વાપીના ઈમરાનનગરમાં વલસાડ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરતાં તીનપત્તી હાર-જીતનો જુગાર રમતા 9 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા, બે બાઈક અને 5 મોબાઈલ સહિત રૂ.77,080નો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ વાપી જીઆઈડીસી પોલીસ કરી રહી છે.
વલસાડ એલસીબીની ટીમ વાપી વિસ્તારમાં વિવિધ ગુના ઉકેલવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એલસીબીની ટીમના હેકો. અજય અમલાને બાતમી મળી કે, ઈમરાન નગરમાં એ.કે.બેકરીની પાછળ, શહેનાઝબેનની ચાલીમાં, રૂમ નં.3માં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસની ટીમે દરોડો પાડતાં 9 જુગારી ઝડપાઈ ગયા હતા. જ્યારે જુગાર રમાડનાર આરોપી ઈસ્માઈલ વાજીદખાન (રહે. ઈમરાનનગર, એકે બેકરી પાછળ) ભાગી જતાં તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસે જુગારના અડ્ડા પરથી અંગઝડતીમાં રોકડા રૂ.5580, દાવ ઉપરના રોકડા રૂ.4500 મળી કુલ રોકડી રૂ.10,080, 5 મોબાઈલ, 2 બાઈક અને ગંજીપત્તા મળી કુલ રૂ. 77,080નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસે 9 આરોપીને ઝડપી તેમની વિરૂધ્ધ જુગારધારાની કલમ અને કોરોના ગાઈડલાઈનનો અમલ નહીં કરતા એપેડેમિક ડીસીઝ એક્ટ મુજબ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જીઆઈડીસી પોલીસ કરી રહી છે.