Dakshin Gujarat

બારડોલીના રાજીવનગરમાં બસ સ્ટેન્ડનું વરસાદી પાણી જતું હોવાથી રહીશો હેરાન

બારડોલીના ગાંધીરોડ પર લિનિયર બસ સ્ટેન્ડ નજીક આવેલી રાજીવનગરની ગલી નં.1માં બસ સ્ટેન્ડનું વરસાદી પાણી જતું હોય સ્થાનિક રહેવાસીઓએ ગુરુવારના રોડ બસ સ્ટેન્ડમાં ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર રાજીવનગરની ગલી નં.1માં દર વર્ષે ચોમાસાની ઋતુમાં લિનિયર બસ સ્ટેન્ડમાંથી વરસાદી પાણી વહી આવે છે. છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક રહીશોને દર ચોમાસામાં મુશ્કેલી વેઠવી પડે છે.

વરસાદી પાણીને કારણે ગલીમાં આવેલા નીચાણવાળા વિસ્તારોના મકાનમાં પાણી ભરાય જવાને કારણે લોકોની હાલાકી વધી જતી હોય છે. સ્થાનિકોનું કહેવું છે રાજીવનગર ગલી નં.1માં પાણી ભરાવા અંગે અનેક વખત નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે. પરંતુ કોઈ કામગીરી થઈ નથી. ગલીમાં બસ સ્ટેન્ડનું ગંદું પાણી આવવાથી વિસ્તારમાં બીમારી ફેલાવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આથી રાજીવ નગરના રહીશો ગુરુવારના રોજ બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા અને ધરણાં કરી ડેપો મેનેજરને વરસાદી પાણીના યોગ્યની નિકાલની માંગ કરી હતી.

Most Popular

To Top