ભરૂચ જિલ્લાના પૂર્વભાગના વાલિયા તાલુકામાં ગુરૂવારે 12 કલાકમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ચાર તાલુકાને બાદ પાંચ તાલુકામાં સામાન્યથી હળવો વરસાદ પડ્યો હતો. આજે અડધા દિવસમાં ભરૂચ જિલ્લામાં 155 મીલીમીટર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને વાલિયા તાલુકાની ત્રણ નદીઓ આજે બે કાંઠે વહી હતી .સાતપુડાની તળેટીમાં ત્રણ ડેમમાંથી બે ડેમોમાં સામાન્ય પાણીની સપાટીમાં વધારો થયો હતો.
આગામી બે દિવસ માટે હળવા ઝાપટા પડવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. ગુરૂવારે સવારે કાળા ડીબાંગ વાદળો ધમાકેદાર મેઘરાજાની મહેર થતા નગરજનોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારથી આકાશમાં જાણે કાળી ચાદર લપેટેલી હોય એવા દ્વશ્યો જોવા મળતા હતા. ભરૂચ જિલ્લામાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીના આજના 12 કલાકમાં સૌથી વધુ વાલિયા તાલુકામાં 67 મીલીમીટર, નેત્રંગ તાલુકામાં 35 મીમી, અંકલેશ્વરમાં 47 મીમી, ભરૂચમાં ૪ મીમી તેમજ આમોદમાં 2 મીમી વરસાદ પડ્યો હતો.
જ્યારે વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ, ટોકરી અને અમરાવતી નદીમાં વરસાદથી બે કાંઠે પાણી વહીને જઈ રહ્યું છે. જ્યારે ચાર તાલુકામાં વરસાદ પડ્યો ન હતો. સાતપુડાની પર્વતમાળામાં બલદેવા ડેમમાં પાણીની સપાટી 5 સેન્ટીમીટર વધીને 131.50 મીટરની થઇ છે. જ્યારે પીંગોટ ડેમમાં 15 સેન્ટી મીટર વધતા 131.25 મીટરની થઇ છે. જ્યારે ધોલી ડેમમાં પાણીની સપાટી નહી વધતા 131.95 મીટરની સ્થિર છે. ભરૂચ જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ વિભાગે આગામી બે દિવસમાં હળવા ઝાપટા પડવાની આગાહી કરી છે. નેત્રંગ પંથકમાં ગુરૂવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ૧૭૯ એમ. એમ એટલેકે ૭ ઇચ જેટલો નોંધાયો છે.
ઓલપાડ તાલુકામાં એક ઈંચ વરસાદ
ટકારમા : ઓલપાડ તાલુકામાં મોડી રાત્રે ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારે અને બપોર બાદ વરસાદ વરસ્યો હતો આમ 24 કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી, જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે, અત્યાર સુધીમાં ઓલપાડ તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે.
દેડીયાપાડામાં અડધો ઈંચ વરસાદ, અન્ય તાલુકા કોરા
રાજપીપળા: નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર દેડીયાપાડા તાલુકામાં જ -16 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-192 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો -100 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-87 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-58 મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-53 મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.