કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ હેલ્પલાઇન ( national helpline) 155260 અને રિપોર્ટિંગ પ્લેટફોર્મને ( reporting platform ) કાર્યરત કર્યા છે. સાયબર છેતરપિંડીથી ( cyber fraud) થતું નાણાકીય નુકસાન અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.નેશનલ હેલ્પલાઇન એન્ડ રિપોર્ટિંગ પ્લેટફોર્મ સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓને તેમની સાથે થયેલી છેતરપિંડીનો અહેવાલ આપવા માટે એક વ્યવસ્થા પુરી પાડશે, જેથી તેમની સખત મહેનતની કમાણીના નાણાનું નુકસાન અટકાવી શકાય એમ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
સલામત અને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ્સ ( digital payment) ઇકો-સિસ્ટમ ( eco system) પુરી પાડવા માટેની મોદી સરકારની પ્રતિબદ્ધતાને બળ આપતા ગૃહ બાબતોના મંત્રાલયે નેશનલ હેલ્પલાઇન ૧૫૫૨૬૦ કાર્યરત કરી છે. આ હેલ્પલાઇનનું સોફ્ટ લોન્ચિંગ ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું, હવે આ હેલ્પલાઇન અને રિપોર્ટિંગ પ્લેટફોર્મને ગૃહ મંત્રાલયના નેજા હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર(આઇ૪સી) હેઠળ કાર્યરત કરવામાં આવ્યા છે.
આ હેલ્પલાઇન હાલમાં દેશના સાત રાજ્યો અને સંઘપ્રદેશો (છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન,તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ)માં કાર્યરત છે અને દેશની ૩૫ ટકા વસ્તીને આવરી લે છે. બાકીના રાજ્યોમાં તેને રોલઆઉટ કરવાની કામગીરી ચાલુ છે. આ હેલ્પલાઇન જે તે રાજ્યની પોલીસ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ હેલ્પલાઇન ( helpline) અને રિપોર્ટિંગ પ્લેટફોર્મ પર મળતી ફરિયાદો અને અહેવાલોને પગલે પોલીસ અને લાગતી વળગતી બેન્ક તરત કાર્યરત થશે અને જેની સાથે છેતરપિંડી થઇ છે તેને થનાર સંભવિત નાણાકીય નુકસાન અટકાવવા માટે પગલાઓ ભરશે.
આ હેલ્પલાઇન એન્ડ રિપોર્ટિંગ પ્લેટફોર્મ સાથે દેશની તમામ મોટી સરકારી અને ખાનગી બેન્કોને સાંકળવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ ઓનલાઇન વોલેટ્સ અને મર્ચન્ટ્સ જેવા કે પેટીએમ, ફ્લિપકાર્ટ, મોબિક્વિક, ફોનપે અને એમેઝોનને લિંક કરવામાં આવ્યા છે