વિધાયક ભાવે સ્વીકારે અને પોતાના શાસનની મર્યાદા દૂર કરવા પ્રયત્ન કરે તો કોઇ શાસક વિરોધીઓને જ દૂર કરવા પ્રયત્ન કરે. પણ વિરોધની ફરજ માત્ર કવિતા લખનારાની કે નાટક ભજવનારની જ નથી. તે તો દરેક જાગૃત અને વિચારશીલ નાગરિકની આંતરિક ફરજનો ભાગ છે.
હા, નાટક એક જાહેર માધ્યમ છે ને તે વ્યવસાયની મર્યાદામાં જ યા કળા તરીકેની સ્પર્ધાકીય પ્રવૃત્તિમાં જ સીમિત થઇ જાય તો તે યોગ્ય નથી. નાટક એકથી વધુ સ્વરૂપે લોકો વચ્ચે જવું જોઇએ. થિયેટરમાં જ તે શા માટે ભજવાયા કરે? થિયેટર સ્પેસ ખૂલવી જોઇએ. ટિકિટ ખરીદનારા જ પ્રેક્ષક એવું શા માટે? ટિકિટ ન ખરીદે તો પણ નાટક જોઇ શકે એવું શા માટે નહીં?
અત્યારે એકિટવિસ્ટો, ચળવળકારોની જમાત ઓછી થઇ ગઇ છે. આઝાદી વેળા અને પછીનાં તરતનાં વર્ષોનો સમય સારો હતો. તે વખતે ઇન્ડિયન પિપલ્સ થિયેટર (ઇપ્ટા)ની સ્થાપના થયેલી અને તેઓ ખુલ્લા રંગમંચ પર જ નાટકો ભજવતા. પ્રગતિવાદી સાહિત્યકારો જાહેરમાં મુશાયરા, કવિસંમેલન યોજતા. બલરાજ સાહની, દીના પાઠક, ખ્વાજા અહમદ અબ્બાસ, ચેતન આનંદ, હબીબ તનવીર, કૈફી આઝમી, મજરુહ સુલતાનપુરી, શૈલેન્દ્ર વગેરે આ પ્રવૃત્તિના હિસ્સા હતા. આજે કળાની ભૂમિકાએ ચળવળ કરનારા નથી. બંગાળમાં તો બાદલ સરકાર, ઉત્પલ દત્તે ઘણું કર્યું. આજે ત્યાં પણ કોઇ કરતું નથી. નર્મદ કહેતો કે, ‘ઝટ ડહોળી નાંખો રે મનજળ થંભ થયેલા’…. પણ એ આહવાન આજે કોણ સ્વીકારે?