Dakshin Gujarat

બોરદામાં ‘અભણ’ સરપંચના પતિની ગ્રા.પં.માં વહીવટી દખલગીરીથી 5 સભ્યનાં રાજીનામાં

નિઝરના બોરદા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના વિકાસલક્ષી કામો ન થતાં તેમજ ગ્રામ પંચાયતનો કારોભાર મહિલા સરપંચનો પતિ સંભાળતો હોવાથી આ ગ્રામ પંચાયતના પાંચેક સભ્યોએ નિઝર તાલુકા પંચાયત સમક્ષ સામૂહિક રીતે રાજીનામાં ધરતાં હડકંપ મચી ગયો છે. નિઝર તાલુકા વિકાસ અધિકારીને આ સભ્યોએ જણાવ્યું છે કે, તેમના વોર્ડમાં સતત વિકાસનાં કામોની માંગણી છેલ્લાં સાડા ચાર વર્ષથી કરતા આવ્યા છે. સામાન્ય સભાના ઠરાવમાં પણ કામોની માંગણી કરી પણ તમામ વહીવટ સરપંચ અભણ હોવાથી એમના પતિ દ્વારા જ થતું આવ્યું છે.

હાલ સબ મર્શિબલ દ્વારા પાણીની સુવિધા કરી તેની પણ પોતાના માનીતાને ત્યાં જ સ્વિચ મૂકી છે. જે પાણી પણ પોતે જ ઉપયોગ કરે છે. ગ્રામજનો આજે પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. આ સભ્યોના વોર્ડમાં એકેય પ્રાથમિક સુવિધાઓ કે સરકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. હાલ કોરોના માહામારીમાં માત્ર મજૂરી પર નિર્ભર લોકોની હાલત કફોડી થઇ છે. જ્યાં મનરેગાનાં કામોમાં પણ માનીતાને જ રોજગારી આપવામાં આવી, ટ્રેક્ટર-જેસીબી જેવી મશીનરીનો ઉપયોગ કર્યો છે. ઘણાને રોજગારી પણ આપી નથી.

સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી પણ રાજકીય દબાણના કારણે કોઇપણ જાતનું નિરાકરણ આવતું નથી. ગ્રામ પંચાયતનો સંપૂર્ણ વહીવટ સરપંચના પતિ જ કરતો આવ્યો છે. તેઓ અભણ હોવાથી સત્તાનો દુરુપયોગ સાથે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. સરપંચ અભણ હોવાથી એમને યોજનાઓ વિશે કંઇ જ ખબર પડતી નથી. જેમને તાત્કાલિક સત્તા પરથી દૂર કરવામાં આવે. જો સરકારી તંત્ર દ્વારા ગામની પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત લઇ તપાસ કરે તો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. સરપંચનો પતિ વહીવટ કરતો હોવાથી ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ છેલ્લા માનવી સુધી પહોંચાડી શક્યા નથી. લોકોને ખોટું આશ્વાસન આપીએ એના કરતાં અમે રાજીનામું આપીએ છીએ, તેવું જણાવી સભ્યોએ રાજીનામું સ્વીકારવા ટીડીઓને લેખિત જણાવ્યું છે.

Most Popular

To Top