વડોદરા: રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકો રસી લઈને કોરોનાનાં સંક્રમનથી બચે તે માટેના પ્રયાસો આદરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશ્નરની સૂચનાથી શહેરના જીઆઇડીસીના વિસ્તારોમાં જઈને કામદારોને કામના સ્થળ પરજ રસી આપવા માટેના અભિયાનનો રાજ્યમાં વડોદરાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નિષ્ણાતોએ સેકન્ડ વેવ કરતા થર્ડ વેવ વધુ ઘાતક થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે ત્યારે વડોદરા શહેર પોલીસે માનવીય અભિગમ અપનાવી સંભવિત થર્ડ વેવને હળવી પાડવાના પ્રયાસના ભાગ રૂપે આરોગ્ય વિભાગ અને વીસીસીઆઈ સાથે મળીને ઔધોગિક એકમોમાં ડોર ટુ ડોર વેકસિનેશનનો અભિયાન શરૂ કર્યો છે . વડોદરા સહિત રાજ્યમાં કોરોનાના બીજી લહેરમાં સંખ્યાબંધ લોકો કોરોના સંક્રમિત થયા હતા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પરિસ્થિતિમાંથી માંડ બહાર આવ્યા છે અને ત્રીજી લહેરની પ્રબળ સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે સંભવિત તેને પહોંચી વળવા વહીવટી તંત્ર કામે લાગ્યું છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા જીઆઇડીસીના ઔદ્યોગિક વિસ્તારોમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. 3500 જેટલાં ઔધોગિક એકમોમાં કામ કરતા આશરે 50 હજાર કર્મચારીઓ જેમને કોરોના રસી લેવાની બાકી હોય તેમને રસી આપવાની શરૂઆત કરાઈ . બીજી લહેરમાં ઔદ્યોગિક એકમોમાં વધુ કામદારો કોરોના સંક્રમિત થયા હતા જેને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ દ્વારા મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલ ઓધોગિક એકમો માં કામ કરતા કર્મચારીઓને રસી આપવાનનું શરૂ કરાયું છે .જેમાં આરોગ્ય કર્મચારીઓ વેક્સિન સાથે જે તે કંપનીમાં પહોંચીને કંપનીના કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે.