Dakshin Gujarat

દમણમાં કન્ટેનર નીચે વિચિત્ર રીતે ફસાયો સાંઢ, આ રીતે બચાવાયો

દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણનાં ઓદ્યોગિક વિસ્તારમાં કન્ટેનર (Container) નીચે સાંઢ આવી જતાં તેને બચાવવા લોકોનો પસીનો વળી ગયો હતો. આખરે એકત્ર થયેલા કામદારોએ સાંઢને (Bull) દોરડાથી ખેંચી સહીસલામત રીતે બહાર કાઢી બચાવી લીધો હતો. જોકે આ કામમાં ટ્રક ચાલકે પણ સુઝબુઝ વાપરી હતી અને ટાયરને એ રીતે સેટ કર્યા હતા જેથી સાંઢ સરળતાથી નિકળી શકે.

  • દમણમાં કન્ટેનર નીચે વિચિત્ર રેતી ફસાયેલા સાંઢને કામદારોએ દોરડાથી ખેંચી બહાર કાઢ્યો
  • સાંઢ કન્ટેનરની પાછળ બેઠો હતો એ અરસામાં ચાલક રિવર્સ ટર્ન મારતાં સાંઢ કન્ટેનર નીચે આવી ગયો હતો
  • ટ્રક ચાલકે સુઝબુઝ વાપરી ટાયરોનું ડિરેક્શન સેટ કરતાં સાંઢને સલામત બહાર કાઢી શકાયો

દમણનાં ડાભેલ મહાત્મા ગાંધી ઉદ્યોગ નગરના ઓ.આઈ.ડી.સી. પાસે શનિવારે કન્ટેનર નંબર RJ-52-GA-6980નો ચાલક કન્ટેનરને પાર્ક કરીને બેઠો હતો. એ દરમ્યાન સાંઢ કન્ટેનરની પાછળ આવી બેસી ગયો હતો. જ્યાં થોડા સમય બાદ કન્ટેનરનો ચાલક કંપનીમાં જવા અર્થે કન્ટેનરને રિવર્સ લેતા પાછળ બેઠોલો સાંઢ કન્ટેનર નીચે આવી ફસાઈ ગયો હતો. આ વાતની ચાલકને જાણ ન હતી. આ સમયે ત્યાંથી પસાર થતાં લોકોએ સાંઢને ટ્રકના આગળના ટાયર વચ્ચે ફસાયેલો જોતાં બુમાબુમ કરી કન્ટેનરનાં ચાલકને થોભવા જણાવ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસની કંપનીના કામદારોને થતાં તેઓ પણ જગ્યા સ્થળ ઉપર દોડી આવ્યા હતા. કન્ટેનરનાં ચાલકે પોતાની સુઝબુઝથી કન્ટેનરનાં ટાયરોનું ડીરેક્શન સેટ કરી ફસાયેલા સાંઢનાં સીંગડા ઉપર પટ્ટો બાંધી કામદારોની મદદથી તેને લાંબી જહેમત બાદ બહાર ખેંચી સહી સલામત બહાર કાઢી તેને મુક્ત કર્યો હતો. ત્યારે સાંઢને બહાર કાઢતી વખતે રસ્તા પરથી આવતા જતા લોકો પણ સાંઢ કઈ રીતે આ પ્રમાણે કન્ટેનર નીચે ફસાયો એ જોઈ આશ્ચર્યચિકત થઈ ગયા હતા.

Most Popular

To Top