વડોદરા : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કેટલાક ખાનગી એકમોને અપાયેલી મિલ્કત વેરામાં રાહત આપી છે.જોકે કોચિંગ કલાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત નહીં મળતા તેઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. ત્યારે વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા મિલ્કત વેરામાં રાહત આપવા અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેને રજુઆત અમારો અવાજ સરકાર સુધી પહોંચાડી જલ્દીથી જલ્દી રાહત આપવા માટે માંગણી કરી હતી.
કોચિંગ કલાસના વ્યવસાયથી સરકારને વ્યયસાય વેરો, જીએસટી અને આવકવેરાના સ્વરૂપમાં મોટા પ્રમાણમાં આવક પ્રાપ્ત થાય છે છતાં પણ કોચિંગ કલાસને સરકાર તરફથી અન્યાય થયાનો આક્ષેપ કરાયાે હતાે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મોલ મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરેન્ટ,રિસોર્ટસ જીમ સહિતનાઓને મિલ્કત વેરામાં રાહત આપી છે.પરંતુ વધુ એક વખત કોચિંગ કલાસના વ્યવસાયને નિરાશાના ખપ્પરમાં ધકેલ્યા છે.રાહત પેકેજમાં કોચિંગ કલાસીસનો સમાવેશ કરવામાં નથી આવ્યો જેથી ગુરુવારે વડોદરા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ અશ્વિન પરમાર, ઇન્દ્રીશ વ્હોરા, નિલેશ શાહ સહિત સંચાલકો અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબહેન મોહિલેને રજુઆત કરી સરકાર સુધી પહોંચાડાય તેવી માંગણી કરી હતી.