દરેકને પોતાનો બિઝનેસ કરવો હોય છે પરંતુ જે લોકોમાં થોડી થોડી વારે નાસીપાસ થઇ જવાનું સ્વભાવમાં હોય તે લોકોએ બિઝનેસ કરવાનું ક્ષણમાત્ર પણ વિચારવું નહિ. પોતાનો બિઝનેસ કરવા માટે અને ચલાવવા માટે જબરજસ્ત માનસિક સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. દુનિયામાં કોઈ પણ બિઝનેસ કરવો સહેલો નથી. ઘણા બિઝનેસ ચાલુ થઇ થાય છે અને થોડા વખતમાં બંધ થઇ જાય છે. ભારતના 10માં થી ફક્ત બે સ્ટાર્ટ અપ જ ટકી રહે છે અને મોટે ભાગે તેનું કારણ માનસિક દઢતાનો અભાવ હોવાનું મનાય છે.
બિઝનેસમાં જો ટકી રહેવું અને સફળતા મેળવવી હોય તો એન્ડુ કાર્નેગીની બાયોગ્રાફી વાંચવા જેવી છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે કે જે દિવસે તમે એન્ટ્રપ્રેન્યોર બનવાનું નક્કી કર્યું એ દિવસથી તમારે જાતે એ સ્વીકારવું પડે કે તમે બીજા કરતાં અલગ છો. તમારે સેલ્ફ મોટીવેટ થઈને કામ કરવું પડશે. તમને કોઈ આવીને પ્રેરણા આપશે તેવા વિચારો છોડી દો. તમારે જ તમારા ભાગ્યનું નિર્માણ કરવું પડશે. એક એન્ટ્રપ્રેન્યોર તરીકે તમારું રિસ્ક થોડું વધારે છે. તમારાં દરેક પગલાં કેટલાય ફેમિલીને અસર કરતાં હોય છે આથી જો તમે માનસિક રીતે નબળા રહેશો તો તમે તમારું તો નુકસાન કરશો પરંતુ તમારા કર્મચારીઓના ભાગ્યને અને તેમના કુટુંબને પણ વધારે નુકસાન કરશો. તમારા પોઝિટિવ વિચારો અને માનસિક સ્ટેબિલિટી તમને બીજા કરતાં અલગ તારવશે.
મેં મારા ધંધામાં નવું વિચાર્યું. લોકો ભાગીદારો ખરીદે છે અને હું ભાગીદારોને બનાવું છું. દરેકને મારી પરિસ્થિતિને બીજી રીતે જોવાની કળા શીખવાડું છું. હું ચોક્કસ માનું છું કે તમારી વિચારવાની રીત હકારાત્મક રાખો. મહેનત કરો તો સફળતા મળશે જ. કામના ભાર હેઠળ દબાઈ જવામાં તમારો આનંદનો ભોગ ન લેવાય તેનું ધ્યાન રાખજો. આનંદી સ્વભાવ હશે તો મનની સાથે શરીર પણ સારું રહે છે. મોટા ભાગના માણસો પોતાની આવડતનો ઉપયોગ એટલા માટે નથી કરી શકતા કારણ કે બીજાના નેગેટિવ વિચારોથી જ તેમનું મન ભરાયેલું રહેતું હોય છે. મારા કહેવાનો મતલબ એ છે કે તમારો દ્રષ્ટિકોણ બદલો, તમારી જાતને સિદ્ધિના ઉંબરે પહોંચેલા કલ્પો. એવી કલ્પના કરો કે એક ભવ્ય, સ્પષ્ટ અને અદભુત જીવન તમારી સમક્ષ છે. ઊઠો, જાગો અને પ્રાપ્ત કરો .
આ બાબત તમારી કંપની નાની હોય કે મોટી બધાંને લાગુ પડી શકે છે. કંપની નાની હોય કે મોટી રિસ્કની માત્રા સરખી હોય છે. મોટી કંપનીઓને પોતાની કંપનીની પ્રોડક્ટસની ક્વોલિટી અને કમ્પ્લાયન્સનું રિસ્ક વધારે હોય છે. માર્કેટ કમ્પ્લેઇન અથવા તો પ્રોડકટસની બજારમાંથી પાછી લેવાની વાત આવે ત્યારે કંપની રિસ્કના રડાર ઝોનમાં આવી જાય છે અને આ વખતે કંપનીનું ટોપ મેનેજમેન્ટ સ્ટ્રેસમાં આવી જાય છે અને ઘણી વખત અણગમતા અને ખરાબ નિર્ણયો પણ લઇ લે છે.
આ જ રીતે નાની અને મીડિયમ સાઈઝની કંપનીઓને બહાર માર્કેટમાં થતાં કોઈ પણ મોટા ફેરફાર મોટી અસર કરે છે. કહેવાનો મતલબ એ છે કે પરિસ્થિતિ અને સંજોગો બદલાતા જ રહેશે પરંતુ તમે આ પરિસ્થિતિમાં કેવી રીતે માનસિક દૃઢતાથી બહાર નીકળી શકો છો તેના ઉપર તમારા બિઝનેસને ટકાવી શકશો કે નહિં તેનો આધાર રહેલો હોય છે.
કેટલીક ટીપ્સ
- પોતાનો બિઝનેસ ચાલુ કરવો સરળ નથી આથી તમે મગજના નબળા હશો તો કંઈ નહિ કરી શકો
- કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગો કેટલાય વિપરીત કેમ ન હોય પરંતુ તમે તમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ રાખજો જેનાથી બિઝનેસની મોટી સમસ્યા પણ નાની બની જાય છે તે યાદ રાખો
- પરિસ્થિતિ અને સંજોગો ગમે તેટલા બદલાય પરંતુ તમારી સ્ટેબિલિટી તમને બિઝનેસમાં ટકાવી શકશે
- જો તમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ હશે તો તમે સારા વ્યક્તિ અને લીડર બની શકશો અને તમારા કર્મચારીઓ તમને બીલીવ કરશે
- કંજુસાઈ છોડીને એક્સપર્ટ માણસોને તમારા એડવાઈઝર બનાવો જે તમને માનસિક રીતે પણ સ્ટ્રોંગ બનાવી શકશે
- પોતાનો બિઝનેસ ચલાવવા માટે પોતાની સ્ટ્રેન્થ પર મુસ્તાક રહેવું, માર્કેટની નબળી વાતો કરવી નહિ
- હંમેશાં પોઝિટિવ રહેવું અને નેગેટિવ વિચારસરણી ધરાવતાં લોકોથી દૂર રહેવું
- એટલું યાદ રાખો તમે જ તમારા ભાગ્યવિધાતા બની શકશો બીજું કોઈ નહિ એટલે નહિ જ.
- તમારી માનસિક સ્ટ્રેન્થ તમને વ્યાવસાયિક અને સંસાર બધાંમાં અલગ તારશે.