Entertainment

‘દિલ અપના પ્રિત પરાઇ’ના નિર્માતા કમાલ અમરોહી જૂઠા ને શોષણખોર મનાતા

દિલ અપના ઔર પ્રિત પરાઇ ફિલ્મ તમે જોઇ છે? ઘણાનો ઉત્તર ‘હા’ ને ઘણાનો ‘ના’ પણ હોય એમ પૂછીએ કે ‘અજીબ દાસ્તાં હે યે, કહાં શુરુ કહાં ખતમ’ ગીત સાંભળ્યું છે તો બધાના ઉત્તર હા હોય શકે. શંકર-જયકિશને રચેલી અવિસ્મરણીય ધૂનમાંની તે એક છે અને એ ગીત જ જાણે ફિલ્મ તરફ લઇ જાય છે. કિશોર સાહુના લેખન-દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં મીનાકુમારી, રાજકુમાર, નાદિરા હતા. મૂળ આ ફિલ્મમાં મીનાકુમારી, રાજકુમાર, નાદિરા હતા. મૂળ આ ફિલ્મમાં સ્વયં કિશોર સાહુ જ હીરોની ભૂમિકા કરવાના હતા પણ મીનાકુમારીને હીરોઇન તરીકે નક્કી કરવા ગયા ત્યારે તેમના પતિથી વધારે માલિક બની બેઠેલા કમાલઆરોહી કહે કે વાર્તા સંભળાવો. સાહુ સાહેબે એકદમ આરામથી આખી વાર્તા સંભળાવી. મીનાકુમારી તો એકદમ ખુશ.

તેઓ કહે કે મારા તરફથી હા છે અને એટલું કહી તેમણે એક ફિલ્મના શૂટિંગ માટે જવાનું હતું તો નીકળી ગયા. સાહુ સામે હવે અમરોહી હતા ને મીનાકુમારીની ફી નક્કી કરવાની હતી પણ અમરોહી કહે કે બે-ત્રણ દિવસમાં નક્કી કરીએ. વાત એમ હતી કે તે વખતે તેઓ ‘પાકિઝા’ના પ્લાનમાં હતા અને તે ફિલ્મ બનતાં વાર લાગવાની હતી એટલે નિર્માતા તરીકે તેઓ એકાદ ફિલ્મ બનાવવા માંગતા હતા. સાહુએ સંભળાવેલી વાર્તા પછી તેમને થયું કે આ ફિલ્મ નિર્માતા તરીકે હું જ બનાવીશ. બે દિવસ રહી કિશોર સાહુ આવ્યા તો કહયું કે મારો વિચાર આ છે. સાહુ વિચારે ચડયા કે હું નિર્માતા-દિગ્દર્શક તરકે મીનાકુમારીને સાઇન કરવા આવેલો અને હવે મારે સાઇન કરવાની વાત આવી છે. તેમણે ઘરે પત્નીને પૂછયું તો પત્ની કહે ‘ભલેને તેઓ નિર્માતા થાય. તમને પૂરતા પૈસા મળતા હોય તો બસ છે!’

કિશોર સાહુ એક સફળ ફિલ્મ બનાવવા માંગતા હતા અને અમરોહીનું કહેવું હતું કે તમે જે હીરો કહેશો તે નક્કી કરીશું. સાહુએ કહયું ‘તો પછી દિલીપકુમારને નક્કી કરીએ. કમાલ અમરોહી કહે કે, ‘ભલે, દિલીપકુમાર લઇએ! પણ મુહૂર્તની તિથી નજીક આવી તો પણ અમરોહી સ્પષ્ટતા જ ન કરે. સાહુએ પૂછી લીધું, ‘તો દિલીપકુમાર નક્કીને?’ તો અમરોહી કહે, ના, ના એને જવા દો. તેની સાથે મારે બનતું નથી. સાહુ કહે તો પછી અશોકકુમાર. તો અમરોહી કહે તેની સાથે મારે ગલતફહેમી છે. (મહલ બનાવી ચુકેલા તો પણ) ‘મધર ઇન્ડિયા’ ત્યારે જ આવી હતી એટલે સાહુ કહે, ‘તો રાજેન્દ્રકુમાર?’ અમરોહ કહે, ‘તેનો અવાજ મર્દાના નથી, સ્ત્રૈણ છે!

છેવટે સાહુ કહે એમ હોય તો શમ્મી કપૂરને લઇએ! અમરોહી કહે, ભલે! ને મુહૂર્તની તૈયારી શરૂ થઇ. અચાનક વળી અમરોહીનો ફોન ગયો, ‘આજનું સ્ક્રીન વાંચ્યું? આ કમબખ્ત શમ્મીકપૂરે તેમાં લેખ લખ્યો છે ને તેમાં મારા વિરુધ્ધ લખ્યું છે. હવે તે સોનાનો હોય તો પણ મારે નથી જોઇતો! સાહુએ વાંચ્યું અને શમ્મીને ફોન કર્યો તો તે કહે, ‘ધત મને શું ખબર કે તમે મને વિચારો છો? જો પહેલેથી કહયું હોત તો મીનાકુમારીને અમરોહી વિશે વખાણ કર્યા હોત!’ આખર મુહૂર્તનો દિવસ આવ્યો તો અમરોહીએ રાજકુમારને નક્કી કર્યા હતા. સાહુ નારાજ થઇ ગયા કે ‘મધર ઇન્ડિયા’માં તો નાની ભૂમિકા કરી છે. કયાં દિલીપકુમાર, અશોકકુમાર ને હવે રાજકુમાર? પણ નક્કી થઇ ચૂકયું હતું અને શૂટિંગ પણ શરૂ થયું. જો કે રાજકુમારને એ વાતનો ખટકો ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન રહયો કે તેઓ સાહુની પસંદ નહોતા.

‘દિલ અપના પ્રિત પરાઇ’નું શૂટિંગ પૂરું થવામાં બેજ દિવસ બાકી હતા ને અમરોહી કહે કે મારે ટ્રાયલ જોવી છે. ટ્રાયલનું ગોઠવાયું. ફિલ્મ બધાને ગમીપણ કમાલ અમરોહી કહે કે મને નથી ગમી અને કહું છું કે આ ફિલ્મ નિષ્ફળ જશે. તે તો ત્યાં સુધી કહેવા લાગ્યા કે સાવ કંટાળાજનક ફિલ્મ છે. આટલું કહયા પછી ઉમેર્યું મેં કેટલાંક ફેરફારો વિચાર્યા છે. જો તે દ્રશ્યો ફિલ્માવે તો બીજા 22 દિવસ શૂટિંગ કરવું પડે. સાહુ કહે તમારું સૂચન સ્વીકારીશ તો વાર્તા જ બદલાઇ જશે. અમરોહી કહે અરે ભાઇ, હું આ ફિલ્મનો નિર્માતા છું. મારા મતનું મૂલ્ય ખરું કે નહીં? અમરોહીએ તો કિશોર સાહુને આપવાના થતા રૂપિયા પણ અટકાવી દીધા.

એ સમયે કે. આસીફ એવા નિર્માતા હતા જે આવા ઝગડામાં વચ્ચે પડી ઉકેલ લાવે. સાહુએ તેમને વાત કરી કે આસીફે અમરોહીને બોલાવ્યા ને પૂછયું તમને સાહુએ જે વાર્તા સંભળાવેલી તે ગમેલી? તેઓએ જે દ્રશ્યો ફિલ્માવેલા તે ગમેલા? અમરોહીએ હા જ કહેવું પડે તેમ હતું છતાં કહે કે હું નિર્માતા છું તો હું કહું તેમ થવું જોઇએ. સાહુ કહે કે જો તમારી મુજબ ફેરફાર કરીશ તો મારા આત્મવિશ્વાસને આઘાત લાગશે. ફિલ્મો તો મારી રીતે જ પુરી કરીશ. આખર કે. આસીફનો ય એજ મત હતો એટલે એમ જ કરવું પડયું.

ફિલ્મ પુરી થઇને રોકસી થિયેટરના ટ્રાયલમાં એક અમરોહી સિવાય બધા ખુશ. તે તો એમ કહે કે આ ફિલ્મ નિષ્ફળ જ જશે. પણ રજૂ થઇ તો ચાલવા માંડી. સાહુએ કહયું સિલ્વર જયુબિલી તો થશે જ. અમરોહી કહે સવાલ જ નથી, લાગી શરત! એટલું જ નહીં તેમણે દિલદાર બોસની અદાથી ઉમેર્યું જો સિલ્વર જયુબિલી થઇ તો હું તમને નવી નકોર કાર ભેટ આપીશ. ને એવો ય દિવસ આવ્યો કે ‘દિલ અપના પ્રિત પરાઇ’ સિલ્વર જયુબિલી થઇ, પણ અમરોહી ગાયબ. એક દિવસ સાહુએ ફોન કરી તેમને યાદ અપાવતા કહયું તમે કહેલું કે જયુબિલી થતા કાર ભેટ આપીશ. તો મને મોટી નહીં એક ફિયાટ અપાવી દો.

અમરોહીની વાણી બગડી ગઇ. પ્રેઝન્ટ દિયા જાતા હે, સાહુ સાહબ, માંગા નહીં જાતા. મેં દૂંગા મગર અપની મરજી સે દૂંગા. પણ પછી એવો દિવસ કયારેય ન આવ્યો. અમરોહીએ વાત જ કરવાની બંધ કરી દીધી. કિશોર સાહુને ય લાગ્યું કે આવા માણસને યાદ અપાવવામાં આપણું કોઇ ગૌરવ નથી. પણ હા, એ દુ:ખ તેમને થયું કે અમરોહીએ સામા ચાલીને જે ફિલ્મ માંગી લીધેલી તે ન આપતે તો સારું! અમુક લોકો એવા જ હોય છે! અમરોહીની ‘મહલ’, ‘પાકિઝા’ જુઓ તો જબર્દસ્ત દિગ્દર્શક જણાશે પણ વ્યકિત તરીકે તેઓ ઘણા નીચે ઉતરી શકતા. મીનાકુમારીના જ પૈસાથી ‘પાકિઝા’ બનાવી અને હંમેશા મીનાજીને જ દબાવેલા રાખ્યા.

Most Popular

To Top