સુરત : સુરત મનપામાં નોકરી કરતી મહિલાના પ્રેમમાં પાગલ થયેલા યુવકે મહિલાને તેના પતિ પાસેથી છૂટાછેડા ( divorce) લેવડાવી લીધા હતા. ત્યારબાદ આ યુવક મહિલાને શહેરની વિવિધ હોટેલમાં લઇ જઇને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. ત્યાર બાદ યુવકે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દઇને તરછોડી દીધી હતી. ચકચારીત આ કેસમાં પોલીસે મહારાષ્ટ્રના ગૌરવ પાટીલની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વેસુના પનાસ ગામમાં રહેતી અને પાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતી ૨૬ વર્ષીય પરિણીતા ઘરકંકાસને કારણે પતિથી અલગ રહેતી હતી. આ દરમિયાન તેની મુલાકાત 2019માં મહારાષ્ટ્રમાં સની પેલેસ ફળસી ખામગામમાં રહેતા ગૌરવ અનીલભાઇ પાટીલની સાથે થઇ હતી. ગૌરવે મહિલાને કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ, પરંતુ તુ તારા પતિ સાથે છૂટાછેડા નહીં લે તો આપણા લગ્ન થશે નહીં. તેમ કહીને અલગ અલગ હોટેલમાં લઇ ગયો હતો અને શારીરિક સંબંધો બાંધ્યા હતા. પ્રેમીની વાતમાં આવી મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા અને પોતાનો છોકરો પણ સોંપી દીધો હતો.
આ મહિલા ગૌરવની સાથે રહેવા મહારાષ્ટ્ર પહોંચી ગઇ હતી. મહારાષ્ટ્રમાં ગઇ ત્યારે ગૌરવ મહિલાને 25 કિલોમીટર દુર એકાંત જગ્યા ઉપર લઇ ગયો હતો અને ત્યાં કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. મેં તો ખારી શરીરસુખ માણવા માટે તારી સાથે સંબંધ રાખ્યો હતો. એક તરફ પતિ સાથે પણ છૂટાછેડા લઇ લીધા અને બીજી તરફ પ્રેમીએ મહિલાને સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા મહિલા એકલી પડી ગઇ હતી. આ મહિલાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને મહારાષ્ટ્રના ગૌરવ પાટીલની ધરપકડ કરી હતી