ત્રણ વર્ષના સમયને પણ પૂછીશું કે બેટા છાતી એટલે શું? તો તરત તેની મેલીઘેલી પણ ડિઝાઇનર જરસી ઊંચી કરીને કહેશે કે જુઓ આ ધડનો સૌથી ઉપરનો અને આગળનો ભાગ એટલે છાતી. ગળાથી નીચે શરૂ થતી અને પેટના ઉપરના ભાગે પૂરી થતી છાતી ત્રિકોણાકાર કે વી શેપની હોય છે. ફિલ્મમાં તો સલમાન ખાનની છાતી આમજનતામાં એટલી આંખવગી થઇ ગઈ છે કે ભૂમિતિનો વી શેપ જોવો હોય તો સલ્લુભાઇનું કોઇ પણ તાજું પિકચર જોઇ નાખવું દર ત્રીજી ફિલ્મમાં સલ્લુભાઇ તેમના પ્રોડયુસરના બનિયન, જરસી કે શર્ટનો ખર્ચો બચાવે છે.
છાતી કાઢીને ચાલવાનો અત્યારનો મારો આ શોખ નવો નથી. હું તો જન્મ્યો હતો ત્યારે પણ માથા પછી પહેલી છાતી બહાર કાઢીને સામે મને કેચ કરવા ઊભેલી નર્સને હાથ હલાવી, હાય, હની, હેલ્લો કર્યું હતું. નર્સે પણ કદાચ મારી આ અદા ઉપર ફિદા થઇને મારા ખુલ્લા કુલ્લાપ્રદેશ ઉપર ટપલીદાવ કર્યો હશે. મારા પુત્રના જન્મ વખતે લેબર રૂમમાંથી નર્સ આવા ટપલીદાવ કરીને તેને બહાર મોં બતાવવા લાવી ત્યારે જ ખબર પડી કે આવો ટપલીદાવ દરેક નવજાત શિશુને પહેલા પાંચ શ્વાસ લેવામાં મદદ કરતા હોય છે. છઠઠો શ્વાસ બિચારું ભૂલકું મારની બીકે જાતે જ લેવા માંડે છે.
અત્યારે તો મને ખાસ યાદ નથી કે તે વખતે મને કેવું લાગ્યું હશે જયારે મારા બાપાએ કે બાએ મને ઘોડિયામાંથી કાઢી અને તેમના હાથમાં લેવા માટે તેમના બે હાથની વચ્ચે સાચવીને મને મારી છાતીથી ઊંચકીને લીધો હશે. શરદી થઇ હશે ત્યારે અચૂક મારી છાતી પર બામ ચોળાયો હશે. મને બ્રેસ્ટ ફિડીંગ કરાવ્યા પછી મારી માએ તેમના ખભે મારી છાતી ટેકવીને મારી પીઠ ઉપર થોડાક હળવા સ્ટ્રોક માર્યા હશે (બપીંગ) કે જેથી દૂધ સાથે હું હવા પણ ગળી ગયો હોઉં તો તે પાછી બહાર નીકળી જાય અને મને ગેસ ના થઇ જાય. આફરો ના ચઢે, મને જોવા આવેલા સગાંઓ સામું જોતાં જોતાં તેમને ઓળખવાના મામલે હું ગંભીર થયો હોઇશ ત્યારે લગભગ દરેકે મારી છાતીની આજુબાજુ તેમની આંગળીઓ ભરાવી મને ગલી ગલી ગલી જેવું કરીને જાતે જ હસ્યા હશે.
હું પણ કદાચ હસ્યો હોઇશ પણ તેમને મારી સામે હસવાના ગાંડા કાઢતા જોઇને જ ! તો કયારેક પેલાએ વધુ પડતા ઉત્સાહથી મારી છાતી ઉપર તેમની આંગળીઓના હળ ચલાવ્યા હોઇ મેં ભેંકડા પણ તાણ્યા હશે, લગભગ એકાદ બે કે ત્રણ મહિના સુધી તો હું ચત્તાપાટ પડીને જ મારી રૂમની છતને કે પછી ઘોડિયાના બે પાયા વચ્ચેના ગોળ લાકડા ઉપર બાંધેલું રંગબેરંગી ફૂમતું જ જોયા કરતો હોઇશ. કંટાળીને પછી કે શરીરમાં તાકાત આવવાથી મેં કરવટ બદલી હશે ત્યારે આ છાતીના ટેકે જ મેં હાથપગ અને મારું માથું આજુબાજુ ફેરવી કેટલા મારો આ લાઇવ શો જોઇ રહયા છે તે જોવાનો પ્રયત્ન કર્યો હશે.
બાળપણનો છાતીનો એક ખાસ ઉપયોગ મને યાદ છે. હું માત્ર જન્મે જ નહીં પણ કર્મે પણ બામણ છું. ખર્ચમાં કરકસરના ભાગરૂપે, મોટાભાઇના લગ્ન વખતે જ મને પણ યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવેલા. તે જમાનામાં નાતવાળાઓ માટે લગ્ન સાથે જનોઇનો પ્રસંગ, એક સાથે એક પ્રસંગ ફીની સ્કીમ ગણાતો! શરીરના ધડને, ખાસ તો છાતીને બે ભાગમાં, બાઇસેકટ કરી દેતી જનોઈ પહેરાવી દીધેલી. ગોર મહારાજે તો જનોઇને બામણના ટ્રેડમાર્ક તરીકે ગણાવી તેની કંઇક કેટલી ઉપયોગિતા બતાવેલી. જો કે મને તો બે જ ઉપયોગ યાદ રહી ગયેલા. એક તો એકીબેકી જતી વખતે જનોઇને ખભેથી પ્રમોશન આપીને જમણા કાને લટકાવવાની. મને હજુ સુધી એકીબેકીના આવા કાર્યક્રમ વખતે જનોઇ કાને કેમ વીંટાળવાની તે ખબર નથી પડી. તેમ કરવાથી કુદરતી હાજતની સ્પીડ કે સરળતા ઉપર (એકયુપ્રેશર કે બેકયુપ્રેશર !) કદાચ અસર થતી હશે પણ મારું લોજીક એવું કહે છે કે જેવો મારો જમણો હાથ શર્ટના જમણા કોલરની અંદર જઇ જનોઇ ખંખોળી તેને જમણા ખભેથી ઊંચકીને જમણા કાને ભરાવતો એટલે તરત આજુબાજુવાળાને મારા કુદરતી વિમોચનની ગંધ આવી જતી અને મને પાંચ મિનિટ માટે એકલો મૂકી દેતા. બીજો ઉપયોગ મને મારી હોસ્ટેલ લાઇફ દરમ્યાન કામે આવ્યો. મારી રૂમની ચાવી હું જનોઇના પેટ બાજુના છેડે ગાંઠ વાળીને ભરાવતો. ચાવી ભૂલી ના જવાય. મને જયાંત્યાં વસ્તુઓ ભૂલી જવાની બાળપણથી આદત રહેલી છે.
મોટા થયા પછી જો કે હજુ સુધી ઘરવાળી કયાંય ભૂલી નથી જવાઈ. નાગર અર્ધાંગના ખરી ને! વધતી ઉંમરની સાથે મારી યાદશકિત અડધી થઇ હશે પણ તેની ડબલ થઇ ગઇ છે. મલ્ટીપ્લેક્સમાં કે કોઇ મેળામાં હું કયાંક બે મિનિટ આઘોપાછો થવામાં ખોવાયો હોઇશ તો પણ તે ઘડીના છઠ્ઠા ભાગમાં મને શોધી કાઢે છે. હું કોમનહોલમાં સ્વયંસેવિકા પાસેથી બજાજ કેલિબર મોબાઇકની ખૂબીઓ સમજતો હોઉં છું ત્યાં આવીને મને થેલા પકડાવીને આંખોથી જ ‘‘બસ, હવે જઇશું?” અને પેલીને હસતાં હસતાં કહેશે ‘‘મોટરસાઇકલ ચલાવવાની એમની ઉંમર ગઇ. ખાલી ટાઇમપાસ કરતા હતા” પેલી જે રીતે અવાચક થઈ તે પરથી લાગયું કે બજાજ કેલિબરની ખૂબીઓ તે જાણતી હશે પણ નાગરણના મિજાજ કેલિબરની ખાસ ખબર નહીં હોય.
આમ જુઓ તો છાતી એટલે માણસની લાઇફ સપોર્ટ સીસ્ટીમ ગણાતાં હૃદય અને ફેફસાંઓની એક પ્રોટેકટીવ દીવાલ કે કમ્પાઉન્ડ વોલ કે હાડ-માંસનું કવચ. પુરુષ હોય કે સ્ત્રી દરેકના છાતીના માળખામાં બાર જોડી પાંસળીઓ હોય છે. આદમમાં કદાચ આ સંખ્યા ભર જવાનીમાં સાડા અગિયાર થઇ ગઇ હશે. અડધી પાંસળીમાંથી આખી ઇવ ઉદભવેલી ને! કેટલાક ભાગ્યશાળીઓમાં આ સંખ્યા તેરની હોય છે. તેમને ગળામાં બોનસ રૂપે સર્વાઇકલ રીબ્સ પેટે પાંસળીનો એક સેટ વધુ આવેલો હોય છે. મારા જેવા તો એક ઇવ-ડીથી જ સાત જનમ જેટલું ધરાઈ ગયા છે.
આ તેર-પાંસળીયા લોકો બે બે ઇવના સ્કોપથી આજીવન હરખાતા રહે છે. તેમને એવું લાગે છે કે ઘરવાળીના લાંબા પિયરવાસ દરમ્યાન કયારેક કદાચ સ્પેરવીલની જેમ વધારાની આ પાંસળીઓ વાપરીને બે ગોપીઓ જન્માવાશે. બંનેની સાથે વાંસળીના તાલે જુદા જુદા રાસ તો રમી શકાશે! છાતીની આગળની બાજુએ પેકટોરાલીસ મેજર અને પેકટોરાલીસ માઇનોર એવા બે મોટા-નાનાભાઇઓ જેવી મજબૂત સ્નાયુઓ સામી છાતીએ ઝીલાતા ઘા માટે કવચ બને છે. જો કસરત કરી કરીને તેને ઘડયા હોય તો પુરુષને એક મેચો ઇમેજ અપાવી દે છે. સ્તનગ્રંથિ ફકત સ્ત્રીઓમાં હોય છે તે માન્યતા ખોટી છે. પુરુષમાં પણ હોય છે. છાતીની બરાબર મધ્યમાં એક જમણી અને એક ડાબી એમ બે બાજુ.
કોઇ ટાપુ ઉપરની દીવાદાંડીની જેમ નીપલ અને એરીયોલા જોવા મળે છે તે તેનો પુરાવો છે. પુરુષ હોર્મોનના પ્રભાવ હેઠળ તે સુષુપ્ત જ રહે છે. કયારેક બાળક પુખ્તતામાં પ્રવેશે (પ્યુબર્ટી વખતે થતા હોર્મોનના ફેરફાર વખતે) ત્યારે તે સ્ત્રી સ્વરૂપ ધારણ કરે છે. તેને ગાયનેકોમસ્ટીયા કહેવાય છે. આ રોગ નથી પણ એક અવસ્થા છે જે એક નાના ઓપરેશનથી દૂર કરી શકાય છે. જો કે તે પહેલાં તો ગાયનેકોમસ્ટીયાવાળું પેલું બાળક અને તેનાં માબાપ સખત માનસિક તાણ અનુભવે છે. જાહેરમાં સલમાનવાળી કરતાં સંકોચાય છે. પિકનિક વખતે પણ નદી કે તળાવમાં સામૂહિક છબછબિયાં તો ઠીક પણ સ્નાનાગારમાં સ્વીમીંગ શીખવાથી પણ દૂર રહે છે, છાતીની પાછળની બાજુએ કરોડરજજુના બાર મણકાઓ આવેલા હોય છે, તેની આજુબાજુ લેટિસમસ ડોરસી, સેરેટસ એન્ટીરીયર અને પોસ્ટીરીયર જેવા ભારેખમ નામવાળા બોડિગાર્ડ હોય છે. આ જ સ્નાયુઓ સ્કૂલે ભણવા જતાં બાળકોનાં ભારેખમ દફતર ઊંચકે છે. જો બરાબર ના ભણ્યા તો મોટી ઉંમરે આ જ સ્નાયુસમૂહ રેલવે સ્ટેશન ઉપર કુલી તરીકે પ્રવાસીઓના બેગબીસ્તરા ઊંચકવામાં પરસેવાની કમાણી કરાવી આપે છે.
છાતીના ઉપરના ભાગે ગળું આવે છે. ગળું એટલે ધડમાથા વચ્ચેનો સેતુ. ગળાની રચના વિશે કોઇ આર્કિટેકટનો અભિપ્રાય લઇશું તો તરત જ કહેશે કે ભગવાનની આ ટેક્નિકલી એકદમ ઊતરતા ક્રમની ડિઝાઇન છે. એક નાના સ્ટ્રકચરમાં કેટલા બધા વાઇટલ પાર્ટસ ફિટ કરી દીધા છે. ફકત સાત મણકાના ભરોસે લોહીની ધોરી નસો અને ચેતાતંત્રના એક્સપ્રેસ હાઇવે છોડી દીધા લાગે છે. ફાંસી હોય કે એકિસડન્ટ, જીવનનો બધો ખેલ એક જ ઝાટકે ખતમ. છાતીની ઉપરની સાઇડે, ગળાની બાજુમાં જ બે હાથ લટકતા હોય છે. છાતીની જોડે રહીને તે બગલ નામનો ગુફાભાગ બનાવે છે, નવી નવી જુવાની ફૂટતી હતી ત્યારે માથાના વાળ કપાવતી વખતે અમારો ફેમિલી વાળંદ મફતમાં મૂછો ટ્રીમ કરી આપતો અને લટકામાં બગલના વાળ પણ છોલી આપતો.
એકે એક નહીં પણ એકે બે ફ્રીનું માર્કેટીંગ તે વખતથી હું સમજતો થયો, સેકન્ડરી સેકસ કેરેકટર તરીકે ઓળખાતાં અને પુખ્તતાની જાહેરાત કરતાં દાઢી, મૂછ, બગલ અને જાંઘના વાળ અનાયાસે મર્દાનગીનાં પ્રતીક પણ બની જતાં હોય છે. નાની ઉંમરમાં તો એટલી જ ખબર હતી કે બગલનો ઉપયોગ માંદા પડતી વખતે તાવ માપવાનું સાધન થર્મોમીટર મૂકવા માટે જ હોય છે. પછી મોટા થતાં ગયા તેમ તેમ બગલના બીજા ઉપયોગોની પણ અનાયાસે શોધખોળ થતી રહી.
નવા નવા પ્રેમમાં પડેલા પેલા અને પેલી, તેમનો ઉભરાઇ રહેલો પ્રેમ દર્શાવવા જયારે એકબીજાને ભેટે છે ત્યારે પેલા કે પેલીની બગલ જ પેલા કે પેલીના ગળે વહાલથી ફીટ થઇ જાય છે, કયારેક છાપું તો કયારેક છત્રી બગલમાં ગોઠવી બેઉ હાથને બીજા અગત્યના કામમાં પણ પરોવાય છે, છાતીના કે હાથના ચેપમાં મોટાભાગે વરાધની ગાંઠો બગલમાં જ મોટી થઇ જતી હોય છે. ટીબી જેવા લસિકાગ્રંથિના (લીમ્ફનોડ) રોગમાં પણ બગલમાં એક્સીલરી લીમ્ફનોડની એક આખી ઝૂંપડપટ્ટી ધીમે ધીમે ઊભી થઇ જાય છે. તેને ઓપરેશન અને એન્ટીટયુબરકયુલસ દવાની મદદથી દૂર કરાય છે. છાતીની નીચેની બાજુએ તેના પડોશના એરિયા બદલાતા રહે છે. આગળના ભાગે છાતી પૂરી થાય છે અને પેટ શરૂ થાય છે.
પાછળની બાજુએ બરડો ફીટ થયેલો હોય છે. સાઇડમાં બે બગલની પડતર ખીણો આવેલી હોય છે. ધડમાં અંદરની બાજુ, છાતી અને પેટને જુદા પાડતા ભાગને ઉદરપટલ (ડાયાફામ) કહેવાય છે, ઉદરપટલ આમ તો પ્રાયમરી રેસ્પીરેટરી મસલ છે પણ છાતી અને પેટના વાઇટલ અવયવો વચ્ચેની કંપાઉન્ડ વોલ પણ છે. છાતી બાજુનો ઉદરપટલ ફેફસાંના તળિયાને બેસાડીને શ્વાસ ઉચ્છશ્વાસની ધમણપ્રક્રિયા દરમ્યાન હિંચકા ખવડાવતો રહે છે. પેટ બાજુનો ઉદરપટલ લીવર અને બરોળને છત્રીની જેમ રક્ષણ પૂરું પાડે છે. છાતીની અંદરની બાજુએ પસાર થતી નાની બાળકી જેવી અન્નનળી જેવી ઉદરપટલમાંથી પસાર થઇ પેટ બાજુ જાય છે કે પુખ્ત વયની કન્યાની જેમ જઠરમાં પરિવર્તિત થાય છે.
છાતીની અંદર બે ફેફસાંની વચ્ચે સહેજ ડાબી તરફ હૃદય ગોઠવાયેલું હોય છે. એક હૃદય અને બે ફેફસાં, કદાચ પ્રકૃતિની આ સૌ પ્રથમ પ્રણયત્રિકોણીય સંરચના હશે, બેઉ ફેફસાં શ્વાસની ક્રિયા દરમ્યાન લીધેલી હવામાંથી ઓક્સિજનને લોહીમાં ભેળવી હૃદય સુધી પહોંચાડે છે. હૃદય આ ઓકિસજનેટેડ શુધ્ધ લોહી આખા શરીરના અણુએ અણુમાં પહોંચાડે છે. કોષની કાર્યશીલતાના લીધે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોકસાઇડ લોહીમાં રિટર્ન ગિફટની જેમ ઓગળીને તેને અશુદ્ધ બનાવે છે. શિરા વડે તે લોહી ફેફસાંમાં મોકલાવાય છે, ફેફસાંમાં આ અશુધ્ધ લોહીમાંથી કાર્બન ડાયોકસાઇડ છૂટો પડી શ્વાસનળીમાં જાય છે. ત્યાંથી તે વાયુની ઉર્ધ્વગમનની પ્રકૃતિ મુજબ નાક બાજુ જઈ ઉચ્છવાસમાં, વાતાવરણમાં ફેલાવાય છે.
સામાન્ય રીતે ફેફસાંની કેપેસીટી પાંચ લિટરની હોય છે. તેમાંથી એરપેસેજની હવા બાદ કરો તો ચારેક લિટર જેટલી હવા શુધ્ધ થવી જોઇએ. જો કે રેસ્ટીંગ સ્ટેટ દરમ્યાન આપણા ફેફસાં ફકત 33 ટકા એટલે કે દોઢેક લિટર જે હવાનું ગેસીયસ એક્સચેન્જ કરે છે, યોગાભ્યાસમાં કરાતા અનુલોમ, વિલોમ, પ્રાણાયમ વખતે રામદેવબાબા અને તેમના અનુયાયીઓ જ તે કેપેસીટી બે થી અઢી લિટર જેટલી વધારી શકે છે. કપાલભાતિ નામની ક્રિયાનો નિયમિત અભ્યાસ કરવાથી, ઉદરપટલની ક્ષમતા તો વધે છે પણ તે ઉપરાંત શ્વાસનળીમાં સેટલ થયેલા બંગલાદેશી હિજરતીઓ જેવા પ્રદૂષણના રજકણોનો પણ (દેશનિકાલ) દેહનિકાલ થાય છે.
ફેફસાં અને તેના શ્વસનમાર્ગો, હૃદય અને તેની મહાધમનીઓ અને મહાશીરાઓ એક મીડિયાસ્ટાઇનમ નામના મુકત અવકાશમાં એકબીજાથી જોડાયેલ હોય છે. આ જ મીડિયાસ્ટાઇનમમાં થોરેસીક લિમ્ફનોડ આવેલા હોય છે. આ લિમ્ફનોડ પોલીસચોકી જેવા હોય છે. ફેફસાંમાં કે શ્વાસનળીમાં જેવા આતંકવાદીઓ (ઇન્ફેકશન) ભેગા થયા નથી અને આ લિમ્ફચોકીઓની સક્રિયતા વધી જાય છે. તે એન્લાર્જ થાય છે. આવી મીડિયાસ્ટાઇનલ લીમ્ફએડીનોપથીનું સૌથી કોમન કારણ ટયુબરકયુલોસીસ હોય છે. એઇડસ કે હોકીન્સ ડિસીઝ અને લિમ્ફટીક લ્યુકેમિયા નામના બ્લડ કેન્સરના દર્દીઓમાં પણ લસિકાગ્રંથિની આ ચોકીઓ સાઇઝમાં વધી જાય છે, તે આજુબાજુમાં રસ્તા ઉપર ફેલાયેલી ઝૂંપડપટ્ટીની જેમ દબાણ વધારે છે. દર્દીને મુકત રીતે શ્વાસ લેવાની તકલીફ પડે છે. દિવસરાત તે ખોં ખોં કરીને ખાંસ્યા કરે છે.
એવરગ્રીન સુપરસ્ટાર અમિતાભ બચ્ચને બહુ રોગો પાળ્યા છે. છાતીના બે ખાસ રોગોને તેણે શાહી મહેમાન બનાવ્યા છે. એક તો ફેફસાંનો દમ, બદલાતી સીઝનમાં કે બદલાતા શહેરી વાતાવરણમાં આ જ દમ તેના શરીરને પૂરતો પ્રાણવાયુ પહોંચાડવામાં તેનો દમ કાઢી નાખે છે. બીજો રાજરોગ એટલે સ્નાયુઓનો બાદશાહી રોગ માયેસ્થેનિયા ગ્રેવીસ, છાતીની અંદરના ભાગમાં થાયમસ નામની ગ્રંથિ હોય છે. તેમાંથી નીકળતા સ્ત્રાવની ઊણપથી માયસ્થેનિયા ગ્રેવીસ નામનો રોગ થાય છે. તે તેનું રાજાપણું બતાવે એટલે અમિતાભના આંખનાં પોપચાં ઢળી પડે છે.
છાતીના સ્નાયુઓ પણ ઓછા શ્રમમાં હાંફી જાય છે. આવા દર્દીઓને આજીવન રીપ્લેસમેન્ટ થેરેપી લેવી પડે છે અથવા થાયમસ ગ્લેન્ડનું ઓપરેશન કરાવવું પડે છે. દિલડાને સમાવતી છાતી પણ ઘણા ઇમોશનલ રંગો જમાવી દે છે. જો કોઇ સુપુત્ર, પ્રતિષ્ઠિત કામ કરે તો તેનાં મા-બાપની છાતી ગદ ગદ ફુલાવી દે છે. જો કોઇ કુપુત્ર, કાળાં કામ કરે તો એ જ માબાપને તેની છાતી પંખે લટકાવવાનો વિચાર કરાવી દે છે.
લાંબા વિરહમાં સ્વજનો એકબીજાની છાતીને ભેટાવી દે છે. ઊંચી સફળતામાં છાતી વડીલોના આશીર્વાદ લેવા તેમના ચરણોમાં ઝૂકી પડે છે. પીઠને શાબાશી અપાવડાવે છે. અંગત સ્વજનના મોત જેવા કરુણ પ્રસંગમાં શોક પ્રદર્શિત કરવામાં એક જમાનામાં આ જ છાતી બિચારી પોતાના જ પાડોશી હાથથી કુટાઇ જતી હોય છે. તે જોઇને આજુબાજુના ડાઘુઓની પણ છાતી ભરાઈ આવે છે. એક વખત આપણા એક્સ વડાં પ્રધાન ઇન્દિરાજીને કોઇએ પૂછેલું કે ભારતના અને પાકિસ્તાનના સૈનિકમાં શું એકમાત્ર ફેર છે? ઇન્દિરાજીએ તેમની સ્પોન્ટેનીટીથી જવાબ આપેલો કે ભારતીય સૈનિકને વાગેલી ગોળી સામી છાતીએ ઝીલાયેલી હશે, પાકિસ્તાની સૈનિકને વાગેલી ગોળી ભાગતી પીઠમાં પ્રવેશેલી હશે. છાતી મુકકો ખમે જયારે પીઠ ધબ્બો પામે .
છાતીના ઘણા અર્થ છે. ઉદારતા કે ઔદાર્ય. સ્તન (કુચ, પયોધર, ઉરજ, થાન, ધાઈ) વક્ષ:સ્થળ કે ઉરપ્રદેશ, મન કે અંતઃકરણ કે કાળજું, હિંમત, સહનશીલતા, સારંગીનો ઉપલો ભાગ, છાતીને વ્હાલથી જો નાની સાઇઝ હોય તો છદ, છાત, છાતડી કે છાતલડી અને જો મોટી સાઈઝ હોય તો છતા કે છાતિયાળ પણ કહેવાય છે. છાતીના નામે ગુજરાતીમાં લગભગ દરેકની છાતીએ સીત્તેર – એંશી કહેવતો કે મુહાવરા વળગેલા છે. કેટલાક ઓછા વપરાતા મુહાવરા જોઇએ. કઠણ છાતીનું એટલે હિંમતવાન, કાચીપોચી છાતી એટલે બીકણ હૃદય, છાતી ઉછળવી એટલે હરખ થવો, છાતી ઊડી જવી એટલે જીવ ગભરાવો, છાતી ઉબલવી એટલે લાગણીવશ થવું, છાતી ઉભરાવી એટલે દુ:ખથી રડવું આવવું , છાતી ઊંચી થવી એટલે મગરૂર થવું, છાતી કાઢવી એટલે રૂઆબમાં ચાલવું, છાતી કૂટવી એટલે તાણીને રોવું, છાતી ખોલવી એટલે ખુલ્લા દિલથી વાત કરવી, છાતી ગભરાવવી એટલે નાહિંમત થવું, છાતી ચાળણી થવી એટલે હૃદયમાં અફસોસ થયા કરવો, છાતી ચીરાઇ જવી એટલે બહુ જ લાગી આવવું, છાતી બળવી એટલે અદેખાઇ આવવી, છાતી ઠારવી એટલે આશ્વાસન આપવું, છાતી ઠંડી હોવી એટલે ધીરજવાળો હોવો, છાતી ઠોકવી એટલે શાબાશી આપવી, છાતી ઠોકીને કહેવું એટલે ભરોસાથી કહેવું, છાતી તળે રાખવું એટલે બારીકાઇથી નજર રાખવી. છાતી તોડવી એટલે વૈતરું કરવું. છાતી પર ફરવું એટલે વારંવાર યાદ આવવું. છાતી પર બેસવું એટલે સંતાપ આપવો. છાતીએ પાણી એટલે પૂરેપૂરો ભરોસો, છાતીનો પથ્થર એટલે અવિવાહિત દીકરી, છાતીનો આઘો એટલે સાહસિક અને અંતમાં છપ્પન ઈંચની છાતી એ નેશનલ મુહાવરો છે.