Dakshin Gujarat

વ્યારાના નિશિષ શાહ હત્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ભાગેડુ વિજય પટેલનાં પોસ્ટર લાગ્યાં

વ્યારાના બહુચર્ચિત બિલ્ડર નિશિષ શાહની ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાના ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે તેનો શાળો વિજય પટેલનું જ નામ બહાર આવતાં લોકો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. જો કે, સરાજાહેર થયેલી હત્યાની આ ઘટનાને પગલે આજે પણ સમગ્ર જિલ્લાની બિલ્ડર લોબીમાં ખૌફનો માહોલ છે. આ હત્યા પાછળ પરિવારજનોએ શરૂઆતથી જ વિજય પટેલ સામે આંગળી ચીંધી હતી. હત્યાની તપાસમાં પોલીસે તમામ હત્યારાઓ સુધી પહોંચવામાં સફળ રહી હોવાના દાવા પછી અચાનક વિજય પટેલનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે બહાર આવ્યું હતું.

હત્યાના આ ગુનામાં નાસતા ફરતા આરોપી વિજય મનસુખ પટેલ વિરુદ્ધ સીઆરપીસી ૭૦ મુજબ કાયમી ધરપકડ વોરન્ટ મેળવી વ્યારા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કરતાં આજે ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યાં હતાં. બિલ્ડર નિશીષ મનુભાઇ શાહના હત્યાની ફરિયાદ તા.૧૪મી મેના રોજ વ્યારા પો.સ્ટે.માં દાખલ કરવામાં આવી હતી. જેમાં હત્યાનો ભગ બનનાર નિશિષ શાહનો સાળો વિજય મનસુખ પટેલ (રહે., શુકન બંગલો, કાનપુરા, વ્યારા) પર શંકા વ્યક્ત કરી તેનો નામજોગ ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો હતો. વિજય પટેલ તા.૧૪મી મેના રોજ ગુનો બન્યા પછી આજદિન સુધી નાસતો ફરતો હોય તેના વિરુદ્ધ સીઆરપીસી કલમ ૭૦ મુજબ પોલીસે કાયમી ધરપકડનું વોરંટ ચીફ જ્યુડિ.મેજિ.વ્યારાની કોર્ટમાંથી મેળવ્યો હતો.

આરોપી વિજય મનસુખ પટેલને પકડી પાડવા અલગ અલગ પોલીસ ટીમો બનાવી વોરંટની બજવણી કરવાની કાર્યવાહી કરી, છતાં આરોપી વિજય પટેલ પોલીસ પકડથી દૂર રહ્યો હોવાથી પોલીસે અંતે પોસ્ટરો ચોંટાડવાની ગતિવિધિ પણ આરંભી છે. હત્યાની ઘટનાના પાંચમાં દિવસે જે-તે સમય હત્યાનો ભોગ બનનાર બિલ્ડરનાં પત્ની મમતા શાહે પોતાના પરિવારજનો સાથે પોલીસ વડા અને કલેક્ટર સમક્ષ ન્યાય માટે ગુહાર લગાવી હતી. ત્યારે પણ વિજય પટેલની સંડોવણી અંગેની પોલીસે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. બિલ્ડરનાં પત્ની મમતા શાહે પોલીસ વડાને મળી હત્યા સંબંધિત કેટલીક રજૂઆતો કરી હતી. પરંતુ આ રજૂઆતોની તમામ બાબતો જે-તે સમય મીડિયાથી સંતાડવામાં આવી હતી. મહિલા અધિકારીએ આપેલા આશ્વાસન પર મમતા શાહે ભરોષો મૂક્યો હતો. ચકચારી હત્યાની તપાસમાં પોલીસે કરેલી પ્રગતિની પાંચમાં દિવસે પણ મીડિયા સમક્ષ પણ કોઇ સ્પષ્ટતા કરાઈ ન હતી. જ્યારે પોલીસે વિજય પટેલને તા.૧૪મી મેના રોજ ગુનો બન્યા પછી ફરાર બતાવ્યો છે.

Most Popular

To Top