નવસારીના બંદર રોડ પરથી રેતી અને માટી ભરેલી ઓવરલોડેડ ટ્રકોને પગલે પાલિકાના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા હતા. જેથી પાલિકાએ પોલીસ વિભાગને રજુઆત કરી હતી. પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે નગરસેવકો રસ્તો બચાવવા માટે રસ્તા પર ઉતરી રિંગરોડ જઈ ટ્રકોને રોકી દંડની કાર્યવાહી કરી હતી. નવસારીમાં બંદર રોડ પર પૂર્ણા નદીના પટમાંથી રેતી અને માટી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જેથી બંદર રોડ પરથી મોટી ટ્રકો અને ટેમ્પાઓ માટી અને રેતી ભરી ત્યાંથી નીકળતા હોય છે. જે રેતી અને માટી ભીની હોવાથી તેનું પાણી બંદર રોડ અને રિંગરોડ પરના રસ્તા પર પડતું હોવાથી રસ્તાઓ કાદવ-કીચડ વાળા બની જાય છે. જેના પગલે વાહન ચાલકોને વાહન સ્લીપ થવાનો ભય રહે છે.
પૂર્ણા નદીના પટમાંથી ભીની રેતી અને માટી ટ્રકમાં ભર્યા બાદ તાત્કાલિક ટ્રક નીકળી જતા હોય છે. રેતી કે માટીમાંથી પાણી નીતરવાની રાહ પણ જોતા નથી. જેથી રેતી અને માટીમાંથી નીકળતા પાણીને લીધે પાલિકાએ બનાવેલા રસ્તાઓ ખરાબ થઈ જાય છે. રેતી અને માટી ભરેલા ટ્રકો બંદર રોડથી નીકળી વિરાવળ રિંગરોડ થઈ નવસારીની બહાર જતા હોય છે. જેથી બંદર રોડ અને રિંગરોડના રસ્તો સૌથી વધુ ખરાબ થતો હોય છે. જોકે પાલિકાએ તે રસ્તાને ઘણી વાર રીપેર કર્યો છે.
પરંતુ 24 કલાક રેતી અને માટી ભરેલા ઓવરલોડેડ ટ્રકોના અવર-જવરથી તે રસ્તાઓ ખરાબ થઈ જાય છે. જે બાબતે સ્થાનિક નગરસેવકોએ પોલીસ વિભાગને કલેક્ટરના જાહેરનામા ભંગ બદલની કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી. પરંતુ પોલીસ વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી આજે સાંજે નવસારી-વિજલપોર પાલિકાના નગરસેવકોએ ટ્રાફિક પોલીસ સાથે સ્ટેશનથી વિરાવળ જતા રિંગરોડ પર ઉભા રહી રેતી અને માટી ટ્રકો રોકી દંડની કાર્યવાહી કરાવી હતી.