ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓ ફક્ત કાગળ ઉપર જ સીમિત રહી છે. રાજ્ય સરકારની ઘરઘર નળ કનેક્શન યોજના ફક્ત કાગળ ઉપર જ દેખાય છે. હકીકતમાં અંતરીયાળ ગામડાઓનાં લોકોને આજે પણ 2 કિલોમીટર દૂર સુધી તેમજ તૂટી ગયેલા કૂવા ખાબોચિયામાં પાણી લેવા જવુ પડે છે.
ગુજરાત રાજ્યનાં ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં 100 ઈંચ કરતા વધુ વરસાદ વરસે છે. પરંતુ ડિસેમ્બર મહિનાથી 15મી જૂન સુધી પાણીની ભારે તંગી વર્તાય છે. રાજ્ય સરકારની ઘરઘર નળ કનેક્શન યોજનાઓ ડાંગ જિલ્લાનાં કેટલાય ગામોમાં આજે પણ ફક્ત કાગળ ઉપર જોવા મળે છે. અંતરીયાળ ગામડાઓમાં ઘર ઘર નળ કનેક્શન યોજના હેઠળ પાણીનાં નળ તો ગોઠવેલા હોય છે. પરંતુ નળ દ્વારા ક્યારેય પાણી આવતું નથી. અને જો કોઈક વાર પાણી આવે તો તે પણ પીવા લાયક હોતુ નથી. વઘઇમાં સમાવિષ્ટ બરડા ગામમાં તૂટેલી હાલતમાં કૂવો જોવા મળી રહ્યો છે. જ્યા ગામની મહિલાઓ પોતાના જીવના જોખમે કુવામાં ઉતરીને પાણી ભરવા મજબુર બની છે.
ડાંગના નેતાઓ વોટ માંગવા આવે છે લોકોની સમસ્યા પૂછવા આવતા નથી
બરડાનાં છાયાબેન દેશમુખે જણાવ્યું હતુ કે ગામમાં પાણી સમસ્યાનાં કારણે તેઓને ગંદુ પાણી પીવુ પડે છે. જ્યારે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે તેઓને પણ ગંદુ પાણી જ આપવાની નોબત ઉભી થાય છે જે ફક્ત મહિલાઓ જ જાણતી હોય છે. ડાંગ જિલ્લાનાં નેતાઓ ફક્ત વોટ માંગવા આવે છે. પરંતુ લોકોની સમસ્યાઓ પૂછવા ક્યારેય આવતા નથી. બરડા ગામમાં 4 બોરીંગ છે. પરંતુ હાલમાં 1 જ બોરીંગ કાર્યરત છે. જેમાં પણ ઓછુ પાણી નીકળે છે. આ ઉપરાંત આહવા તાલુકામાં સમાવિષ્ટ સોનગીર ગામમાં પણ પાણી અંગેની મોટી સમસ્યા છે.
2 કિ.મી. દૂર ઘડાં લઈને પાણી લેવા જવું પડે છે
ગામની મહિલાઓને 2 કી.મી દૂર ઘડા લઈને પાણી લેવા જવુ પડે છે. ગામથી દૂર જંગલ વિસ્તારમાં કૂવો હોવાનાં કારણે મહિલાઓમાં જંગલી પ્રાણીઓનો ભય રહેલો હોય છે. જેના કારણે આ ગામની મહિલાઓ સામુહિક પાણી લેવા માટે જાય છે. સોનગીર ગામનાં ઝીપરભાઈ ગાવીત જણાવે છે કે સરકારની યોજનામાં ઘરઘર પાણી આપવાનો છે. પરંતુ હજી સુધી તેઓનાં ગામમાં પાણી પહોંચાડવામાં આવ્યુ નથી. આજે પણ 2 કી.મી દૂર સુધી પાણી લેવા માટે જવુ પડે છે.
ગામોમાં લોકોને શુદ્ધ અને ઘરઘર પાણીની યોજના ફક્ત કાગળ ઉપર છે
ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે ડાંગમાં 311 ગામડા છે. પરંતુ ગામડાઓની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યા વગર અધિકારીઓ દ્વારા ટેબલ ઉપર પ્લાન એસ્ટીમેટ બનાવવામાં આવે છે. જેનાં કારણે સરકારની યોજનાઓ ફેઈલ છે. ગામમાં લોકોને શુદ્ધ અને ઘરઘર પાણી મળવુ જોઈએ જે ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે. ગામડાઓમાં પાણીની ટાંકી અને ઘરઘર નળ ગોઠવવામાં આવ્યા છે. પરંતુ નળમાં પાણી આવતુ નથી. જેનાં કારણે લોકોને દુરદુર સુધી પાણી લેવા જવુ પડે છે. જેથી તંત્ર અંતરીયાળ ગામડાઓની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાણીની કાયમી સમસ્યાનું સમાધાન કરાવે તે જરૂરી બની ગયુ છે.