Business

પપ્પા: હીરો હૈ સદા કે લીએ…

પિતા એટલે પ્રેમ-વિશ્વાસ-સલામતી અને સાહસનો સરવાળો. સંતાનોને જટિલ દુનિયામાં હૂંફનો અહેસાસ કરાવતો અદૃશ્ય સાથ. સતત ધંધા અને કામની પળોજણમાં વ્યસ્ત રહી, દુનિયાનાં સુખદુ:ખને, કપરા સંઘર્ષને સાથે રાખી સંતાનો માટે ઉજ્જવળ ભવિષ્યનો માળો રચતી પડદા પાછળની વ્યક્તિ. પુરુષપ્રધાન સમાજ હોવા છતાં આપણે ત્યાં માતાની સરખામણીએ પિતા ઉપેક્ષિત છે કારણ કે બાળકની નાની નાની રૂટિન જવાબદારીઓ માતા જ નિભાવે છે.

અહીં જરા થોભીએ, વિચારીએ શું જગતની સંરચના માત્ર નારીથી શકય છે ખરી? સમગ્ર સમાજની ધૂરી સમ માતા અને પિતા બન્ને હોય છે. માતા જન્મ આપે છે તો પિતા જીવન આપે છે. મા બાળકને આંખ આપે છે તો પિતા સંસારને જોવાની દૃષ્ટિ આપે છે. તેના માટે એક એવી સૃષ્ટિ તૈયાર કરે છે જેમાં તે સારી રીતે ઉછરી શકે. સલામતી ભર્યો માહોલ ઊભો કરી આપે છે.

આમ તો પુરુષમનને કઠોર કહ્યું છે.  લાગણીઓને અને તેમને ખાસ બને નહીં તેવી માન્યતા વહેતી કરાઈ છે પણ એવું નથી હોતું. પોતાના વ્હાલસોયા સંતાનો માટે તેમના દિલમાં પણ પ્રેમનાં ઝરણાં સતત વહેતાં જ હોય છે.એક પિતા સાંજે પાર્કમાં બેન્ચ પર બેઠો હતો. બાજુની બેન્ચ પર એક મહિલા બેઠી હતી. મહિલા સાથે વાત કરતાં કહ્યું- ‘દૂર જે સાઈકલ ચલાવે છે એ છોકરી-મારી દીકરી છે.’

થોડી વાર પછી એણે દીકરીને બૂમ મારીને કહ્યું – ‘બેટા, ઘેર જઇશું? મમ્મી વાટ જોતી હશે!’ દીકરીએ જવાબ આપ્યો- ‘બસ પપ્પા, પાંચ મિનિટ.’ પિતાએ હાથ ઊંચો કરી સંમતિ આપી. દીકરી સાઈકલ ફેરવતી રહી. વીસેક મિનિટ પછી પિતાએ ફરી બૂમ પાડી. ‘ચાલો બેટા, મોડું થાય છે.’ દીકરીએ ફરી પાછી પાંચ મિનિટ માંગી એમ ચાર -પાંચ વાર થયું. બાજુની બેન્ચ પર બેઠેલી મહિલાએ કહ્યું – ‘તમે ઘણાં ધીરજવાન અને ઉદાર છો!’ પિતાએ જવાબ આપ્યો. ‘હું એને સાઈકલ ફેરવવા માટે તો પાંચ જ મિનિટ આપું છું, બાકીનો સમય હું એને ખુશખુશાલ જોવા સારુ મારા માટે ચોરી લઉં છું. એ મારી સાથે કેટલાં વર્ષ રહેશે? સમય મારા હાથમાંથી સરી જાય તે પહેલાં હું એને દર ક્ષણે પ્રસન્ન જ જોવા માંગું છું’ પિતાની કેવી સુંદર ભાવના!

બાળક પિતાની આંગળી પકડી ચાલતું હોય ત્યારે એક વિશ્વાસનો ભાવ, સુરક્ષાનો ભાવ હોય છે. બહારથી સખત દેખાય, અંદરથી સાવ કોમળ. પિતા સંઘર્ષના તોફાનોમાં ઘરની ચટ્ટાન, તો મુશ્કેલીઓ સામે લડતી બેધારી તલવાર હોય છે. બાળપણમાં આનંદ આપતું રમકડું છે, પિતા જવાબદારી સામે લડતો સારથિ છે, રથી છે અને મહારથી પણ છે! અને બાળપણમાં રડતાં બાળકને હસાવવા બનતો ઘોડો પણ છે! બાળક માટે ઉંમરનો કોઇ પણ તબક્કો હોય પિતા એટલે વિશ્વાસ! ગમે તેવી કપરી સ્થિતિ કે ઝંઝાવાતો હોય પણ બાળકને એમ જ હોય કે મારા પિતા છે ને…!કોરોનાકાળમાં જ બનેલું એક ઉદાહરણ જોઇએ. અમદાવાદ સ્થિત ધીરૂભાઈને કોરોના થયો પ્રાઈવેટમાં સારવાર માટે કમસે કમ એક લાખ રૂપિયાની જરૂર હતી. ધીરુભાઈનાં પત્ની રાધીબેને તેમની છેલ્લી સોનાની ચીજ વેચી દીધી. બીજા મિત્રોએ થોડી મદદ કરી. રીપોર્ટ નેગેટીવ આવ્યો ઘેર ગયા.

ધીરૂભાઈનો એકનો એક છોકરો અનિલ સુરતમાં લડીને જુદો રહેતો હતો- બોલવાચાલવાનો સંબંધ ન હતો એટલે એને જાણ ન કરી એટલામાં જ ધીરુભાઈ પર અનિલની પત્નીનો ફોન આવ્યો-રડતાં રડતાં બોલી-’’પપ્પા એમને કોરોના થઇ ગયો છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે અને લાખેક રૂપિયાની જરૂર પડશે- અમારી પાસે તો ફૂટી કોડી ય નથી.’’ધીરુભાઈના પગ અટકી ગયા એ બોલ્યા, ‘’બેટા, જરાય ચિંતા ન કર, હું આજે જ પૈસા મોકલું છું. ગમેતેમ કરીને પૈસા મોકલ્યા. 

રાધીબેન કડવાશથી બોલવા લાગ્યા- ‘’તમને યાદ છે ને ગયાને ત્રણ વર્ષ થયાં. કોઇ દિવસ આપણી ખબર પૂછી? માબાપ મરે છે યા જીવે છે એની યે એણે પરવા નથી કરી. વચ્ચે તમે માંદા હતા ત્યારે પૈસા માંગ્યા તો ઘસીને ના પાડી દીધી હતી. ભલે મારા પેટનો જણ્યો હોય પણ સાવ સ્વાર્થી છે- હવે આપણો દીકરો રહ્યો નથી.’’

‘’ એ ભલે દીકરો ના રહ્યો હોય પણ હું તો એનો બાપ છું ને. દીકરો મરતો હોય તો હું જોયા કરું? પૈસા મોકલ્યા તે એની ટ્રીટમેન્ટ શરૂ થઈ. છોકરો અનિલ બચી ગયો. પિતા છે પરિવારની ધરી- રક્ષક. તેમના વિના ઘરની કલ્પના જ ન કરી શકાય. પોતાનાં બાળકોને દુનિયાદારી સમજાવે છે. દરેક પિતા એમ જ ઇચ્છાા રાખતા હોય છે કે મારાં બાળકો આત્મનિર્ભર બને. જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે. પથ્થરને જેમ શિલ્પી મળે અને નામ બદલાઈ જાય છે, લોખંડના ટુકડાને કારીગર મળે એટલે એ કિંમતી બની જાય છે. કોરા કાગળને જેમ ચિત્રકાર મળે અને તેનું મૂલ્ય વધી જાય. એમ પિતારૂપી શિલ્પી પણ સંતાનોનું જીવન કંડારી આપે ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે એ સંતાનો બડભાગી અને સહભાગી બની જાય છે.

ઇતિહાસમાં પણ એવાં કેટલાંય ઉદાહરણો મળી આવે છે જેમ કે મોહનમાંથી મહાત્મા સુધી. પૂ.બાપુના જીવનમાં પણ અદૃશ્ય રીતે પિતાની છાયા હતી જ. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના જીવનમાં પિતા મોતીલાલ નહેરુની અસર હતી. ઇન્દિરા ગાંધીના જીવનઘડતરમાં લક્ષ્ય પ્રાપ્તિ સુધીની મંઝિલમાં પંડિત નહેરુની સીધી અસર હતી. ધીરૂભાઈ અંબાણીના બંને પુત્રોએ વ્યવસાય ક્ષેત્રે હરણફાળ ભરી છે.

કહેવાય છે કે પિતાની આંખમાં આંસુ નથી આવતાં પણ દીકરી વિદાયના પ્રસંગે કયો બાપ છાનો રહી શકતો હોય? રંગેચંગે પરણાવીને ગજા ઉપરાંતનું કરિયાવર, પહેરામણી કરીને સાસરે જતી દીકરીને વળાવતાં ધ્રૂસકે ધ્રૂસકે રડતાં પિતા કેમ વિસરાય? દીકરીનો મોંઘેરો અસબાબ એટલે પિતાજી.દરેક દીકરા-દીકરી માટે બાપ તો મોંઘેરી, મહામૂલી જણસ છે. જેમ માતાની તોલે કોઇ ન આવે એમ પિતાની તોલે કોઇ ન આવે. તુલના શકય નથી અને કરવી પણ નહીં.

તો વાચકમિત્રો! માતા એ હૂંફનું પ્રતીક છે અને પિતા એ હિંમતનું પ્રતીક છે. ખોળો આપે તે મા, ખભો આપે તે પિતા! બાળકોને સંભાળનારની તો જરૂર છે પણ સાથે સાંભળનારની પણ વધુ જરૂર છે. માતાપિતાનું સ્નેહલ સાન્નિધ્ય એ બાળકની શ્વસનક્રિયા છે. પપ્પાને યાદ કરવા, પ્રેમ અને વહાલ કરવા માટે ‘ફાધર્સ ડે’ નો સ્પેશ્યલ ઇતંજાર કરવો જરૂરી નથી. સાચા અર્થમાં તેમને આદર આપો. ઘડપણમાં સાચા અર્થમાં લાકડી બનો. એમની અવગણના ન કરશો. ભરપૂર પ્રેમ કરો… વ્હાલ કરો… અહેસાસ થવા દો કે માય ડિયર પાપા આઈ લવ યુ સો મચ.

Most Popular

To Top