Dakshin Gujarat

કોરોના કાળથી બંધ થયેલી સી પ્લેન સેવા હજુ સુધી ચાલુ નહીં થતાં અનેક તર્કવિતર્ક

સરદાર પટેલની જન્મ જયંતી 31મી ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવા શરૂ કરી હતી.”સી” પ્લેન સેવા કોરોના કાળ દરમિયાન બંધ થતાં અત્યાર સુધી ચાલુ ન થતા પ્રવાસીઓ દ્વિધામાં મુકાયા છે. સી પ્લેન 8 એપ્રિલ-2021ના રોજ અમદાવાદથી કેવડિયા આવ્યું હતું. ત્યાર બાદ 17 એપ્રિલ-2021ના રોજ સી પ્લેન અમદાવાદથી માલદીવ ગયું તે હજુ પરત આવ્યું જ નથી.

અમદાવાદથી કેવડિયા વચ્ચે સી પ્લેનની સેવા મોટા ઉપાડે શરૂ કરવામાં તો આવી પણ એ ચાલુ ક્યારે થશે એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. અગાઉ પણ સી પ્લેન સેવાની શરૂઆત બાદ મેઇન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. પણ અમુક સમય પછી સી પ્લેનની શરૂઆત થઈ હતી. હવે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો ખુલ્લાં તો મુકાયાં પણ સી પ્લેન સેવા બંધ રહેતાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યાં છે.

સી પ્લેન સેવા બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓને પૂછવામાં આવતાં તેઓ દ્વારા પણ કોઈ જવાબ અપાયો ન્હોતો. સી પ્લેન સેવા ફરી શરૂ ક્યારે થશે એ બાબતે અધિકારીઓ પણ અજાણ હતા. સી-પ્લેનના મેઇન્ટેનન્સ માટેની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેઇન્ટેનન્સ માટે માલદીવ મોકલાય છે. ફ્લાઈંગ અવર પૂરા થતાં ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે 17 એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યું હતું. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતાં સી-પ્લેન પરત નથી આવ્યું. હવે કોરોના કેસ ઘટવા છતાં હજુ સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવું તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવું સૂત્રોએ જણાવ્યું છે.

Most Popular

To Top