Business

મહેમાનના માન – અપમાન..!

અમારી મિત્રમંડળીમાં ચર્ચા નીકળી: આદર્શ મહેમાન કેવો હોય? જે મહેમાન ઘરે જવાની તૈયારી કરે ત્યારે ઘરના સભ્યોની આંખમાં એક સામૂહિક વિનંતી પ્રગટે: ‘પ્લીઝ.. તમે આજે રોકાઈ જાઓ..!’ કેટલાંક તો વળી એ મહેમાનના બૂટ કે થેલી વગેરે પણ સંતાડી દે. બસ આવું થાય તો માનવું કે એ મહેમાન આદર્શ મહેમાનની પરીક્ષામાં ડિસ્ટીંક્શન સાથે પાસ થયો છે. પણ ક્યારેક ઘરના માણસો મહેમાનને વારંવાર યાદ અપાવે કે તમારી બસનો ટાઈમ થયો છે અને એવામાં બસ આવી ચઢે તો જાતે દોડી જઈને બસ ઊભી રખાવે છે. આવા મહેમાનો ફુલ્લી નાપાસ ગણાય.

એક મિત્રને ત્યાં છેક બાર વાગ્યે છ મહેમાનો આવી ચડ્યા. ગૃહિણીએ મહોલ્લાના એક માણસને વિનંતી કરીને શ્રીખંડ વગેરે મંગાવ્યું પણ તેઓ બોલ્યા વિના ના રહી શક્યા: ‘ભાઈસાહેબ, જરા ફોન કરી દીધો હોત તો મારે આટલી દોડાદોડી ના કરવી પડી હોત.’ મહેમાન બન્યા પછી આવું સાંભળવું પડે તો હળહળતું અપમાન કહેવાય પણ મહેમાનો બોલ્યા: ‘મોડું થાય તેની ચિંતા ના કરશો. અમને તો મોડા જમવાની આદત છે. અલ્યા ભાઈ..! વિવેક જ કરવો હોય તો એમ કહો ને કે અમારે માટે કશું જ મિષ્ટાન્ન બનાવશો નહીં. (એક બહેન તો વળી બોલ્યાં: ‘મારે માટે આમલીવાળી નહીં લીંબુવાળી દાળ બનાવજો..!’)

દોસ્તો, સમજદાર મહેમાન આવતા પહેલાં ફોન કરવાનું ચૂકતા નથી. આજની તણાવગ્રસ્ત જિંદગીમાં લોકો પાસે સમય હોતો નથી. લોકો સતત લોકલ ટુ શટલમાં અપડાઉન કરતા રહે છે. તેમની અડધી જિંદગી ટ્રેનમાં વિતી જતી હોય છે. ગાડી મોડી પડે ત્યારે બાળકો સૂઈ ગયાં હોય. એવી ભાગદોડવાળી જિંદગીમાં તેમને ત્યાં કોઈ અડબંગ મહેમાન આવી ચઢે તો યજમાન જરૂર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અમારા મિત્રના પાડોશમાં એક માસી રહે છે. મિત્ર કહે છે: એ માસીને એની વહુ જોડે ઝઘડો થાય કે તરત અમારે ત્યાં દોડી આવે છે. આવતાંની સાથે તેઓ– ‘મારો દીકરો પૈસા નથી આપતો. વહુ ઘરનાં કામો નથી કરતી ને પાડોશમાં જઈને ચુગલી કરી આવે છે.’ એવી ફરિયાદોનું લાંબું લિસ્ટ વાંચી જાય છે.

દોસ્તો, આદર્શ મહેમાનની કોઈ વિશિષ્ટ વ્યાખ્યા હોતી નથી. સારા સ્વભાવની વ્યક્તિ શ્રેષ્ઠ મહેમાન બની શકે. એવી સ્ત્રી હિંચકે ગોઠવાઈ જવાને બદલે રસોડામાં જઈને યજમાનને મદદ કરે છે અને જમણવાર પત્યા બાદ વાસણો સાફ કરવા સુધી સાથે રહે છે. આમ થવાથી યજમાન ગૃહિણીને ડબલ આનંદ થાય છે. મહેમાન સાથે વાતો થઈ શકે છે અને રસોઈકામમાં મદદ પણ મળી શકે છે.

ઘણા મહેમાનો પોતાનું ટૂથબ્રશ, રેઝર, નેપકિન સાથે લઈને આવે છે. આ સારી રીત ગણાય પણ મોટેભાગના મહેમાનોને એવી ટેવ હોતી નથી. તેઓ યજમાનનાં નેપકિન, બ્રશ, રેઝર વગેરેનો જ ઉપયોગ કરે છે. આરોગ્યની દષ્ટિએ પણ એ વાંધાજનક ગણાય. એ ઉપરાંત યજમાનને દુ:ખ થાય એવી વાતો તો ખાસ ટાળવી. માણસ આજે ઉપરથી સુખી દેખાય છે પણ દરેકના દિલમાં પોતપોતાના પ્રાઈવેટ દવ સળગતા હોય છે. કોઈના દાઝ્યા પર ઠંડું પાણી ભલે ના રેડી શકાય પણ તે પર ઉકળતું પાણી ના રેડવું જોઈએ. એક ઘટના જોઈએ. અમારા પરિચિતને કેન્સર હતું. એક સગા એમની ખબર લેવા આવ્યા. તેમણે કહ્યું: ‘ભલા માણસ હવે દવા કરાવશો નહીં.

કેન્સર તો ચિતામાં જ જાય..!’ બીજે દિવસે એક અન્ય સ્વજને ટેલિફોનથી એમની ખબર પૂછી. તેમણે કહ્યું: ‘તમે નિરાશ થશો નહીં.. મેડિકલ સાયન્સમાં હવે બહુ સંશોધનો થયાં છે. યોગ્ય ડૉક્ટર મળે તો કેન્સર જરૂર સાજું થઈ શકે છે…!’ એ મિત્રે કહ્યું: ‘કેન્સર સાજું થાય કે ન થાય પણ મને એમના શબ્દોથી ઘણું સાંત્વન મળ્યું. પેલા આગલા મહેમાન મને બહુ દુ:ખ પહોંચાડી ગયા..!’ વિવેકબુદ્ધિનો અભાવ એ આપણો બહુ મોટો રાજરોગ છે. લોકો ધરમકરમમાં બહુ માને પણ સારી વર્તણૂકમાં ન માને. બહાર અસ્ત્રીવાળા અપટુડેટ કપડાં પહેરીને નીકળે પણ વિચારોને અપડેટ ના કરે. ઘણા લોકોનો એવો વાણીવિલાસ સાંભળ્યો છે. ક્યારેક તો ૭૦ – ૭૫ વર્ષના વૃદ્ધો પણ એવી પરિપક્વ બેવકૂફી ધરાવતા હોય છે. તેઓ મોં ખોલે ત્યારે બધી મજા મારી જાય છે.

ધૂપછાંવ

બચુભાઈએ કહ્યું: ‘અમારે ત્યાં એક મહેમાન આવ્યા તેમણે કહ્યું: ‘તમે આબાદ છેતરાઈને આવ્યા. આ ચોખા બાસમતી છે જ નહીં.. એના દોઢસો તે વળી અપાતા હશે? આ સાડીના પાંચસો શું પાંચ રૂપિયા પણ ના અપાય. ને બુટ્ટીમાં પણ સોનું ભેળસેળવાળું છે!’ એ ભાઈ ગયા ત્યાં સુધી અમને એ વાતનો અહેસાસ કરાવતા રહ્યા કે અમને કશું જ ખરીદતા આવડતું નથી. અમારો આખો જન્મારો છૂટી પડ્યો. અંતે બચુભાઈએ ઉમેર્યું: ‘આપણામાં આમાંનો એકાદ દુર્ગુણ પણ હોય તો તે દૂર ન થાય ત્યાં સુધી મહેમાન બનવાનું ટાળવું!’

Most Popular

To Top