ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન આમોદ તાલુકાના કુરચણ ગામેથી રીઢા વાહન ચોર અબ્દુલ્લા મહંમદભાઇ પટેલના ભાઇ સીરાજ મોહંમદ ઇસ્માઇલ કાભઇને શંકાસ્પદ બાઇક, ચોરીની બાઇકનું એન્જિન તથા વિવિધ સ્પેરપાર્ટ્સ સહિત કુલ કિ.રૂ. ૪૮,૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
સીરાજ કાભઇની પૂછપરછ કરતાં તેણે ભરૂચ શહેર એ-ડીવીઝન વિસ્તારમાં એક બાઇકની ચોરીની કરેલ હોવાનું જણાવ્યું હતું. બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી તથા તથા અન્ય એ વોન્ટેડ આરોપી અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદભાઇ પટેલ બંને જુની બાઇક્સની લે-વેચનું કામ કરે છે. જૂની બાઇકના લે-વેચના ઓથા હેઠળ ભરૂચના મઢુલી સર્કલ, નંદેલાવ તથા શ્રવણ ચોકડી વિસ્તારમાં ફરીને ખાસ કરીને સ્પ્લેન્ડર બાઇકને ટારગેટ કરી ડુપ્લીકેટ ચાવીથી ખોલી, બાઇકને ઉઠાવી કોઠી ગામ ખાતે લઇ જઇ, બાઇક ડિસેમ્બલ કરી નાખી તેના સ્પેરપાર્ટસ તેમની પાસે જે જૂની બાઇક વેચાવા આવી હોય તેમાં ફિટ કરી આર્થિક ઉપાર્જન કરતા હતા.
પોલીસે ઝડપાયેલ સીરાજની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. LCB પોલીસે કબજે કરેલી કુલ કિ.રૂ. ૪૮,૧૦૦ના મુદ્દામાલમાં મોટરસાઈકલ નંગ-૦૧, બાઈકના એન્જિન નંગ-૨, પેટ્રોલ ટાંકી નંગ-૫, નંબર પ્લેટ, મો.સા.ની ચેચીસ નંગ-૦૩, મો.સા. જમ્પર નંગ-૧૦, સાયલેન્સર નંગ-૪, બાઈકના સ્ટીયરિંગ નંગ-૩, એલોય વ્હીલ નંગ-૧, બેટરી નંગ-૨ અને ફાયબરના બેટરી ગાર્ડ–૬નો સમાવેશ થાય છે.