SURAT

સુરતમાં આ તારીખથી ઓનલાઈનને બદલે સીધા સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવાની થશે શરૂઆત

સુરત: (Surat) કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જરૂરી છે. શહેરમાં શરૂઆતમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, કો-મોર્બિડ પેશન્ટોને સાઈટ પર જ વેક્સિન આપવામાં આવી હતી. પરંતુ 18 થી 44 વયજુથના લોકો માટે મનપા દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયા બાદ વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ હવે આવનારા દિવસોમાં વેક્સિનનો (Vaccine) વધુ જથ્થો આવવાનો હોય, હવે વેક્સિનેશન સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન મુકાવી શકાશે. જે માટેનું ટ્રાયલ મનપા દ્વારા આવતીકાલથી શરૂ કરાશે. હાલમાં મનપા દ્વારા કુલ 148 વેક્સિન સેન્ટરો (Vaccine Centers) પરથી વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ આવનારા દિવસોમાં સેન્ટરો વધારીને 207 કરાશે.

હાલમાં શહેરમાં કુલ 161 સાઈટ પરથી વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં 148 મનપાના સેન્ટરો તેમજ 13 ખાનગી સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે. 18 થી 44 વયજુથના વધુ લોકો હોય, શરૂઆતમાં વેક્સિનેશન સેન્ટરો પર ટોકન આપવામાં આવતા ઘણી અફરાતફરી મચી હતી. ત્યારબાદ, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની સીસ્ટમ શરૂ કરાઈ હતી. શાસકો અને મનપા કમિશનર વચ્ચે થયેલી બેઠકમાં 21મી જુનથી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થનારા ટોટલી વેક્સિનેશનને ધ્યાને રાખીને ચર્ચા કરાઇ હતી. જે અંગે નિર્ણય લેવાયો છે અને હવે 21 જુનથી ઓનસાઈટ વેક્સિન રજિસ્ટ્રેશન કરી વેક્સિન મુકાવી શકાશે. જે માટેનું ટ્રાયલ આવતીકાલથી શરૂ થશે. સુરતમાં રોજના 40થી 50 હજાર લોકોને વેક્સિન મુકી શકાય તેવા આયોજનો કરાશે. જેના માટે સેન્ટરો વધારવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં 21 જૂનથી શરૂ થશે વોક-ઇન વેક્સીનેશન

રાજ્ય (Gujarat)માં અત્યારે કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેર (second wave) સમાપ્તિના આરે છે. તો બીજી તરફ યુદ્ધના ધોરણે રસીકરણ પણ ચાલી રહ્યું છે. ત્યારે રસીકરણ અંગે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં 18 થી 44 ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન (walk in vaccination) અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન (on site registration) કરીને આપવામાં આવશે.

 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રજીસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. પરંતુ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે.

Most Popular

To Top