કોરોનાના કપરા સમયમાં લોકો કઈ રીતે હસવું તે ભુલી ગયા છે. જો કે હાલ દુનિયામાં સ્પર્ધા પણ એટલી ચાલી રહી છે કે લોકો એકબીજા સાથે વાત કરવાનું પણ ભૂલી ગયા છે. જીવનમાં હસવું ખુબ જ જરૂરી છે. માણસ ગમે એટલો દુઃખી હોય પણ આપણા થકી જો હસાવવામાં આવે તો તેનું દુઃખ ગાયબ જ થઇ જાય છે અને આપણને પણ ખુશી મળે છે. મોટામાં મોટી સમસ્યામાંથી પણ બચી શકાય “જો મન ખુશ હોઈ તો, મન ખુશ તો તન ખુશ, તન ખુશ તો આખું જીવન ખુશ ”. આજે અમે તમને સુરતીઓ સાથે બનેલી એવી કેટલીક રમૂજી ઘટનાઓ વિશે જણાવી રહ્યા છીએ જે તેમની સાથે અજાણતા જ બની અને આખો માહોલ હાસ્યમાં ફેરવાઈ ગયો અને સાથે ક્ષોભજનક િસ્થતિ પણ સર્જાઇ. આ ઘટના વિશે પુછ્યુ. તેમણે કહ્યું કે આ ઘટનાઓ અમે જેટલી વખત યાદ કરીએ એટલી વખત હસીએ છીએ અને શર્માઇ જઇએ છીએ.તો વાંચો આજનો આ હાસ્ય લેખ..
મને ભૂલથી કાઉન્ટર બોય સમજી ગ્લાસ પકડાવી દીધા : કિશન
એક મોંઘી સોડાની દુકાને હું અને અમુક મિત્રો સોડા પીતા હતા. બધાએ સોડા પી લીધા બાદ વારા ફરતી મને ગ્લાસ આપ્યા કેમ કે હું કચરા ટોપલી પાસે ઉભો હતો. એટલે મેં બધાના ગ્લાસ ભેગા કરી કચરા ટોપલીમાં નાખ્યા. એવામાં એક બહેને મને એનો અને એમના પતિનો ગ્લાસ આપ્યો. અને મેં સહજતાથી કચરા ટોપલીમાં નાખ્યો. એટલે એમના પતિએ 100 રૂપિયાની નોટ આપી મને કીધું આ કાઉન્ટર ઉપર આપી આવ. એટલે મને ગુસ્સો આવ્યો અને ખૂબ જ કાબુ રાખીને કીધું, વડીલ હું સોડા પીવા આવ્યો છું અને આપને મદદ કરવા ગ્લાસ કચરા ટોપલીમાં નાખ્યો હતો. હું અહીંયા કામ નથી કરતો. પછી એ ભાઈને આંતર ગ્લાનિ થઈ. ત્યાં સુધીમાં મારા બે મિત્રોએ એમને સંભળાવી દીધું કે આપ મદદ કરે એને પૈસા આપો છો? એટલે એ ભાઈએ મને સોરી કીધું ને મેં પણ સામે સ્માઈલ કરી.
ગુગલ મેપે જાનૈયાઓને બીજી દુલ્હનના બારણે મોકલી દીધા: સંદિપ
મારા ભાઈના લગ્ન હતા. બંને ફેમિલીને ફક્ત એક જ વખત જોવાનું થયું અને લગ્ન નક્કી થઈ ગયા. તેમના પરિવારના ફક્ત પાંચ લોકોને જ અમે ઓળખતા હતા. લગ્નના આગલા દિવસે તેમણે ગૂગલ મેપ પર નાનપુરાનું લોકેશન મોકલ્યું હતું. લગ્નની સિઝન હતી અને તે એરીયાની મોટા ભાગની ગલીઓમાં લગ્ન પ્રસંગો ચાલતા હતા. અમારું લોકેશન અડધે પહોંચીને પુરું થઈ ગયું. તે જ લાસ્ટ ડેસ્ટીનેશન બતાવતું હતું. બહાર ડેકોરેશન કરેલું હોવાથી અમને ઘર ઓળખાયું નહીં અને અમે ઘરની બહાર જોર-જોરથી ફટાકડા ફોડ્યા અને એક કલાક ગરબા રમ્યા. અમારો સામાન બધો અંદર પહોંચાડી દીધો અને પછી ખબર પડી કે આ તો બીજી દુલ્હનનું ઘર હતું. પછી અમે સાચી દુલ્હનના ઘરે પહોંચીને ખૂબ હસ્યા.
પાડોશીએ પરોપકારી જીવની વ્યાખ્યા સમજાવી દીધી : સુધા બેન
સુધા બહેન શિક્ષક છે. તેમણે જણાવ્યું હતું હું મારા વિદ્યાર્થીઓને પરાવલંબી સજીવોની વ્યાખ્યા સમજાવતી હતી એવામાં પાડોશી નીતા બહેન આવ્યા અને કહ્યું, મને થોડી ચા આપને દૂધ અને ખાંડ તો છે. મેં કહ્યું અહીં જ ચા પી લો હું બનાવી દઉં. હજી તો હું ચા આપી રહી તો કહે એક ટામેટું આપ ને, તારા ભાઈને વધારી દઉં, મારે તો ઉપવાસ છે. આ સાંભળી મારો એક વિદ્યાર્થી બોલ્યો, મેડમ પરાવલંબી જીવ એટલે શું તેની વ્યાખ્યા સમજાઈ ગઈ. મારી પડોશી મારા બાળકો માટે પ્રેક્ટીકલ ઉદાહરણ બની ગઈ.
જોવા મને આવ્યા અને લગ્ન મારી બહેનપણી સાથે કરી લીધા : મનીષા કરકર
મનિષાએ જણાવ્યું હતું કે મારા લગ્નની વાત ચાલતી હતી. મને જોવા માટે એક ડોક્ટર આવ્યો. મારી સાથે અડધો કલાક સુધી વાતચીત કર્યા બાદ બીજે દિવસે તેમનો જવાબ આવ્યો કે છોકરી બહુ જાડી છે અને મોટા મોટા ચશ્મા છે. મેં જઈને મારી ફ્રેન્ડ ખુશીને આ વાત કરી અને અમે તેની બહુ મજાક ઉડાવી કેમ કે તે પોતે પણ જાડ્યો હતો. હું પાછી છ મહીના પછી હોસ્ટેલથી ઘરે આવી તો ખુશીનો ફોન આવ્યો કે હું મારા ફિયાન્સ સાથે ગાર્ડનમાં આવું છું તું પણ આવ. હું પહોંચી તો તે તે જાડ્યા ડોક્ટરના હાથમાં હાથ પકડીને ઉભી હતી. અમે લગભગ 20 મિનીટ સુધી સતત પેટ પકડીને હસ્યા.