Business

સલમાન ખાન પોતાને એક્શનમાં ખિલાડી સાબિત કરવા માગે છે?

જો અક્ષયકુમાર એક સાથે છ ફિલ્મો કરી શકે છે તો પોતે કેમ નહીં? એવો સવાલ સલમાન ખાનને પણ થયો હોય એમ લાગે છે. તેની ત્રણ ફિલ્મો રજૂઆત માટે તૈયાર છે ત્યારે નવી ત્રણ ફિલ્મો માટે તૈયારી કરી રહ્યો છે. છેલ્લી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ ને સૌથી વધુ લોકો દ્વારા જોવામાં આવી હોવાના દાવા સાથે OTT પર સફળતા મળી હોવા છતાં તેની ટીકા થઇ અને IMDB પર સૌથી ખરાબ રેટિંગ મળ્યા પછી એ નવી ફિલ્મોની પસંદગી બાબતે ચેતી ગયો હોય એવું લાગતું નથી. ‘રાધે’ સાથે તેની સૌથી ખરાબ રેટિંગવાળી ફિલ્મોની સંખ્યા પાંચ થઇ ગઇ છે.

આ ફિલ્મો હવે તેના ચાહકો પણ જોવાનું પસંદ કરતા નથી. આ અગાઉની ‘ભારત’ ને ખાસ પસંદ કરવામાં આવી ન હતી. કમાલ આર. ખાન જેવાને તો મોકો મળી જાય છે. તેણે સલમાનની કારકિર્દીની દિશા અંગે કટાક્ષ કર્યો હતો. ‘રાધે’ ને કોરોના મહામારીના લૉકડાઉનને કારણે થિયેટરોમાં રજૂ કરવામાં આવી ન હતી. હમણાં લૉકડાઉનમાં ઢીલ પછી મુંબઇનાં બે થિયેટરોમાં શા માટે રજૂ કરવામાં આવી એ કોઇને સમજાતું નથી. ખરાબ સમીક્ષા પછી ફિલ્મને થિયેટરોમાં રજૂ કરવાનો નિર્ણય યોગ્ય ન હોવાનું ટ્રેડ પંડિતો માની રહ્યા છે. ગણતરીના જ દર્શકો થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચ્યા હતા. તેના પિતા સલીમ ખાને પણ એકરાર કર્યો હતો કે ‘રાધે’ સલમાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક નથી. હવે બોક્સઓફિસ પર જોરદાર પુનરાગમન કરવા સલમાને ફિલ્મની સ્ક્રિપ્ટ પર ધ્યાન આપવાનું શરૂ તો કર્યું છે.

તે પોતાની ઇમેજને એકદમ બદલી શકે એમ નથી. તેના ચાહકો તેને ‘દબંગ’વાળા એક્શન રૂપમાં જ વધુ જોવા ઇચ્છતા હોય છે અને એટલે જ સલમાનની ‘દબંગ’ ની કાર્ટૂન સીરિઝને તેના એક નવા અવતારમાં OTT પર બાળકો માટે રજૂ કરવામાં આવી છે. આ વર્ષે રજૂ થનારી તેની ટૂંકી ભૂમિકાવાળી શાહરૂખ સાથેની ‘પઠાન’ અને આયુષ શર્માની ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ માં જબરદસ્ત એક્શન છે. તેને હજુ દક્ષિણની એક્શન ફિલ્મો પર જ વધુ ભરોસો છે. તે કદાચ પોતાને એક્શનમાં ખિલાડી સાબિત કરવા માગે છે. ખબર છે કે તેણે દક્ષિણની બે મોટી હિટ ફિલ્મોની રીમેકના અધિકાર ખરીદી લીધા છે. તેમાં દક્ષિણના સુપરસ્ટાર તેજાની ‘ખિલાડી’ અને વિજય સેતુપતિની ‘માસ્ટર’ છે.

સલમાન ખાનને તેના પિતા ક્રિકેટર બનાવવા માગતા હતા. તેમને ખબર નહીં હોય કે સલમાન ક્રિકેટનો નહીં એક્શનનો ખિલાડી બનવાનો છે. આ વખતે તેણે દક્ષિણની ફિલ્મોની નકલ કરવાને બદલે તેની સ્ક્રિપ્ટમાં ઇમેજને અનુરૂપ ફેરફાર કરવાની પોતાની ટીમને સૂચના આપી છે. નવી ફિલ્મોમાં તે ‘લાર્જર ધેન લાઇફ’ ની ઇમેજને વધારે મજબૂત કરવા માગે છે. સલમાન અત્યારે તેની એક્શન ફિલ્મો ‘ટાઇગર ૩’ અને ‘કિક ૨’ ના શૂટિંગમાં ભાગ લઇ રહ્યો છે. પ્રશ્ન એવો થઇ રહ્યો છે કે સલમાન માત્ર સીક્વલ અને દક્ષિણની ફિલ્મોની રીમેકના આધારે ક્યાં સુધી રહેવાનો છે? દક્ષિણની રીમેકને સારી સફળતા મળી રહી નથી છતાં તેને હિટ ફોર્મ્યુલા સમજીને સલમાન કારકિર્દીમાં આગળ વધી રહ્યો છે.

તેથી એવું સાબિત થાય છે કે સલમાન નવી વાર્તા પર ફિલ્મ બનાવવાનું કે નવા પાત્ર ભજવવાનું જોખમ લીધા વગર સલામત રીતે જ કામ કરવા માગે છે. એ ત્યાં સુધી નિર્દેશક ફરહાદ શામજીની ત્રણ ભાઇઓની વાર્તાવાળી ફિલ્મ ‘કભી ઇદ કભી દીવાલી’ નું નામ બદલીને ‘ભાઇજાન’ કરવા માગે છે. સલમાન ખાન કે બોલિવૂડના અન્ય સ્ટારને એ વાતની ખબર હશે જ કે તેમના કરતાં દક્ષિણના સ્ટારની ફિલ્મોની વધારે આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.

તેનું કારણ વાર્તાઓ મૌલિક હોય છે અને તેમાં નવીનતા હોય છે. અત્યારે રૂ.૧૦૦ કરોડથી લઇને રૂ.૫૦૦ કરોડના ખર્ચે પ્રભાસની ‘આદિ પુરુષ’, વિજય દેવરકોંડાની ‘લાઇગર’, જુનિયર એનટીઆરની ‘આરઆરઆર’ અને યશની ‘કેજીએફ ચેપ્ટર ૨’ જોવા માટે દર્શકોમાં સૌથી વધુ ઉત્સુક્તા છે. આ ફિલ્મો ચારથી વધુ ભાષાઓમાં રજૂ થવાની હોવાથી મોટા દર્શકવર્ગને આવરી લેવાની છે. બોલિવૂડના સ્ટાર્સ હજુ હિન્દી ફિલ્મોને સફળતા અપાવી શકતા નથી ત્યારે દક્ષિણના સ્ટાર અનેક ભાષાના દર્શકોને આકર્ષી રહ્યા છે. 

Most Popular

To Top