Dakshin Gujarat

વાપી, વલસાડ, સેલવાસમાં જામ્યો વરસાદી માહોલ

વાપી, વલસાડ, સેલવાસ : વલસાડ (Valsad) જિલ્લામાં શુક્રવારે સાંજે 6 કલાકે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં 07 મી.મી., કપરાડા તાલુકામાં 13 મી.મી., ધરમપુર તાલુકામાં 10 મી.મી., પારડી તાલુકામાં 04 મી.મી., વલસાડ તાલુકામાં 14 મી.મી. અને વાપી તાલુકામાં 20 મી.મી. વરસાદ (Rain) નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં 215 મી.મી., કપરાડા તાલુકામાં 165 મી.મી., ધરમપુર તાલુકામાં 93 મી.મી., પારડી તાલુકામાં 240 મી.મી., વલસાડ તાલુકામાં 242 મી.મી. અને વાપી તાલુકામાં 198 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત દાદરા નગર હવેલીમાં સવારથી જ વરસાદનો માહોલ જામતા સેલવાસમાં 21.6 એમએમ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને ખાનવેલ વિસ્તારમાં 8.8 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સિઝનનો (Monsoon) કુલ વરસાદ 175.2 એમએમ 6.90 ઇંચથી વધુ થયો છે.

  • 24 કલાકનો જિલ્લાનો વરસાદ
  • વાપી 20 મીમી
  • વલસાડ 14 મીમી
  • કપરાડા 13 મીમી
  • ધરમપુર 10 મીમી
  • ઉમરગામ 07 મીમી
  • પારડી 04 મીમી

નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ

નવસારી, ઘેજ : નવસારી જિલ્લામાં 2 દિવસ સાર્વત્રિક વરસાદ રહ્યા બાદ આજે વરસાદનું જોર ઓછું પડ્યું હતું. ચીખલી તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદનું જોર ઓછું પડતા જ તાપમાનમાં વધારો થયો હતો. જેના પગલે બફારો વધ્યો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેથી જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોકે આજે વરસાદનું જોર ઓછું પડ્યું હતું. જોકે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેથી જિલ્લાના તમામ તાલુકાઓ ભીંજાયા હતા.

ગત શુક્રવારે સાંજે 6 વાગ્યેથી શનિવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં ચીખલી તાલુકામાં 29 મી..મી. (1.2 ઇંચ), વાંસદા તાલુકામાં 19 મી..મી. (0.9 ઈંચ), નવસારી તાલુકામાં 18 મી.મી. (0.7 ઇંચ), ખેરગામ અને જલાલપોર તાલુકામાં 14-14 મી..મી. (0.5 ઇંચ) તેમજ ગણદેવી તાલુકામાં 7 મી..મી. વરસાદ નોંધાયો હતો. શનિવારે વરસાદનું જોર ઓછું પડતા વાતાવરણ ખુલ્લું પડ્યું હતું. જેથી નવસારીમાં મહત્તમ તાપમાન વધુ 6 ડિગ્રી વધતા 32.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. શનિવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 79 ટકાએ રહ્યું હતું. જયારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 9.8 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા.

ચીખલી રેફરલ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી
ઘેજ: ચીખલી પંથકમાં સતત ત્રીજા દિવસે 29 મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે હજુ મેઘો મનમૂકીને વરસ્યો નથી. આ દરમ્યાન આજે ચીખલી પંથકમાં 29 મી.મી. વરસાદ વરસ્યો હતો. પરંતુ બપોરબાદ વાતાવરણ ચોખ્ખુ થઇ જવા પામ્યું હતું. તાલુકામાં ચોમાસાનો પ્રારંભ નબળો રહેવા સાથે વાવણીલાયક વરસાદ માટેની ધરતીપુત્રોની આશા હજુ ફળી નથી. ચીખલી રેફરલ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ પણ ધરાશાયી થયું હતું.

Most Popular

To Top