વડોદરા : કમાટીબાગમાં વેકસીન નુકશાની અંગેના પેમ્પલેટ વહેંચીને નાગરીકોને વેકસીન નહીં લેવા બે ગ્રુપના મહિલા સહિતના આઠ સભ્યોએ વિરોધ કરતા સયાજીગંજ પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, કમાટીબાગમાં આવેલ બેન્ડસ્ટેન્ડ ખાતે કેટલાક એકત્ર થયેલા લોકો વેકસીનનો વિરોધ કરે છે અને તે અંગેના છાપેલા પેમ્પલેટ વિતરણ કરીને નાગરીકોને ગેરમાર્ગે દોરે છે.
પોલીસ ટીમે ઘટનાસ્થળે સાંજે છાપો માર્યો હતો. ઘટનાસ્થળે કેટલીક સ્ત્રી પુરૂષોનું ટોળું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર એકઠું થયું હતું. જેમાં લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા અને કોરોનાકાળમાં વેકસીન નહીં લેવાનો ફેલાવો કરી રહયા હતા. પોલીસે બે મહિલા સહિત આઠ ઈસમોની અટકાયત કરીને પુછતાછ કરી હતી. ‘‘અવેકન ગુજરાત મુવમેન્ટ’’ અને અવેકન બરોડિયન્સ નામે ગ્રુપ બનાવનાર સભ્યો એકત્ર થયા હતા. નાગરીકોમાં એવી ગેરસમજ ફેલાવતા હતા કે રસી નહીં લેનારને સરકાર કોઈ સુવિધા સેવા કે યોજનાથી વંચીત રાખી શકે નહીં.
કોરોના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે અને સરકાર નવા કોરોના સ્ટ્રેનના નામે લોકોને ડરાવી રહી હોવાનો પ્રયાસ કરી રહી છે. તેવો ફેલાવો કરી રહયા હતા. તમામ આરોપીઓની પોલીસે અટકાયત કરીને સયાજીગંજ પોલીસ મથકે લાવી હતી અને અગાઉથી રચેલુ ષડયંત્ર મેનેજમેન્ટ સહિતની કલમ મુજબ આઠ આરોપીઓ િવરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી હતી.