સાપુતારા: (Saputara) સાપુતારામાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા માટે પ્રવાસીઓનું (Tourist) ઘોડાપૂર ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડી ગયા હતા અને કોરોનાનો ભય લોકોએ નેવે મુકી દીધો હતો. કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતાની સાથે જ સાપુતારા અનલોક થયું છે. હાલમાં સાપુતારામાં વરસાદી (Rain) માહોલ અને કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહ્યો છે. તેવામાં રવિવારે સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
- કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડી ગયા, પ્રવાસીઓએ કોરોનાનો ભય નેવે મુકી દીધો
- સાપુતારાથી શામગહાનના ધોરીમાર્ગ પર બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી
- 9 કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગતા પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરતા પરસેવો પડ્યો
સાપુતારાનાં ટેબલ પોઈંટ અને સનરાઈઝ પોઈંટ સહિત સ્વાગત સર્કલ ઉપર વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક જામનાં દ્રશ્યો રેલાયા હતા. રવિવારે સાપુતારાની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ઉપર હાઉસફૂલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. સાપુતારામાં વરસાદી માહોલમાં પ્રવાસીઓની ભીડે કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડાડ્યા હતા. જેમાં કોરોનાનાં ભયને નેવે મૂકી માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર ટોળા એકત્રિત કરી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રિત કરી હતી. સાપુતારામાં અન્ય રાજ્ય સહિતના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેમાં કોઈક સંક્રમિત પ્રવાસીનો ચેપ નાના ધંધાર્થી કે હોટલીયરનાં સ્ટાફમાં ફેલાવે તો સાપુતારા કોરોનાની લપેટનાં ભરડામાં આવી જશે જેમાં બેમત નથી.
હાલમાં કોરોનામુક્ત દિશા તરફ જઈ રહેલા ડાંગ જિલ્લાને સાપુતારામાં આવતી પ્રવાસીઓની ભીડ કઈ ઘાતક લહેરમાં લઇ જશે તે પેચીદો પ્રશ્ન પણ ડાંગવાસીઓ માટે ચિંતાજનક બન્યો છે. જેથી કલેક્ટર ભાવિન પંડ્યા અનલોક સાપુતારાને ફરીથી થોડાક સમય માટે કડક નિયમોમાં લોકડાઉન કરે તે જરૂરી બની ગયુ છે.
સાપુતારા ઘાટમાં 9 કિલોમીટરના માર્ગ કલાકો સુધી ટ્રાફીક જામમાં ફેરવાયો
સાપુતારામાં રવિવારે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતુ. પ્રવાસીઓનાં ઘોડાપૂરનાં પગલે સાપુતારાથી શામગહાનને સાંકળતો 9 કિલોમીટરનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં બપોર પછી બન્ને સાઈડમાં લાંબી કતારો લાગવાની સાથે ટ્રાફીક જામની સ્થિતિ વણસી હતી. અહી માર્ગમાં ટ્રાફિક જામની સ્થિતિ વણસતા કલાકો સુધી પ્રવાસીઓ લોકડાઉન બન્યા હતા. અહી ટ્રાફિકને કાબુમાં કરવા માટે સાપુતારા પોલીસની ટીમનો પરસેવો નીકળી ગયો હતો.