National

પહેલીવાર ડ્રોનથી થયો આતંકી હુમલો, એરફોર્સ સ્ટેશન પર 5 મિનિટમાં બે ધડાકા

જમ્મુ એરપોર્ટ સંકુલ (J&K air force center) (એરફોર્સના તકનીકી ક્ષેત્ર) માં રવિવારે (27 જૂન) બપોરે 2 વાગ્યે માત્ર પાંચ મિનિટના સમયમાં બે વિસ્ફોટ (Blast) થયાં. જેમાં એરપોર્ટના તકનીકી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગની છતને નુકસાન થયું છે. આ સ્થાનની જાળવણી કરવાની જવાબદારી એરફોર્સને સોંપવામાં આવી છે. બીજો બ્લાસ્ટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. 

વિસ્ફોટમાં વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કોઈ સાધનને નુકસાન થયું નથી. આ કેસમાં બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ જમ્મુમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. ભારતીય સૈન્ય મથક પર આ પહેલો ડ્રોન હુમલો (Dron attack) છે. આ અંગે હજી સુધી એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે એરફોર્સ સ્ટેશન પર ડબલ બ્લાસ્ટને આતંકી હુમલો ગણાવ્યો હતો. તેમણે બંને વિસ્ફોટમાં ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્ફોટક સામગ્રી છોડવાની આશંકા વ્યક્ત કરી હતી.

મકવાલ સરહદથી એરપોર્ટનું અંતર પાકિસ્તાનના કાવતરા તરફ ઇશારો કરી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે હવાઇ મથકથી સરહદ સુધી એરપોર્ટથી પાંચ કિલોમીટરનું અંતર છે. એવી આશંકા છે કે આ ડ્રોન સરહદ પારથી હેન્ડલ કરવામાં આવી રહ્યુ છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં આતંકવાદી નેટવર્કની સંભવિત સંડોવણી સહિત વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, ભારતીય વાયુ સેનાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે આજે એરફોર્સ સ્ટેશન પર પ્રથમ બે ઓછા-તીવ્રતાના વિસ્ફોટો પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ ચાલુ છે. આ દરમિયાન આઈએએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારતીય વાયુ સેનાના વડા, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા, જે સત્તાવાર મુલાકાતે બાંગ્લાદેશમાં છે, પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ મામલે તપાસ કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ વીઆર ચૌધરી જમ્મુ એરફોર્સ સ્ટેશન પર છે.

એનઆઈએની ટીમ અને એનએસજી કમાન્ડો ઘટના સ્થળે પહોંચી ગયા હતા

એનઆઈએની ટીમ અને એનએસજી કમાન્ડો એરપોર્ટ પર પહોંચી ગયા છે. આ સાથે ડીઆઈજી સીઆરપીએફ પણ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. એરપોર્ટ પર બે વિસ્ફોટને પગલે જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top