ઉમરેઠ: કોરોના મહામારીના કારણે પડી ભાગેલા ધંધારોજગારના કારણે રોજનું કમાઈ ગુજરાન ચલાવનારા નાના ધંધા રોજગારવાળા વેપારીઓને સૌથી વધુ અસર થઇ હોવાની મુશ્કેલી સમજી સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આવા લોકોને સરકાર તરફથી રૂ.10 હજારની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત આજ રોજ ઉમરેઠ શ્રી સંતરામ મંદિરના કલ્યાણ હોલમાં એસબીઆઈ બેન્ક દ્વારા વિસ્થાપન કેમ્પ યોજાયો હતો અને બેન્ક દ્વારા જણાવ્યા મુજબ અંદાજે સો જેટલા લાભાર્થીઓને રૂ.10 લાખની સહાય ચુકવવામાં આવી હતી,
ઉપરોક્ત કેમ્પમાં એસબીઆઇબેન્કના જનરલ મેનેજર પ્રનવરાજન દ્રિવેદી, ડીજીએમ રાજેશ બેસખિયાર, આઇજીએમ સંતોષકુમાર મહેતા તેમજ મેનેજર વિવેક મિશ્રા ઉપસ્થિત રહી ઉમરેઠ નગરપાલિકા દ્વારા અપાયેલ લિસ્ટ મુજબ સરકારના સ્ટેન્ડઅપ મિત્ર પોર્ટલના ડેટા દ્વારા નક્કી કરાયેલ લાભાર્થીઓને ચેક આપવામાં આવ્યા હતા. આ આર્થિક સહાય એક વર્ષમાં 12 ઇન્સ્ટોલમેન્ટ દ્વારા સહાયની રકમ બેન્કમાં પરત ચુકવવાની રહેશે. નિયમિત ઇન્સ્ટોલમેન્ટ ભરનાર લાભાર્થીઓને 7% સબસિડીનો લાભ મળશે.