Dakshin Gujarat

સાયખા GIDCમાં વિલાયતના યુવાનને 3 ગોળી મારી સાળા-બનેવીએ પતાવી દીધો

સાયખા જીઆઈડીસી રોડ પર રાત્રે જ્યુબીલન્ટ કંપનીમાં નોકરી કરતા યુવાનને કોઈક ઇસમે તેના શરીરના ભાગે ત્રણ ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને ભરૂચ પોલીસે ગંભીરતાથી લેતાં ગણતરીના કલાકોમાં સાળા-બનેવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. મોતને ભેટેલો યુવાન અને વાગરાનો હત્યારો સાથે છેલ્લા 12 વર્ષથી મિત્રતા હતી. પૈસાની લેવડદેવડમાં ગૂંચ પડતાં યુવાને આખરે જીવ ગુમાવ્યો હતો.

સાયખા જીઆઈડીસીની જ્યુબીલન્ટ કંપનીમાં નોકરી કરતા 39 વર્ષીય અશ્વિનભાઈ ઉર્ફે શંભુભાઈ રમેશભાઈ પટેલ રહે-વિલાયત,નાગર ફળિયું,તા-વાગરામાં રહે છે. તા.10મી જૂન-2021ના રોજ રાત્રે 8થી 8.30 વાગ્યાના આસપાસ અશ્વિનભાઈ પટેલ સાયખા જીઆઈડીસીની ઈ.સી. મરિન કંપની પાસે રોડ પર જતી વેળા કોઈક અજાણ્યા ઇસમે ગનથી છાતીના ભાગે બે ગોળી તેમજ ગળા પર એક ગોળી મારી ઘટના સ્થળે જ નિર્મમ હત્યા કરાઈ હતી.

સમગ્ર ઘટનાને પોલીસની ટીમ આવીને મોતને ભેટેલાની ઓળખ કરીને સુપરવિઝન કર્યું હતું. ભરૂચ એલસીબી, એસઓજી, હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની ટીમ આ ઘટનામાં કામે લગતા ગણતરીના કલાકોમાં મર્ડરનું રહસ્ય ઉકેલ શોધી કાઢ્યો હતો. મર્ડરના ગુનામાં આરોપીમાં સર્ફે આલમ મહંમદ સમસુદ્દીન મન્સૂરી (રહે.,વાગરા) તેમજ તેનો સગો સાળો મસીહુલ આલમ રૈફુલ આજમ ભોલામીયા (રહે.,ખમીયા ઇનરવા, બિહાર)ની ધરપકડ કરી હતી.

વાગરાનો આરોપી સર્ફે આલમે જ્યુબીલન્ટ કંપની, ફર્મેટા બાયોટેક લિ., તેમજ ઘરડા કેમિકલમાં જોબ વર્કનું કામ કરતો હતો. મોતને ભેટેલા અશ્વિનભાઈ પટેલ તેમજ સર્ફે આલમને સને-૨૦૦9માં મિત્રતા થઇ હતી. બંને જણા પૈસાની લેવડદેવડનો વ્યવહાર કરતા હતા. જો કે, નાણાકીય વ્યવહારમાં કોઈક કારણે ખટરાગ થતાં સર્ફે આલમને અશ્વિન પટેલ સાથે ભારે અણબનાવ વધી ગયો હતો. સર્ફે આલમે તેના બિહાર રહેતા સગા સાળા મસીહુલ ભોલામીયાને હથિયાર સાથે બોલાવ્યો હતો. તેનો સાળો બસમાં આવતાં ગન ચોખાની બોરીમાં સંતાડીને લાવ્યો હતો. સાળા બનેવીએ અશ્વિન પટેલને ટાર્ગેટ કરીને તેની હત્યા કરી હતી.

Most Popular

To Top