પહેલાં અમેરિકા અને હવે ચીને મંગળ ગ્રહ પર પોતાનું યાન ઉતાર્યું, એ સમાચાર જ્યોતિષની દૃષ્ટિએ કેટલા મહત્ત્વના ગણાય? તેનાથી ભારતીય જ્યોતિષીઓના ધંધા પર કેટલી અસર પડશે? અને સૌથી અગત્યનો સવાલઃ જે લોકોની કુંડળીમાં મંગળનું નડતર હોવાનું જોશીઓ કહે છે, તેવા જાતકોને હવે મંગળની સાથે અમેરિકા-ચીનનાં મંગળ પર ફરતાં સ્વયંસંચાલિત વાહનો પણ નડશે? આટલા સવાલ ભેગો એ સવાલ પણ પૂછી જ લેવો જોઈએ કે મંગળનાં નડતર દૂર કરી આપનારા મહારાજો આ વાહનોની સામે આવનારાં નડતર દૂર કરી શકશે? સરેરાશ ભારતીયોનો અમેરિકાની અવકાશવિજ્ઞાન સંસ્થા ‘નાસા’ પ્રત્યેનો પ્રેમ જોતાં, શું એવી સંભાવના ખરી કે ભારતીયો ધીમે ધીમે મંગળને લગતી સમસ્યાઓ દૂર કરાવવા માટે, તેની કુદૃષ્ટિના નિવારણ માટે જોશીઓને બદલે ‘નાસા’નો સંપર્ક સાધે?

ફળજ્યોતિષના હિસાબે મંગળ પ્રકૃતિએ વિધ્નકર્તા છે. કુંડળીમાં ‘ઘાટડીએ’ કે ‘પાઘડીએ’ મંગળ હોય તે કંઈક કોડભરી કન્યાઓને કે મુરતિયાઓને લગ્નના માર્કેટ પૂરતાં ખોડભર્યાં બનાવી દે છે. એકની કુંડળીમાં મંગળ હોય અને બીજું અ-મંગળ (એટલે કે મંગળ વગરનું) હોય, તો તેમની વચ્ચેનો વિવાહસંબંધ (જ્યોતિષીઓ પાસે ખિસ્સાનો ભાર હળવો કર્યા વિના) ઇચ્છનીય ગણાતો નથી. ફળજ્યોતિષમાં વિશ્વાસ ધરાવતાં લોકો માને છે કે ભારે મંગળ હોય તો મુરતિયાના માથે ઘાત રહે છે. વ્યવહારુ લોકો તેમને સમજાવે છે કે લગ્ન કરવા અને માથે ઘાતથી બીવું, એ તો રોંગ સાઇડ ચલાવીને પોલીસથી બીવા જેવી વાત છે.
કુંડળીમાં મંગળ હોવાને કારણે લગ્ન ન થાય તે એક દુર્ઘટના છે અને મંગળની હાજરી/ગેરહાજરીમાં કુંડળી મળી જવાથી લગ્ન થઈ જાય એ બીજી, ઓછી ચર્ચાતી દુર્ઘટના હોઈ શકે છે. પહેલી દુર્ઘટનામાં અનેક સાક્ષીઓ હોય છે, જ્યારે બીજીમાં સાક્ષીઓ ‘આપણાવાળા’ અને ‘સામેવાળા’ બની જાય છે. લગ્ન પછી બંને પાત્રોના સંબંધો બગડે અથવા બગડી શકે એટલા સારા થાય જ નહીં, ત્યારે પણ મંગળને દોષ આપવામાં આવે છે. ઝઘડો થાય એટલે દંપતીમાંથી એક જણ વડચકું ભરે છે,’મંગળ બીજે બધો ફરતો ફરે છે, તો તારી કે મારી કુંડળીમાં ગુડાતાં એના બાપનું શું ખસી જવાનું હતું? એ હોત તો કમ સે કમ આપણાં લગન તો ન થાત.’
ખગોળશાસ્ત્રીઓ મંગળના રતાશ પડતા દેખાવને કારણે તેને ‘રેડ પ્લેનેટ’ કહે છે. જ્યોતિષ પર શ્રદ્ધા ધરાવતાં લોકો માને છે કે મંગળની અસર ભલભલાને રાતા પાણીએ રોવડાવે છે. એ તર્ક પ્રમાણે મંગળનું ઉપનામ ‘રાતો ગ્રહ’ (રેડ પ્લેનેટ) જ્યોતિષપ્રેમીઓને પણ સ્વીકાર્ય છે. અલબત્ત, ‘રાતો ગ્રહ’ને બદલે ‘રોતો કે રોવડાવતો ગ્રહ’ જેવો થાય તો તેમને વધારે ગમે. જ્યોતિષમાં ન માનતા લોકોએ પણ એટલું તો કબૂલવું પડશે કે નાણાંની જાવક સાથે મંગળને સીધો સંબંધ છે. મંગળનું નડતર દૂર કરાવવાના ચક્કરમાં કેટલાય જાતકો છૂટા હાથે રૂપિયા વાપરે છે અને મંગળ પર જીવસૃષ્ટિની તથા વસવાટની શક્યતાઓ અંગે તપાસ કરવા માટે અમેરિકા અને ચીન જેવા દેશો કરોડો ડોલરનો ધુમાડો કરે છે. મંગળ પર જીવસૃષ્ટિ મળી આવે તો તપાસ કરવી જોઈએ કે એ લોકોને તેમની કુંડળીમાં પૃથ્વી નડે છે કે કેમ?
સૂર્યમાળામાં રહેલા મંગળ સુધી પહોંચવામાં અમેરિકા-ચીનને વર્ષો નીકળી ગયાં, જ્યારે કુંડળીના મંગળ સુધી પહોંચતાં આપણા પહોંચેલા જ્યોતિષીઓને જરાય વાર લાગતી નથી. ગામ આખાને નડતો મંગળ મોટા ભાગના જ્યોતિષીઓને ફળે છે. મંગળને કારણે લગ્ન થતાં ન હોય કે બીજી કોઇ પણ રીતે એ હેરાનગતિ આપતો હોય, તો ‘સોપારી’ લઇને મંગળનું નડતર દૂર કરાવવા માટે જ્યોતિષીઓ ઉત્સુક હોય છે. યોગ્ય વિધિ કે જાપ દ્વારા મંગળનો દુષ્પ્રભાવ નિવારી શકાય છે એવું ઘણા માને છે, પણ એ વિધિના નામે લોકોને ખંખેરતા કેટલાક જ્યોતિષીઓનો દુષ્પ્રભાવ નિવારવા માટે વિધિવિધાન ઉપયોગી બનતાં નથી. (તેમાં ભારતીય દંડવિધાનથી કામ લેવાની જરૂર હોય છે.)
નોબેલ પ્રાઇઝ અને ઓસ્કાર એવોર્ડમાં પણ ફિક્સિંગ થઇ શકતું હોય, એવા ‘ક્વિકફિક્સ યુગ’માં કુંડળી કઇ ચીજ છે? જજમાન તરફથી યોગ્ય દક્ષિણા મળ્યા પછી ગોર મહારાજની કલમના એક ગોદે અથવા માઉસની એક ક્લિકથી જાતકની કુંડળીમાં રહેલા મંગળને ક્યાંનો ક્યાં ધકેલી શકે છે, એની કોઈ નોંધ લેતું નથી. મંગળ પર યાનોની સંખ્યા વધ્યા પછી જાતકો માટે કકળાટ અને જ્યોતિષીઓને જલસા થાય તે સંભવિત છે. કેમ કે, ત્યાર પછી કુંડળી લઈને આવતા કોડીલા-કોડીલીઓેને જોષી કહી શકશે,’એકલા મંગળનું નડતર હોય તો હમણાં દૂર કરી દઉં, પણ તમને તો મંગળની સાથોસાથ મંગળ પર ઊતરેલું પેલું યાન પણ નડે છે. એનું નડતર દૂર કરવા માટે ખાસ વિધિ કરવી પડશે.’
સમય સાથે તાલ મિલાવતા કેટલાક યુવાન જ્યોતિષીઓ કુંડળીમાં કૃત્રિમ ઉપગ્રહોને પણ સ્થાન આપવાનું વિચારી રહ્યા છે. નવી અને જૂની પદ્ધતિઓના સમન્વયથી તૈયાર કરેલી લેટેસ્ટ પદ્ધતિ પ્રમાણે કુંડળીવાચન કરતાં એ લોકો કહેશે,’તમારી કુંડળીમાં મંગળ પર શનિ વક્રી છે અને સાતમા સ્થાને ઇનસેટ-મેટસેટ (કૃત્રિમ ઉપગ્રહોનાં નામ)ની યુતિ છે. એટલે આ મહિનો જરા સાચવી લેજો.’ મંગળ વિશે કોઈને એવું પણ થાય કે ‘આ તો આપણે માનીએ છીએ એવો અનિષ્ટ જરાય નથી. તે આપણને નડે કે આપણે જેની આજુબાજુ ચકરાવા મારીએ છીએ તે જ્યોતિષીઓ આપણને વધારે નડી શકે?’