નવી દિલ્હી: (Delhi) લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) (LJP) ના છ લોકસભા સભ્યોમાંથી (Members of the Lok Sabha) પાંચે સંસદના નીચલા ગૃહમાં ચિરાગ પાસવાનને પાર્ટીના નેતા પદેથી હટાવવા અને તેમના કાકા પશુપતિ કુમાર પારસને (Pashupati Kumar Paras) આ પદ પર નિયુક્તિ માટે હાથ મિલાવ્યા છે. તે જ સમયે, પારસે સોમવારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પ્રશંસા કરી હતી, તેમને એક સારા નેતા અને વિકાસ માણસ ગણાવ્યા હતા અને આ સાથે પાર્ટીમાં મોટી રસાકસીનો પર્દાફાશ થયો હતો કારણ કે પારસના ભત્રીજા ચિરાગ પાસવાન નીતીશ કુમારની આકરી ટીકા કરી રહ્યા છે. હાજીપુરના સાંસદ પારસે કહ્યું કે ‘મેં પાર્ટી તોડી નથી, પરંતુ તેને બચાવી છે.’
બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (LJP) તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીની કમાન તેમના પુત્ર ચિરાગ પાસવાનના હાથમાં છે પરંતુ હવે પાર્ટીમાં મોટી ફૂટ પડી છે. એલજેપીની સ્થિતિ સતત નબળી થઈ રહી છે. પાર્ટી વેરવિખેર થતી જોવા મળી રહી છે. એટલું જ નહીં એલજેપીએ હવે ચિરાગ પાસવાનની જગ્યાએ પશુપતિ પારસને લોકસભામાં પોતાના નેતા પસંદ કરી લીધા છે.
એલજેપીના સાંસદ પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈસર, વીણા સિંહ, ચંદન સિંહ અને પ્રિન્સ રાજનો ચિરાગથી રસ્તો અલગ થઈ ગયો છે. પાર્ટીમાં આ ભંગાણનું કારણ ભાજપ અને જેડીયુ વચ્ચે ચિરાગને લઈને ચાલી રહેલો ઝગડો માનવામાં આવી રહ્યો છે. રવિવારે મોડી સાંજ સુધી ચાલેલી લોજપા સાંસદોની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં પાંચ સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ તેમના નિર્ણય અંગે માહિતી આપી હતી. સાંસદોએ તેમને આ સંદર્ભે એક સત્તાવાર પત્ર પણ સોંપ્યો હતો.
એલજેપીમાં ફૂટ પર બળવાખોર સાંસદ પશુપતિ પારસે સામે આવીને કહ્યું કે અમારી પાર્ટીના 6માંથી 5 ધારાસભ્યો પાર્ટીને બચાવવા માંગે છે. મે પાર્ટી તોડી નથી. તેમણે કહ્યું કે ચિરાગ પાસવાન મારો ભત્રીજો છે અને પાર્ટીનો અધ્યક્ષ છે. મારે તેમની સાથે કોઈ વેર નથી. જેડીયુમાં જવાની અટકળો પર પારસે કહ્યું કે તે ખોટુ છે. તેમણે કહ્યું કે એલજેપી મારી પાર્ટી છે અને બિહારમાં અમારું સંગઠન ખુબ મજબૂત છે. તેમણે કહ્યું કે અમે કેન્દ્રમાં એનડીએ સાથે છીએ અને આ ગઠબંધન આગળ પણ ચાલુ રહેશે.