ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) એવા સમયે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે જ્યારે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ નક્કી કરવા અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાઈ શકે છે. હાર્દિંકે તેમના પિતાના મૃત્યુ પ્રસંગે કોંગ્રેસી નેતાઓનો દિલાસો ન મળવા બાબતે બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે મે મહિનામાં કોરોનાને કારણે તેમના પિતાનું અવસાન થયું. ત્યારબાદ કોંગ્રેસના કોઇ મોટા નેતાએ તેમના પિતાના મોત પર તેમના ઘરે આવીને સાંત્વના (condolement) આપવાની તસ્દી લીધી નથી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મારા પિતાના અવસાન પછી રાજ્ય અને દેશના ઘણા નેતાઓના સાંત્વના માટેના ફોન અને મેસેજ આવ્યા પરંતુ ગુજરાત કોંગ્રેસમાંથી કોઇ મોટા નેતાઓ મારા ઘરની મુલાકાતે આવ્યા નથી તે દુખની વાત છે.
હાર્દિક પટેલને ભલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હોય પરંતુ એક વાત નક્કી છે કે હાર્દિક પટેલનો કોંગ્રેસના સિનિયર નેતાઓ ખાસ ભાવ પૂછતા નથી. અગાઉ સ્થાનિક સ્વરાજના ચૂંટણીઓમાં કોંગ્રેસની ભૂંડી હાર પછી હાર્દિકે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોંગ્રેસના જૂના નેતાઓ તેમને સાંખી શકતા નથી અને પાડી દેવા માંગે છે. જોકે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં તેમની અવણગના અંગે હાર્દિકે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે પરિવાર મોટો હોય તો નાના-મોટા ઝગડા તો થતા જ રહેવાના. પરંતુ મારે કોઇ પદ નથી જોઇતું. મારે તો કામ કરવું છે. હાર્દિકે કહ્યું કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને કોઇ જવાબદારી સોંપવામાં આવે તેવી તેમને અપેક્ષા છે.
બીજી તરફ હાર્દિક આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. જોકે આ પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું કે આવી વાતો ભાજપવાળા ફેલાવે છે. તેઓ કોઇપણ સંજોગોમાં આમ આદમી પાર્ટીમાં જવાના નથી. જોકે એટલું તો નક્કી કે કોંગ્રેસના મોટા માથાઓ વચ્ચે હાર્દિક પટેલનું કદ હજી નીચું પડે છે. આ જ કારણ છે કે તેમના પિતાના મોત બાદ કોંગ્રેસના મોટા નેતાઓ તેમના ઘરે તેમના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા ન હતા. આ વાત હાર્દિક પટેલે પોતે સ્વીકાર કરી છે અને તે અંગે તેમણે દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે કોંગ્રેસના કોઇ મોટા નેતાએ તેમના પિતાના મોત પર તેમના ઘરે આવીને સાંત્વના આપવાની તસ્દી લીધી નથી.